Home National Cjp Kendra Sarkar Bhetak Dharmendra Pradhan Rajinama Mangani

ધમેન્દ્ર પ્રધાનના રાજીનામાં અંગે કાલ બપોર સુધીનો સમય : કેન્દ્ર અને CJP વચ્ચે બેઠક, 3 માંથી બે માંગણીઓ પર સરકારની સૈદ્ધાંતિક સંમતિ

cjp
Published by: Chintan Chavda
Last Updated: Jul 24, 2026, 10:06 AM IST

પેપર લીક અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં થયેલી કથિત ગેરરીતિઓને લઈને ચાલી રહેલા વિદ્યાર્થી આંદોલન વચ્ચે શુક્રવારે કેન્દ્ર સરકાર અને કોકરોચ જનતા પાર્ટી (CJP)ના પ્રતિનિધિઓ વચ્ચે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. નવી દિલ્હીના કોન્સ્ટિટ્યુશન ક્લબના વીપી ભવનમાં યોજાયેલી આ બેઠકમાં બંને પક્ષો વચ્ચે આશરે 10 મિનિટ સુધી ચર્ચા થઈ હતી. બેઠકમાં CJPએ સરકાર સમક્ષ ત્રણ મુખ્ય માંગણીઓ રજૂ કરી હતી, જેમાંથી બે માંગણીઓ પર સરકારે સૈદ્ધાંતિક રીતે વિચાર કરવા સંમતિ દર્શાવી હોવાનું CJPએ દાવો કર્યો છે.

કેન્દ્ર સરકાર તરફથી બેઠકમાં કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડા અને કેન્દ્રીય રાજ્યમંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહ હાજર રહ્યા હતા. જ્યારે CJP તરફથી પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા આશુતોષ રાંકા અને મુખ્ય પ્રવક્તા સૌરવ દાસે પ્રતિનિધિત્વ કર્યું હતું.

CJPએ સરકાર સમક્ષ મૂકી ત્રણ મુખ્ય માંગણીઓ

બેઠક બાદ મીડિયા સાથે વાત કરતાં CJPના રાષ્ટ્રીય પ્રવક્તા આશુતોષરાંકાએ જણાવ્યું કે પાર્ટીએ સરકાર સમક્ષ પ્રથમ માંગ તરીકે કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લેવા અથવા તેમને કેન્દ્રીય મંત્રિમંડળમાંથી હટાવવાની માંગ કરી છે. CJPનું કહેવું છે કે પેપર લીક અને પરીક્ષા સંબંધિત કથિત ગેરરીતિઓની નૈતિક જવાબદારી નક્કી થવી જોઈએ.

આ પણ વાંચો: 'ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગનું શું થયું' : અનશન સમાપ્ત કર્યા બાદ સોનમ વાંગચૂકએ આપ્યું મોટું નિવેદન

બીજી માંગ હેઠળ પાર્ટીએ NEET સહિતની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી દરમિયાન આત્મહત્યા કરનાર વિદ્યાર્થીઓના પરિવારને પ્રતિ પરિવાર 1 કરોડ રૂપિયાનું વળતર આપવા રજૂઆત કરી છે.

ત્રીજી માંગ તરીકે CJPએ વિદ્યાર્થી આંદોલન દરમિયાન પ્રદર્શનકારીઓ સામે નોંધાયેલી તમામ FIR અને અન્ય કાનૂની કાર્યવાહી પાછી ખેંચવાની માંગણી કરી છે.

બે માંગણીઓ પર સરકારે દર્શાવી સૈદ્ધાંતિક સંમતિ

આશુતોષ રાંકાના જણાવ્યા મુજબ, સરકારના પ્રતિનિધિઓએ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ અંગે નિર્ણય લેવા માટે આવતીકાલે બપોર સુધીનો સમય માગ્યો છે. તેમણે આશા વ્યક્ત કરી કે સરકાર આ મુદ્દે જલ્દી નિર્ણય લેશે.

CJPના દાવા અનુસાર, આત્મહત્યા કરનાર વિદ્યાર્થીઓના પરિવારને વળતર આપવાના મુદ્દે તેમજ વિદ્યાર્થીઓ સામે નોંધાયેલા FIR અને અન્ય કાનૂની કેસો પાછા ખેંચવાના મુદ્દે સરકારે સૈદ્ધાંતિક રીતે હકારાત્મક વલણ દર્શાવ્યું છે. જોકે આ અંગે સરકાર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર જાહેર નિવેદન આપવામાં આવ્યું નથી.

આ પણ વાંચો: 'મેં કેસ લિસ્ટ કરવાનો ઇનકાર કર્યો નહોતો' : 'સમય બરબાદ ન કરો' ના નિવેદન પર CJI ની સ્પષ્ટતા

બેઠક દરમિયાન રજૂ કરાયું માંગપત્ર

બેઠક બાદ સામે આવેલી તસવીરોમાં CJPના બંને પ્રતિનિધિઓ કેન્દ્રીય મંત્રીઓ જે.પી. નડ્ડા અને ડૉ. જિતેન્દ્ર સિંહને લેખિત માંગપત્ર સોંપતા જોવા મળે છે. આ માંગપત્રમાં વિદ્યાર્થીઓના હિત અને પરીક્ષા પ્રણાલીમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા સંબંધિત વિવિધ મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો હોવાનું જણાવાયું છે.

વિદ્યાર્થી આંદોલન વચ્ચે યોજાયેલી આ બેઠકને સરકાર અને આંદોલનકારીઓ વચ્ચેના સંવાદની મહત્વપૂર્ણ શરૂઆત તરીકે જોવામાં આવી રહી છે. હવે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા સહિતની માંગણીઓ પર સરકાર શું નિર્ણય લે છે, તેના પર દેશભરના વિદ્યાર્થીઓ અને શિક્ષણ ક્ષેત્રની નજર રહેશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now