Ahmedabad Crime News: અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં બનેલી બે નિર્દોષ બાળકીના શંકાસ્પદ મોતની ઘટનાએ સમગ્ર શહેરને હચમચાવી દીધું છે. શરૂઆતમાં સામાન્ય ફૂડ પોઈઝનિંગ લાગી રહેલો કેસ હવે ધીમે ધીમે રહસ્યમય વળાંક લઈ રહ્યો છે. માતા-પિતા બંનેના એકસરખા નિવેદનથી પોલીસ પણ ગૂંચવણમાં પડી ગઈ છે.
શું તમે અજય દેવગણની દ્રશ્યમ ફિલ્મ જોઈ છે? આ ફિલ્મનો એક પ્લોટ આ ક્રાઈમ કહાનીને મળતો આવે છે. અજય દેવગણની દ્રશ્યમ ફિલ્મમાં જે રીતે પોલીસ પૂછપરછમાં એક ના એક જવાબથી થાકી ગઈ હતી. જેમાં Vijay Salgaonkar અને તેનો પરિવાર દર વખતે પોલીસની પૂછપરછમાં એક જ સરખો જવાબ આપતો હતો. અમદાવાદના ચાંદખેડાના 'ઢોંસાનું ખીરું' અને બે બાળકીઓના શંકાસ્પદ મોતના મામલામાં પણ કંઈક આજ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જેમાં પહેલાં પોલીસે લગભગ 9 કલાક સુધી પિતા વિમલ પ્રજાપતિની પૂછપરછ કરી હતી. ત્યાર બાદ પોલીસે બાળકીઓની માતા ભાવના પ્રજાપતિની પણ પૂછપરછ કરી. જોકે, માતા-પિતાની લાંબી પૂછપરછમાં બન્ને માત્ર ખરાબ ખીરાંનું જ રટણ કરતા જોવા મળ્યાં. માતા-પિતા દ્વારા પૂછપરછમાં સતત 'ખરાબ ખીરાં'ના રટણને કારણે હવે કેસની તપાસ કરી રહેલી પોલીસ પણ ગોથે ચઢી છે. હવે આ કેસની કડીઓ મેળવવા માટે પોલીસ FSLના રિપોર્ટની રાહ જોઈ રહી છે.
ખીરું ખરાબ હોવાથી બગડી તબિયત
પ્રાથમિક માહિતી અનુસાર, બાળકીઓએ ખીરું અને ઢોસા ખાધા બાદ તેમની તબિયત અચાનક બગડી ગઈ હતી. ત્યારબાદ તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવી, જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કરી દીધા હતા. આ ઘટનાને શરૂઆતમાં ફૂડ પોઈઝનિંગ તરીકે જોવામાં આવી રહી હતી, પરંતુ હવે માતા-પિતાના નિવેદન અને પરિસ્થિતિઓને ધ્યાનમાં લેતા પોલીસ અન્ય એંગલથી પણ તપાસ કરાઈ રહી છે.
માતા-પિતાની પૂછપરછ
બાળકીઓના માતા અને પિતા બંનેની પૂછપરછ કરવા આવી હતી. આ દરમિયાન માત-પિતા એક જ વાત પર અડગ રહ્યાં હતા કે, “ખીરું ખરાબ હતું.” પોલીસે કલાકો સુધી અલગ-અલગ રીતે પૂછપરછ કરી હોવા છતાં બંનેના નિવેદનમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી. માતા-પિતાના એક જ સરખા નિવેદનથી પોલીસ પણ ગોથે ચડી ગઈ છે. પોલીસની તપાસ હવે FSLના રિપોર્ટ પર અટકી છે. FSLનો રિપોર્ટ આવ્યા બાદ શંકાસ્પદ બે બાળકીના મોતનું રહસ્ય ખુલી શકે છે.
તપાસનો દોર: ફૂડ પોઇઝનિંગ કે કંઈક બીજું?
ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખીને પોલીસ અને આરોગ્ય વિભાગ બંનેએ કેસમાં તપાસ શરૂ કરી છે. ખોરાકના નમૂનાઓ સંગ્રહ કરીને ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવ્યા છે. ડોક્ટરોનાં જણાવ્યા મુજબ, સામાન્ય ફૂડ પોઇઝનિંગના કેસમાં તાત્કાલિક મોત થવાની શક્યતા ઓછી હોય છે. ખાસ કરીને બાળકોમાં, લક્ષણો પહેલા દેખાય છે જેમ કે ઉલટી, ડાયરિયા અથવા બેભાન થવું. તેથી આ કેસમાં ખીરૂં ખરાબ હતું કે તેમાં કોઈ ઝેરી પદાર્થ હતો તે મુદ્દે સવાલો ઊભા થયા છે.
શું ખોરાકજન્ય બીમારીઓ એટલી જોખમી બની શકે?
સામાન્ય રીતે ખોરાકજન્ય બીમારીઓ (Food Poisoning) બેક્ટેરિયા, વાયરસ અથવા ઝેરી પદાર્થોના કારણે થાય છે. પરંતુ મોટાભાગના કેસમાં તે ગંભીર બની જાય ત્યારે જ જીવલેણ સાબિત થાય છે. ખાસ કરીને નાનાં બાળકોમાં રોગપ્રતિકારક શક્તિ ઓછી હોવાને કારણે જોખમ વધી શકે છે. પરંતુ એક સાથે બે બાળકોના મોત થવું અને તે પણ તાત્કાલિક, આ બાબત નિષ્ણાતોને વિચારવા મજબૂર કરી રહી છે
FSL રિપોર્ટ બનશે મહત્વની કડી
આ કેસનો સૌથી મહત્વપૂર્ણ ભાગ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી એટલકે FSLનો રિપોર્ટ છે. ખીરું-ઢોસા અને અન્ય ખાદ્ય પદાર્થોના સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવ્યા છે. FSL રિપોર્ટમાં જો કોઈ ઝેરી તત્વ કે અન્ય શંકાસ્પદ વસ્તું ના મળે તો કેસની દિશા સંપૂર્ણપણે બદલાઈ શકે છે. આ રિપોર્ટના આધારે જ આગળની કાર્યવાહી નક્કી થશે.
જો FSL રિપોર્ટમાં એવું સામે આવે કે ખીરૂં ખરાબ છે તો આ ઘટના માત્ર એક પરિવારનો દુઃખદ બનાવ નથી પરંતુ સમગ્ર સમાજ માટે ચિંતાનો વિષય બની શકે છે. જોકે હાલ આ ખરેખર ફૂડ પોઈઝનિંગ છે કે પછી કોઈ ગંભીર ગુનાહિત કાવતરું તેના પર કોઈ સ્પષ્ટતા થઈ નથી.






