CM Urban Bus Service: રાજ્યના નગર અને મહાનગરોમાં વસતા નાગરિકોની સુખાકારી અને આધુનિક પરિવહન સેવાઓ પૂરી પાડવા માટે રાજ્ય સરકાર દ્વારા વધુ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી શહેરી બસ સેવા યોજના હેઠળ નવસારી, વાપી અને પાલનપુરમાં પરિવહન વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવા માટે નવા 17 રૂટને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણયથી સામાન્ય નાગરિકો માટે મુસાફરી વધુ સરળ અને આર્થિક રીતે સસ્તી બનશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ લેવાયેલા આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરી વિસ્તારોમાં છેવાડાના નાગરિકો સુધી બસ કનેક્ટિવિટી પહોંચાડવાનો છે. રાજ્ય સરકારના આ આયોજનબદ્ધ નિર્ણયથી શહેરોમાં ટ્રાફિકનું ભારણ ઘટવાની સાથે પર્યાવરણના રક્ષણમાં પણ મદદ મળશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, અંતરિયાળ વિસ્તારો સુધી બસ સેવા પહોંચવાથી સામાન્ય જનતાના સમય અને નાણાં બંનેની મોટી બચત થશે.
નવસારીમાં 07 નવા રૂટ: શહેરના ખૂણે-ખૂણે પહોંચશે બસ
નવસારી મહાનગરપાલિકા વિસ્તારના વિકાસ અને વધતી જતી વસ્તીને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા નવા 7 રૂટ મંજૂર કરવામાં આવ્યા છે. નવસારીમાં આ નવા રૂટ શરૂ થવાથી સ્થાનિક નાગરિકોને શહેરના એક છેડેથી બીજા છેડે જવા માટે ખાનગી વાહનો કે રિક્ષા પર નિર્ભર રહેવાને બદલે સસ્તી અને સુવિધાયુક્ત સરકારી બસ સેવા ઉપલબ્ધ થશે.
વાપીના ઔદ્યોગિક હબને મળશે મોટી રાહત
વાપી મહાનગરપાલિકા વિસ્તાર માટે નવા 4 રૂટની મંજૂરી આપવામાં આવી છે. વાપી એક મોટું ઔદ્યોગિક હબ હોવાથી ત્યાં મોટી સંખ્યામાં શ્રમિકો અને નોકરિયાત વર્ગ વસે છે. નવા બસ રૂટ શરૂ થવાથી શ્રમિકોને તેમના કાર્યસ્થળ સુધી પહોંચવામાં મોટી રાહત મળશે અને ખાનગી વાહનોના વપરાશમાં ઘટાડો થતા ટ્રાફિકની સમસ્યામાં પણ સુધારો જોવા મળશે.
પાલનપુરમાં વિદ્યાર્થીઓ અને સામાન્ય જનતાને સીધો લાભ
બનાસકાંઠાના મુખ્ય મથક એવા પાલનપુર નગરપાલિકા વિસ્તાર માટે પણ નવા 6 રૂટ મંજૂર કરવામાં આવ્યા છે. પાલનપુરમાં બસ સેવાનો વ્યાપ વધવાથી આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓ અને રોજબરોજના કામ અર્થે આવતી જનતાને સલામત અને સમયબદ્ધ સવારીનો લાભ મળશે.
સુવિધાયુક્ત અને સલામત સવારીનો સંકલ્પ
રાજ્ય સરકાર આ યોજના હેઠળ આધુનિક બસો દ્વારા નાગરિકોને સલામત સવારીનો અનુભવ કરાવવા માટે કટિબદ્ધ છે. આ નવા ૧૭ રૂટ શરૂ થવાથી માત્ર પરિવહન વ્યવસ્થા જ નહીં, પરંતુ જે-તે શહેરોના સર્વાંગી વિકાસમાં પણ આ નિર્ણય પૂરક સાબિત થશે. સરકારના આ પગલાથી નાગરિકોની રોજિંદી મુસાફરી વધુ સુગમ બનશે.






