પંચમહાલ: વિશ્વપ્રસિદ્ધ શક્તિપીઠ પાવાગઢ ખાતે આસ્થા અને ભક્તિનો એક અનોખો સમન્વય જોવા મળ્યો છે. માં કાલિકાના ધામમાં ૨૪ કરોડ નવાર્ણ મંત્રોની આહુતિ સાથે એક ભવ્ય વિશ્વ રેકોર્ડ સ્થાપિત થયો છે. પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા આયોજિત આ અદ્ભુત ધાર્મિક અનુષ્ઠાને 'વર્લ્ડ રેકોર્ડ બુક ઓફ ઈન્ડિયા'માં પોતાનું નામ સુવર્ણ અક્ષરે નોંધાવ્યું છે. જે લક્ષ્યાંક પૂર્ણ કરવા માટે ૧ વર્ષનો સમય નિર્ધારિત કરાયો હતો, તે શ્રદ્ધાળુઓની અતૂટ આસ્થાને કારણે માત્ર ૭૬ દિવસમાં જ પૂર્ણ કરી લેવામાં આવ્યો છે.
પાવાગઢ ડુંગર પર બિરાજતા માં મહાકાળીના સાનિધ્યમાં આયોજિત આ મહાયજ્ઞમાં સમરસતાનો અનોખો સંદેશ વહેતો થયો હતો. ૧૫ જાન્યુઆરીથી શરૂ થયેલ આ યજ્ઞમાં ગુજરાત સહિત દેશ-વિદેશના ભક્તોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સમગ્ર વિશ્વમાં શાંતિ અને લોકકલ્યાણની ભાવના સાથે આયોજિત આ કાર્યક્રમમાં શ્રદ્ધાળુઓએ મંત્રજાપ અને આહુતિ આપીને આધ્યાત્મિક ઉર્જાનો અનુભવ કર્યો હતો. ૩૧ માર્ચ ૨૦૨૬ના રોજ આ મહાયજ્ઞની પૂર્ણાહુતિ થતા જ પાવાગઢ વિશ્વભરના આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે.
1 વર્ષનો લક્ષ્યાંક માત્ર 76 દિવસમાં પૂર્ણ
મંદિર ટ્રસ્ટ દ્વારા 24 કરોડ નવાર્ણ મંત્રોની આહુતિ આપવાનો જે સંકલ્પ કરવામાં આવ્યો હતો, તેને પૂર્ણ કરવા માટે અંદાજે ૧ વર્ષનો સમય લાગશે તેવું અનુમાન હતું. જોકે, માં કાલિકાના ભક્તોના અવિરત પ્રવાહ અને શક્તિને કારણે આ ભગીરથ કાર્ય માત્ર 76 દિવસમાં જ સંપન્ન થયું છે. આ ઝડપી સફળતાએ આધ્યાત્મિક જગતમાં આશ્ચર્ય અને આનંદની લહેર ફેલાવી દીધી છે.

90 હજારથી વધુ ભક્તોની સક્રિય ભાગીદારી
આ વિશ્વ રેકોર્ડ સર્જવામાં જન-ભાગીદારીનો મોટો ફાળો રહ્યો છે. આંકડાઓ મુજબ, આ અનુષ્ઠાનમાં 90 હજારથી વધુ ભક્તોએ પ્રત્યક્ષ રીતે જોડાઈને આહુતિ આપી હતી. જ્ઞાતિ-જાતિના ભેદભાવ ભૂલીને હજારો શ્રદ્ધાળુઓએ એકસાથે મંત્રોચ્ચાર કરતા પાવાગઢનું વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. આ ભવ્ય આયોજનમાં દરેક ભક્તની આસ્થા જ આ રેકોર્ડનો મુખ્ય આધાર બની છે.
ડિજિટલ ડોક્યુમેન્ટેશનથી વિશ્વ રેકોર્ડની ખાતરી
રેકોર્ડની પારદર્શિતા અને ચોકસાઈ જાળવવા માટે મંદિર ટ્રસ્ટ દ્વારા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સમગ્ર પ્રક્રિયાનું ડિજિટલ અને વિડિયો ડોક્યુમેન્ટેશન તૈયાર કરવામાં આવ્યું હતું. દરેક આહુતિ અને મંત્રજાપની ગણતરી વૈજ્ઞાનિક પદ્ધતિથી નોંધવામાં આવી હતી, જેના આધારે 'વર્લ્ડ રેકોર્ડ બુક ઓફ ઈન્ડિયા' દ્વારા આ સિદ્ધિને સત્તાવાર માન્યતા આપવામાં આવી છે.
આ પણ વાંચો: ગુજરાતના આ 3 શહેરોમાં પરિવહન સેવા થશે વધુ મજબૂત : મુખ્યમંત્રી શહેરી બસ સેવા અંતર્ગત 17 નવા રૂટને મળી મંજૂરી
સમરસતા અને આસ્થાનો વિશ્વને સંદેશ
પાવાગઢ મંદિર ટ્રસ્ટનું નામ વિશ્વ ફલક પર ચમકતા ટ્રસ્ટીઓ અને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ માત્ર એક રેકોર્ડ નથી, પરંતુ ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મની શક્તિનું પ્રતીક છે. આ મહાયજ્ઞ દ્વારા શક્તિપીઠ પાવાગઢે વિશ્વભરમાં સમરસતા, શાંતિ અને અતૂટ આસ્થાનો સંદેશ ફેલાવ્યો છે.






