Home National Pm Modi Paper Leak Fast Track Court Bill

'પેપર લીક પર આજે વધુ કડક કાર્યવાહી થશે' : મોડી રાત્રે PM મોદીનો વિદ્યાર્થીઓ માટે Video સંદેશ

pm modi
Image Credit: x
Published by: Chintan Chavda
Last Updated: Jul 24, 2026, 04:38 AM IST

નવી દિલ્હી: દેશભરમાં પેપર લીકની ઘટનાઓને લઈને ઉઠેલા ગંભીર પ્રશ્નો વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે સરકાર આ મુદ્દે કોઈપણ પ્રકારની બેદરકારી સહન કરશે નહીં. તેમણે જણાવ્યું કે પેપર લીક માત્ર એક વહીવટી ખામી નહીં પરંતુ લાખો વિદ્યાર્થીઓ અને તેમના પરિવારોના ભવિષ્ય સાથે જોડાયેલો અત્યંત સંવેદનશીલ વિષય છે. તેથી જ સરકારે છેલ્લા અઢી મહિનામાં દોષિતો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે અને અનેક આરોપીઓની ધરપકડ કરીને તેમને જેલમાં મોકલવામાં આવ્યા છે.

વડાપ્રધાને જણાવ્યું કે સરકાર માટે સૌથી મોટી પ્રાથમિકતા એ હતી કે પેપર લીકના કારણે વિદ્યાર્થીઓનું એક આખું શૈક્ષણિક વર્ષ બગડે નહીં. આ માટે ખૂબ જ ટૂંકા ગાળામાં ફરીથી પરીક્ષાઓ યોજવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે સરકારના વિવિધ વિભાગોએ સંકલિત પ્રયાસો કરીને અંદાજે 22 લાખ વિદ્યાર્થીઓની પરીક્ષાઓ સફળતાપૂર્વક પૂર્ણ કરાવી હતી. સાથે જ 19મી તારીખે પરીક્ષાના પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા અને દેશભરમાં અનેક વિદ્યાર્થીઓને સફળતા મળતા ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

ફાસ્ટ ટ્રેક કોર્ટની તૈયારી, કડક સજાની જોગવાઈ થશે

પીએમ મોદીએ જણાવ્યું કે સરકાર અત્યાર સુધીની કાર્યવાહીથી સંતોષ માનતી નથી અને પેપર લીક જેવા ગંભીર ગુનાઓ સામે વધુ અસરકારક વ્યવસ્થા ઉભી કરવા માંગે છે. તેમણે કહ્યું કે સંબંધિત વિભાગોને પેપર લીકના કેસોની ઝડપી સુનાવણી માટે ફાસ્ટ ટ્રેક કોર્ટની વ્યવસ્થા અંગે પ્રસ્તાવ તૈયાર કરવાની સૂચના આપવામાં આવી હતી.

તેમણે જણાવ્યું કે અધિકારીઓએ મોડી રાત્રે જ તેનો ડ્રાફ્ટ તૈયાર કરીને રજૂ કર્યો છે. હવે આ પ્રસ્તાવ પર આવતીકાલે કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. મંત્રીમંડળના સૂચનો બાદ તેને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે. સરકારનો ઉદ્દેશ માત્ર આરોપીઓની ધરપકડ સુધી મર્યાદિત નથી, પરંતુ તેમને ઝડપથી કડક સજા મળે તેવી કાનૂની વ્યવસ્થા ઉભી કરવાનો છે.

આ પણ વાંચો: 'અનશન પૂર્ણ થયું છે, આંદોલન નહીં' : વાંગચુકે પારણાં કર્યા બાદ અભિજિત દીપકેનું નિવેદન

સંસદમાં ટૂંક સમયમાં રજૂ થશે વિધેયક

વડાપ્રધાને જણાવ્યું કે સોમવારથી સંસદના બીજા સપ્તાહની કાર્યવાહી શરૂ થઈ રહી છે. સરકાર શક્ય તેટલી વહેલી તકે આ વિધેયક સંસદમાં રજૂ કરીને તેને પસાર કરાવવાનો પ્રયાસ કરશે. તેમના જણાવ્યા અનુસાર, નવા કાયદાથી પેપર લીકના કેસોની ઝડપી સુનાવણી અને દોષિતો સામે વધુ કડક કાર્યવાહીનો માર્ગ મોકળો બનશે.

તાજેતરના સમયમાં વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને ભરતી પરીક્ષાઓમાં પેપર લીકના બનાવોને લઈને દેશભરમાં વિદ્યાર્થીઓમાં ભારે અસંતોષ જોવા મળ્યો હતો. અનેક સ્થળોએ વિરોધ પ્રદર્શન પણ થયા હતા અને પરીક્ષા વ્યવસ્થાની પારદર્શિતા અંગે સવાલો ઉઠ્યા હતા. આવા સમયે વડાપ્રધાનનું આ નિવેદન સરકારના આગામી કડક પગલાંનો સંકેત માનવામાં આવી રહ્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now