Sim Racing India: ભારતમાં સ્પોર્ટ્સ કલ્ચર ઝડપથી બદલાઈ રહ્યું છે અને હવે પરંપરાગત રમતોની સાથે ઈ-સ્પોર્ટ્સ અને સિમ રેસિંગનો ક્રેઝ પણ યુવાનોમાં વધી રહ્યો છે. આ દિશામાં એક મોટું કદમ ઉઠાવતા 'સિમ રેસિંગ ઈન્ડિયા ઓપન 2026'નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભારતીય સ્ટાર ક્રિકેટર શ્રેયસ ઐયર પ્રથમ વખત સત્તાવાર બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જોડાયા છે. મુંબઈ ફાલ્કન્સ રેસિંગ લિમિટેડ (MFRL) દ્વારા આ પ્રતિષ્ઠિત F1 સિમ રેસિંગ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધા માત્ર એક ગેમ નથી, પરંતુ ભારતના ખૂણે-ખૂણે છુપાયેલા રેસિંગ ટેલેન્ટને વૈશ્વિક મંચ પૂરો પાડવાનો એક નવતર પ્રયાસ છે. શ્રેયસ ઐયરના જોડાવાથી આ ઇવેન્ટને નવી ઊંચાઈ મળી છે. શ્રેયસે જણાવ્યું હતું કે ભારત હવે માત્ર ક્રિકેટ પૂરતું સીમિત નથી રહ્યું, પરંતુ તમામ સ્પોર્ટ્સમાં દેશના યુવાનો આગળ આવી રહ્યા છે અને સિમ રેસિંગ એ યુવા પેઢી માટે પોતાની આવડત બતાવવાનું એક ખૂબ જ મોટું પ્લેટફોર્મ સાબિત થશે.
આજથી રજિસ્ટ્રેશનનો પ્રારંભ
રેસિંગના શોખીનો માટે ખુશખબર એ છે કે મુંબઈ ફાલ્કન્સ રેસિંગ લિમિટેડ (MFRL) માટે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા આજથી શરૂ થઈ રહી છે. જે યુવાનો ફોર્મ્યુલા 1 રેસિંગમાં રસ ધરાવે છે તેઓ આ સ્પર્ધામાં ભાગ લેવા માટે પોતાનું નામાંકન કરાવી શકે છે. આ સ્પર્ધા ડિજિટલ પ્લેટફોર્મ પર હોવાથી વધુમાં વધુ લોકો તેમાં જોડાઈ શકશે.

પ્લે સ્ટેશન અને એક્સબોક્સ પર જામશે જંગ
આ સ્પર્ધાની ખાસિયત એ છે કે ભાગ લેનાર સ્પર્ધકો PlayStation 5 (PS5) અને Xbox જેવા અત્યાધુનિક ગેમિંગ કન્સોલ પર સ્પર્ધા કરી શકશે. અત્યાધુનિક ગ્રાફિક્સ અને રિયલ-ટાઇમ અનુભવ સાથે સ્પર્ધકોને ખરેખર F1 ટ્રેક પર હોવાનો અહેસાસ થશે. આ ટેકનોલોજીના માધ્યમથી રેસિંગના ચાહકોને ઘરબેઠાં પોતાની પ્રતિભા સાબિત કરવાની તક મળશે.
ઓનલાઈન ક્વોલિફાયર અને મુંબઈમાં ગ્રાન્ડ ફિનાલે
સ્પર્ધાના માળખા અંગે વાત કરીએ તો, આવતા મહિને ઓનલાઈન ક્વોલિફાયર રાઉન્ડ યોજવામાં આવશે. આ રાઉન્ડમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ખેલાડીઓ ફાઇનલ માટે પસંદ થશે. સિમ રેસિંગ ઈન્ડિયા ઓપન 2026નો ગ્રાન્ડ ફાઇનલ રાઉન્ડ નવેમ્બર મહિનાના અંત ભાગમાં મુંબઈ ખાતે યોજાશે, જ્યાં દેશના સર્વશ્રેષ્ઠ સિમ રેસર્સ વચ્ચે ખરાખરીનો જંગ જામશે.
"ભારત સ્પોર્ટ્સ ક્ષેત્રે આગળ વધી રહ્યું છે" - શ્રેયસ ઐયર
ઇવેન્ટ લોન્ચ પ્રસંગે બ્રાન્ડ એમ્બેસેડર શ્રેયસ ઐયરે આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ભારતીય રમતગમતનું ભવિષ્ય ઉજ્જવળ છે. તેમણે ઉમેર્યું કે, "માત્ર ક્રિકેટ જ નહીં, પરંતુ તમામ પ્રકારની રમતોમાં ભારતીય યુવાનો હવે આંતરરાષ્ટ્રીય સ્તરે નામ કરી રહ્યા છે. સિમ રેસિંગ જેવી ઇવેન્ટ્સથી ડિજિટલ યુગના ખેલાડીઓને નવું પ્રોત્સાહન મળશે."





