Home National Sonam Wangchuk Ends Hunger Strike Dharmendra Pradhan Resignation

'ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગનું શું થયું' : અનશન સમાપ્ત કર્યા બાદ સોનમ વાંગચૂકએ આપ્યું મોટું નિવેદન

સોનમ વાંગચૂક
Image Credit: @Wangchuk66
Published by: Chintan Chavda
Last Updated: Jul 24, 2026, 05:04 AM IST

નવી દિલ્હી: છેલ્લા 26 દિવસથી અનિશ્ચિત ઉપવાસ પર રહેલા પર્યાવરણ કાર્યકર અને શિક્ષણ સુધારાના સમર્થક સોનમ વાંગચુકે પોતાનું અનશન સમાપ્ત કર્યું છે. અનશન સમાપ્ત કર્યા બાદ જાહેર કરાયેલા વીડિયો સંદેશમાં તેમણે સરકાર સાથે થયેલી ચર્ચા અંગે માહિતી આપી હતી. સાથે જ કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ અંગે પણ પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે.

વાંગચુકે જણાવ્યું કે સરકાર તરફથી કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર લેખિત આશ્વાસન આપવામાં આવ્યું છે. તેમના જણાવ્યા અનુસાર, જંતર-મંતર પર શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરનારા લોકો સામે કેસ નહીં કરવામાં આવે તેવી ખાતરી આપવામાં આવી છે. ઉપરાંત 20 જુલાઈના વિરોધ માર્ચમાં સામેલ થયેલા લોકો સામે પણ કાર્યવાહી નહીં કરવાની ખાતરી આપવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું. પેપર લીક અને શિક્ષણ સુધારા અંગે સંસદમાં ચર્ચા કરાશે તેમજ નીટ પેપર લીક વિવાદ સાથે જોડાયેલા આત્મહત્યાના ભોગ બનેલા વિદ્યાર્થીઓના પરિવારોને વળતર આપવા અંગે પણ સરકાર વિચારણા કરશે તેવી માહિતી તેમણે આપી.

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા અંગે શું કહ્યું?

વીડિયો સંદેશમાં સોનમ વાંગચુકે કહ્યું કે ઘણા લોકોનો સવાલ હશે કે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગનું શું થયું. તેમણે સ્પષ્ટ કર્યું કે આ મુદ્દે સરકાર તરફથી કોઈ તાત્કાલિક ખાતરી આપવામાં આવી નથી. જોકે સરકારના પ્રતિનિધિઓએ જવાબદારી અને શિક્ષણ વ્યવસ્થામાં સુધારા અંગે સંસદમાં ચર્ચા કરવાની વાત કરી હોવાનું તેમણે જણાવ્યું. અગાઉ પણ વાંગચુકે દાવો કર્યો હતો કે જવાબદારી નક્કી કરવાની પ્રક્રિયામાં ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાના મુદ્દે પણ વિચારણા થઈ શકે છે, પરંતુ સરકાર તરફથી તેની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

આ પણ વાંચો: 'પેપર લીક પર આજે વધુ કડક કાર્યવાહી થશે' : મોડી રાત્રે PM મોદીનો વિદ્યાર્થીઓ માટે Video સંદેશ

અનશન કેમ સમાપ્ત કર્યું?

વાંગચુકે જણાવ્યું કે તેઓ સરકાર પાસેથી મૌખિક નહીં પરંતુ લેખિત ખાતરી ઇચ્છતા હતા. આ માટે છેલ્લા બે દિવસથી સતત ચર્ચાઓ ચાલી રહી હતી અને અંતે સરકાર તરફથી લેખિત આશ્વાસન મળ્યા બાદ તેમણે અનશન સમાપ્ત કરવાનો નિર્ણય લીધો. તેમના જણાવ્યા મુજબ, આ નિર્ણય આંદોલન સમાપ્ત કરવાનો નહીં પરંતુ આગળની પ્રક્રિયા માટેનો એક મહત્વપૂર્ણ તબક્કો છે.

આંદોલન સાથે જોડાયેલા સંગઠનોએ પણ સ્પષ્ટ કર્યું છે કે વાંગચુકે અનશન સમાપ્ત કર્યું હોવા છતાં શિક્ષણ વ્યવસ્થામાં પારદર્શિતા, પેપર લીકના દોષિતો સામે કડક કાર્યવાહી અને જવાબદારી નક્કી કરવાની માંગ સાથેનું આંદોલન ચાલુ રહેશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now