Dholka Accident: અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના વાલથેરા ગામ પાસે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. બાપા સીતારામ મંદિર પાસે એક કાર બેકાબૂ થઈને પલટી મારી જતાં પરિવારના ત્રણ સભ્યોના કરુણ મોત નિપજ્યા છે. સગાઈના ખુશીના પ્રસંગમાં જઈ રહેલો પરિવાર રસ્તામાં જ અકસ્માતનો ભોગ બનતા પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
મળતી માહિતી મુજબ, આ પરિવાર અમદાવાદના બારેજાથી નીકળીને વાલથેરા મુકામે એક સગાઈના પ્રસંગમાં હાજરી આપવા જઈ રહ્યો હતો. કાર જ્યારે વાલથેરા પાસે આવેલા બાપા સીતારામ મંદિર નજીક પહોંચી ત્યારે ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે કારમાં સવાર વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને જોતજોતામાં ખુશીનો પ્રસંગ માતમના માહોલમાં ફેરવાઈ ગયો હતો.
સારવાર મળે તે પહેલા જ તોડાયો કાળ
અકસ્માત બાદ સ્થાનિકો અને રાહદારીઓ મદદ માટે દોડી આવ્યા હતા. ઇજાગ્રસ્તોને તાત્કાલિક ધોળકાની એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ કમનસીબે બે વ્યક્તિઓએ હોસ્પિટલ પહોંચતાની સાથે જ અથવા સારવાર મળે તે પહેલા જ દમ તોડી દીધો હતો. અન્ય બે ઇજાગ્રસ્તોને બગોદરાની એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા, જે પૈકી વધુ એક વ્યક્તિનું મૃત્યુ થતાં કુલ મૃત્યુઆંક ૩ પર પહોંચ્યો છે.
3 ના મોત અને 3 ઈજાગ્રસ્ત
આ કરુણ ઘટનામાં અત્યાર સુધીમાં કુલ ત્રણ વ્યક્તિઓના મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે અન્ય ત્રણ વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે. ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને અકસ્માત અંગેની વધુ તપાસ હાથ ધરી છે.
ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાયો
પરિવાર બારેજાથી ખૂબ જ ઉત્સાહ સાથે સગાઈના પ્રસંગમાં હાજરી આપવા નીકળ્યો હતો. વાલથેરા પહોંચતા પહેલા જ રસ્તામાં અકસ્માત નડતા સગાઈના સ્થળે પણ શોકનું મોજું ફરી વળ્યું છે. આ ઘટનાને પગલે વાલથેરા અને બારેજા પંથકમાં ઘેરા શોકની લાગણી જોવા મળી રહી છે.





