સરકારી હોસ્પિટલમાં કોણ જાય ? ત્યાં તો કેવી સારવાર થતી હશે ? આવો પ્રશ્ન કેટલાક દર્દીના મનમાં થતો હોય છે, પણ ગાંધીનગર સેકટર-22માં આવેલી આયુર્વેદિક હોસ્પિટલ જ્યાં 33 વર્ષથી સરકારી સેવા આપતા વૈધ રાકેશ ભટ્ટની દર્દીઓ આતુરતાથી રાહ જોતા હોય છે. વૈધ રાકેશ ભટ્ટ પ્રતિદિન આયુર્વેદિક હોસ્પિટલમાં 200 જેટલા દર્દીઓની સારવાર કરે છે. આ આયુર્વેદિક હોસ્પિટલમાં દેશ – વિદેશથી દર્દીઓ સારવાર અર્થે આવે છે અને સાજા થઈને આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિની સાથે રાજ્ય સરકારનો પણ આભાર માને છે.

સરકારી આયુર્વેદિક હોસ્પિટલ બની આરોગ્ય મંદિર
આ આયુર્વેદિક હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ અને વૈધ રાકેશ ભટ્ટે જણાવ્યું હતું કે, સરકારી આયુર્વેદિક કોલેજમાં ભણીને તા. 04 મે 1992 થી વિવિધ આયુર્વેદ હોસ્પિટલમાં અંદાજિત 33 વર્ષથી દર્દીઓની સેવા કરી રહ્યો છું તે માટે ગુજરાત સરકારનો આભાર માનું છું. આપણા દેશમાં પ્રાચીન સમયથી ગ્રંથો અને પુરાણોમાં આયુર્વેદ શાસ્ત્રનું ઘણું જ મહત્વ દર્શાવવા આવ્યું છે. વર્તમાન સમયમાં જલ્દી સાજા થવાની જિજીવિષાને કારણે નાગરિકો આયુર્વેદને ભૂલીને અન્ય દવાઓ લેવા મજબૂર થયા છે જે શરીર માટે લાંબા ગાળે નુકશાનકારક છે.
33 વર્ષથી દર્દીઓની સેવામાં
વધુમાં વૈધએ જણાવ્યું છે કે, ચિકનગુનિયાનો રોગ વર્ષ -2006માં ખુબ ફેલાયો હતો, ત્યારબાદ અમે રિસર્ચ કરીને એક આયુર્વેદિક ઉકાળો બનાવ્યો હતો. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગની સૂચનાના આધારે તે આયુર્વેદિક ઉકાળાનો ભાદરવી પૂનમ નિમિત્તે અંબાજી ખાતે દર્શનાર્થે આવતા અંદાજે 6 લાખથી વધુ ભક્તોએ લાભ લીધો હતો. આ સફળતા બાદ ચિકનગુનિયાનો રોગ મટાડતા આયુર્વેદિક ઉકાળાનો સામાન્ય નાગરિકો પણ સાવચેતીના ભાગરૂપે તેનો ઉપયોગ કરતા થયા છે. ચિકનગુનિયાના રોગ પછી રાજ્યના નાગરિકોમાં સ્વાભાવિક રીતે આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ વિશે વધુ જાગૃતિ આવી અને આયુર્વેદિક હોસ્પિટલનો દર્દીઓ લાભ લેતા થયા. કોરોનાના સમયગાળા દરમિયાન રાજ્યના નાગરિકોએ વિવિધ આયુર્વેદિક ઉકાળા દ્વારા પોતાની ઈમ્યુનિટીમાં વધારો કરીને કોરોનાને હરાવ્યો હતો.
વિદેશથી દર્દીઓ કરાવે છે નિશૂલ્ક ઉપચાર
આ હોસ્પિટલમાં લાઈફસ્ટાઈલને લગતા દર્દીઓ, ચામડીના દર્દીઓ, સાંધાનાં દુખાવા- રૂમેટોલોજી, સાઈટીકા, સોરાઈસીસના દર્દીઓ વધુ પ્રમાણમાં આવે છે. આ ઉપરાંત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતથી પ્રેરણા લઈને અમારી હોસ્પિટલમાં સારવાર અર્થે જે દર્દી દાખલ થાય છે તેને હોસ્પિટલમાં જ પ્રાકૃતિક ખેતી દ્વારા તૈયાર કરાયેલો ખોરાક આપવામાં આવે છે તેમજ દર્દીને પ્રાકૃતિક ખેતીના ફાયદા અંગે સમજણ આપી જાગૃત કરવામાં આવે છે.






