અમેરિકાના આગામી રાજદૂત સર્જિયો ગોરે શનિવારે (11 ઑક્ટોબર, 2025) જણાવ્યું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને “મહાન અને ખાસ મિત્ર” માને છે.
નવી દિલ્હીમાં વડાપ્રધાન મોદીને મળ્યા બાદ સર્જિયો ગોરે આ નિવેદન આપ્યું હતું.
ગોરે વડા પ્રધાન મોદીને વ્હાઇટ હાઉસમાં પીએમ મોદીની અમેરિકા મુલાકાત દરમિયાન લેવાયેલો ટ્રમ્પ અને મોદીની સાથેનો ફોટોગ્રાફ ભેટમાં આપ્યો હતો. આ ફોટોગ્રાફ પર ડોનાલ્ડ ટ્રમ્પની સહી અને સંદેશ સાથે લખ્યું હતું — “શ્રીમાન વડા પ્રધાન, તમે મહાન છો.”
સર્જિયો ગોર ડેપ્યુટી સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર મેનેજમેન્ટ એન્ડ રિસોર્સિસ માઈકલ જે. રિગાસ સાથે છ દિવસની ભારત મુલાકાતે આવ્યા છે, જેમાં તેઓ વરિષ્ઠ ભારતીય અધિકારીઓ સાથે બેઠક કરશે.
પીએમ મોદીએ X પર ફોટો શેર કર્યો
મુલાકાત બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ શેર કરી.
પોસ્ટમાં પીએમ મોદીએ લખ્યું
“ભારતમાં આવનારા અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરને મળીને આનંદ થયો. મને વિશ્વાસ છે કે તેમનો કાર્યકાળ ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવશે.”
આ પોસ્ટ પછી બંને દેશો વચ્ચે વધતા સહકારને લઈને ચર્ચા તેજ થઈ છે.
“મુલાકાત અદ્ભુત રહી”: સર્જિયો ગોર
સર્જિયો ગોરે વડા પ્રધાન મોદીને મળ્યા બાદ જણાવ્યું કે તેમની મુલાકાત “અદ્ભુત” રહી.
પત્રકારોને સંબોધતા તેમણે કહ્યું,
“અમે સંરક્ષણ (Defence), વેપાર (Trade), ટેકનોલોજી (Technology) સહિત અનેક દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા કરી. વધુમાં, અમે મહત્વપૂર્ણ ખનિજોના (Critical Minerals) મહત્વ પર ગંભીર ચર્ચા કરી.”
તેમણે ઉમેર્યું કે,
“રાષ્ટ્રપતિ ટ્રમ્પ વડા પ્રધાન મોદીને નજીકના મિત્ર તરીકે જોવે છે. હું નવી દિલ્હી જવા રવાના થયો તે પહેલાં બંને નેતાઓ વચ્ચે ખાસ ફોન કોલ થયો હતો, અને આ સંવાદ આવનારા અઠવાડિયા અને મહિનાઓ સુધી ચાલુ રહેશે.”