વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીનો રંગ જામ્યો છે. વોર્ડ-2નાં કોંગ્રેસ ઉમેદવાર ભૂમિબહેન પ્રજાપતિએ ફોર્મ પરત ખેંચતા મામલતદાર કચેરીમાં તોડફોડ અને ઘર્ષણનાં દ્રશ્યો સર્જાયા હતા. વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીના ગરમાવા વચ્ચે સમા મામલતદાર કચેરી ખાતે ભારે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.
લિફ્ટમાં ફસાયા ઉમેદવાર અને પોલીસ
વોર્ડ નંબર 2ના કોંગ્રેસના ઉમેદવાર ભૂમિબહેન પ્રજાપતિએ અચાનક ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લેતા રાજકીય ગરમાવો વ્યાપી ગયો હતો. આ ઘટનાને પગલે કોંગ્રેસના કાર્યકરો રોષે ભરાયા હતાં, જેના પરિણામે પોલીસ અને કાર્યકરો વચ્ચે જોરદાર ઘર્ષણ થયું હતું. ભૂમિબહેન પ્રજાપતિ જ્યારે ફોર્મ પરત ખેંચવા કચેરી પહોંચ્યા ત્યારે અચાનક વીજ પુરવઠો ખોરવાતા પોલીસ કર્મચારીઓ સાથે તેઓ લિફ્ટમાં ફસાયા હતા. આ ટેકનિકલ ખામીને કારણે કચેરીમાં થોડો સમય ઉત્તેજના ભર્યો માહોલ સર્જાયો હતો.
કાર્યકરોનો આક્રોશ અને તોડફોડ
પોતાના જ ઉમેદવાર ફોર્મ પરત ખેંચવા આવ્યા હોવાની જાણ થતા કોંગ્રેસના હોદ્દેદારો અને 25થી વધુ કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. રોષે ભરાયેલા કાર્યકરોએ ઉમેદવારના હાથમાંથી ફોર્મ છીનવીને ફાડી નાખ્યું હતું. આટલેથી ન અટકતા, મામલતદાર કચેરીની લોખંડની જાળી તોડી નાખી હતી અને ભાજપ વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. પરિસ્થિતિ વણસતા પોલીસે કોંગ્રેસ પ્રમુખ સહિત અનેક કાર્યકરોની અટકાયત કરી હતી.
ભૂમિબહેનની સ્પષ્ટતા
હોબાળા વચ્ચે ભૂમિબહેન પ્રજાપતિએ કહ્યું કે, મેં મારા અંગત કારણોસર અને સમાજની લાગણીને માન આપીને આ નિર્ણય લીધો છે. મારા પર કોઈ પક્ષનું દબાણ નથી કે મને કોઈ લોભ-લાલચ આપવામાં આવી નથી. મેં મારી મરજીથી જ ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યું છે."
કાયદાકીય કાર્યવાહીની શક્યતા
મામલતદાર કચેરીમાં તોડફોડ કરવા બદલ કોંગ્રેસના કાર્યકરો વિરુદ્ધ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ ઘટનાને પગલે વોર્ડ નંબર 2નું રાજકીય સમીકરણ સંપૂર્ણપણે બદલાઈ ગયું છે, જે આગામી સમયમાં કોંગ્રેસ માટે મોટો ફટકો સાબિત થઈ શકે છે.





