Godhara News: પંચમહાલ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની સમયમર્યાદા પૂર્ણ થતાં જ હવે ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. આ પ્રક્રિયા દરમિયાન જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની અનેક બેઠકો પર ઉમેદવારો બિનહરીફ જાહેર થતા રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ભાજપના ઉમેદવારોએ વિવિધ બેઠકો પર એકતરફી વર્ચસ્વ જમાવ્યું છે.
જિલ્લા પંચાયતની સ્થિતિ
પંચમહાલ જિલ્લા પંચાયતની કુલ 38 બેઠકોમાંથી 7 બેઠકો બિનહરીફ જાહેર કરવામાં આવી છે. આ તમામ 7 બેઠકો પર ભાજપના ઉમેદવારોએ વિજય મેળવ્યો છે. બિનહરીફ થયેલી બેઠકોમાં નીચે મુજબની બેઠકોનો સમાવેશ થાય છે. સાંપા, નદીસર, અણિયાદ, મંગલિયાણા, નાદરવા, ધામણોદ અને કરોલી.
આ પણ વાંચો: વડોદરાના ગોત્રીના ‘ઇસ્કોન એટ્રિયા’માં ભીષણ આગથી અફરાતફરી : 10થી વધુ ફાયર ટેન્ડરોએ આગ પર મેળવ્યો કાબૂ
તાલુકા પંચાયતોમાં ભાજપનું વર્ચસ્વ
જિલ્લાની તાલુકા પંચાયતોની કુલ 174 બેઠકોમાંથી 26 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે. જેમાં વિવિધ તાલુકાઓનું ચિત્ર આ મુજબ છે. શહેરા તાલુકા પંચાયત 14 બેઠકો, હાલોલ તાલુકા પંચાયત 3 બેઠકો, કાલોલ તાલુકા પંચાયત 6 બેઠકો, ગોધરા તાલુકા પંચાયત 3 બેઠકોનો સમાવેશ થાય છે.
નગરપાલિકાઓની સ્થિતિ
નગરપાલિકાની ચૂંટણીમાં પણ ભાજપે નોંધપાત્ર શરૂઆત કરી છે. ગોધરા નગરપાલિકામાં કુલ 44 બેઠકોમાંથી 4 સ્ત્રી બેઠકો બિનહરીફ જાહેર થઈ છે. જેમાં વોર્ડ નં. 3 માંથી 2 બેઠકો, વોર્ડ નં. 4 માંથી 1 બેઠક અને વોર્ડ નં. 10 માંથી 1 બેઠક પર ભાજપની મહિલા ઉમેદવારો વિજેતા બની છે. શહેરા નગરપાલિકામાં ભાજપે અત્યારથી જ સત્તા નિશ્ચિત કરી દીધી છે. કુલ 28 બેઠકોમાંથી 17 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થતા, ચૂંટણી યોજાય તે પહેલા જ ભાજપે સ્પષ્ટ બહુમતી સાથે શહેરા નગરપાલિકામાં સત્તાનું સુકાન સંભાળી લીધું છે.
આ પણ વાંચો: વડોદરામાં હાઈવોલ્ટેજ ડ્રામા, મામલતદાર કચેરીમાં તોડફોડ અને ઘર્ષણ : ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા ના જળવાઈ
આ ચૂંટણી પરિણામોએ પંચમહાલ જિલ્લામાં ભાજપની મજબૂત પકડ સાબિત કરી દીધી છે. હવે બાકીની બેઠકો માટે આગામી દિવસોમાં ચૂંટણીનો જંગ ખેલાશે.





