PM Modi Mann Ki Baat: મિડલ ઈસ્ટ સંકટ પર PM મોદીએ મનકી બાતમાં દેશવાસીઓને ખાસ ચેતવણી આપી છે. સાથે આ સંકટના સમયમાં દરેકને સાવધાન રહેવા માટે પણ અપીલ કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ‘મન કી બાત’ કાર્યક્રમમાં મિડલ ઈસ્ટમાં વધતા તણાવ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે સ્પષ્ટ જણાવ્યું કે આ પરિસ્થિતિ માત્ર એક પ્રદેશ પૂરતી મર્યાદિત નથી, પરંતુ તેનો પ્રભાવ વૈશ્વિક સ્તરે જોવા મળી રહ્યો છે. ઈરાન સાથે જોડાયેલા સંઘર્ષ અને વધતી અસ્થીરતાને કારણે વિશ્વના અનેક દેશો અસર અનુભવી રહ્યા છે અને ભારત પણ આથી અસ્પર્શિત રહી શકતું નથી.
પેટ્રોલ-ડીઝલ અને અર્થતંત્ર પર અસરઃ
PM મોદીએ ખાસ કરીને ઊર્જા ક્ષેત્રને લઈને ચેતવણી આપી હતી. તેમણે કહ્યું કે મિડલ ઈસ્ટમાં તણાવ વધતા તેલ સપ્લાય ચેઇન પર દબાણ વધી શકે છે, જેના કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થઈ શકે છે. આથી સામાન્ય નાગરિકના દૈનિક જીવન પર સીધી અસર પડે તેવી શક્યતા છે. પરિવહન ખર્ચ વધવાથી મોંઘવારીમાં પણ વધારો થઈ શકે છે.
અફવાઓથી દૂર રહેવાની અપીલઃ
તેમણે દેશવાસીઓને ખાસ અપીલ કરી કે આવી પરિસ્થિતિમાં અફવાઓથી દૂર રહેવું ખૂબ જ જરૂરી છે. સોશિયલ મીડિયા પર ફેલાતી ખોટી માહિતી લોકોને ગેરમાર્ગે દોરી શકે છે, તેથી સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ રાખવો જોઈએ. દરેક નાગરિકે જવાબદારીપૂર્વક વર્તન કરીને દેશની એકતા જાળવવી જોઈએ.
એકતા જ સૌથી મોટી શક્તિઃ
PM મોદીએ ભારપૂર્વક કહ્યું કે કોઈપણ વૈશ્વિક સંકટનો સામનો કરવા માટે દેશની એકતા સૌથી મહત્વપૂર્ણ છે. કોરોના મહામારી દરમિયાન જેમ દેશે એકતાથી પરિસ્થિતિનો સામનો કર્યો હતો, તેમ હવે પણ સૌએ મળીને પડકારોનો સામનો કરવો જરૂરી છે. એકતા અને સંયમથી જ દેશ મજબૂત બની શકે છે.
આ પણ ખાસ વાંચોઃ પેટ્રોલ-ડીઝલની અછત વચ્ચે આ એક દરિયાઇ માર્ગથી દુનિયાને હચમચાવી શકે છે ઇરાન
ભારતની તૈયારી અને અભિગમઃ
પ્રધાનમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે ભારત સરકાર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે અને જરૂરિયાત મુજબ પગલાં લઈ રહી છે. ભારતે હંમેશા શાંતિપૂર્ણ ઉકેલને પ્રાથમિકતા આપી છે અને વૈશ્વિક સ્તરે સંતુલિત અભિગમ અપનાવ્યો છે. દેશના હિતોને સુરક્ષિત રાખવા માટે સરકાર તમામ સંભવિત પગલાં લઈ રહી છે.





