દેશભરમાં પેપર લીકની વધતી ઘટનાઓ સામે કેન્દ્ર સરકારે વધુ કડક વલણ અપનાવ્યું છે. શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં 'પેપર લીક કાયદા સુધારા વિધેયક'ને મંજૂરી આપવામાં આવી છે. સરકારનો દાવો છે કે નવા સુધારા બાદ પેપર લીક જેવા સંગઠિત ગુનાઓ સામે ઝડપી અને અસરકારક કાર્યવાહી શક્ય બનશે.
નવી જોગવાઈઓ હેઠળ પેપર લીક સંબંધિત કેસોની ઝડપી સુનાવણી માટે સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટને કાનૂની આધાર (Legal Backing) આપવામાં આવશે. ઉપરાંત આ કોર્ટોને આવા કેસોમાં ત્રણ મહિનાની અંદર સુનાવણી પૂર્ણ કરીને ચુકાદો આપવાનો પ્રયાસ કરવાનો પ્રાવધાન પણ કરવામાં આવ્યો છે.
પેપર લીક માફિયાઓ સામે વધુ કડક સજા
સુધારાયેલા વિધેયકમાં પેપર લીકના ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓ સામે સજાની જોગવાઈ પણ વધુ કડક બનાવવામાં આવી છે. નવા પ્રસ્તાવ મુજબ દોષિતોને મહત્તમ 10 વર્ષની જેલ ઉપરાંત ₹10 કરોડ સુધીનો દંડ થઈ શકશે. સરકારનું માનવું છે કે કડક સજા અને ઝડપી ન્યાયિક પ્રક્રિયા પેપર લીકના સંગઠિત રેકેટ સામે અસરકારક સાબિત થશે.
આ પણ વાંચો: 'મેં કેસ લિસ્ટ કરવાનો ઇનકાર કર્યો નહોતો' : 'સમય બરબાદ ન કરો' ના નિવેદન પર CJI ની સ્પષ્ટતા
સંસદમાં ટૂંક સમયમાં રજૂ થશે વિધેયક
કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી બાદ હવે આ સુધારા વિધેયકને સંસદના વર્તમાન ચોમાસુ સત્ર દરમિયાન રજૂ કરવામાં આવશે. સરકાર તેને વહેલી તકે બંને ગૃહોમાંથી પસાર કરાવી કાયદાનું સ્વરૂપ આપવા પ્રયાસ કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અગાઉ જણાવ્યું હતું કે પેપર લીક માત્ર પરીક્ષાની ગેરરીતિ નથી, પરંતુ લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જોડાયેલો ગંભીર મુદ્દો છે. તેથી દોષિતોને ઝડપથી સજા મળે તે માટે ફાસ્ટ ટ્રેક કોર્ટની વ્યવસ્થા જરૂરી બની છે.
આ પણ વાંચો: 'ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગનું શું થયું' : અનશન સમાપ્ત કર્યા બાદ સોનમ વાંગચૂકએ આપ્યું મોટું નિવેદન
વિદ્યાર્થીઓનો વિશ્વાસ પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ
છેલ્લા કેટલાક વર્ષોમાં NEET સહિત વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પેપર લીકના આરોપો સામે આવ્યા બાદ સરકાર પર કડક કાર્યવાહી કરવાની માંગ વધી હતી. સરકારનું કહેવું છે કે નવા કાયદા દ્વારા પરીક્ષા વ્યવસ્થામાં પારદર્શિતા વધશે, ગેરરીતિઓ પર નિયંત્રણ આવશે અને લાખો વિદ્યાર્થીઓનો પરીક્ષા પ્રણાલી પર વિશ્વાસ વધુ મજબૂત બનશે.





