Home Gujarat Surat Rti Misuse Extortion Case Surat Chowk Bazar Police Arrest Extortionist Prashant Kachhadiya 20 Lakh Case

RTIના નામે બિલ્ડરોને ધમકાવતા ખંડણીખોરનો ખેલ ખતમ! : ‘બાંધકામ તોડી પડાવીશ’ કહીને લાખોની ખંડણી માંગનાર રીઢો ગુનેગાર આખરે જેલભેગો

Surat Extortion Case RTI Misuse Prashant Kachhadiya
Published by: Nirali Gohil
Last Updated: Apr 15, 2026, 07:11 AM IST

સુરત: આજના સમયમાં માહિતી અધિકાર (RTI) નો ઉપયોગ લોકહિત માટે થવાને બદલે કેટલાક અસામાજિક તત્વો દ્વારા ઉઘાડી લૂંટ ચલાવવા માટે કરવામાં આવતો હોવાના કિસ્સાઓ વધી રહ્યા છે. આવો જ એક સનસનીખેજ કિસ્સો સુરતના ચોકબજાર પોલીસ મથકે નોંધાયો હતો, જેમાં એક બિલ્ડર સાથે જોડાયેલા કોન્ટ્રાક્ટર પાસેથી લાખોની ખંડણી માંગવામાં આવી હતી. ફેબ્રુઆરી 2026થી ફરાર ચાલી રહેલા મુખ્ય આરોપી પ્રશાંત કાછડીયાને પકડવામાં સુરત પોલીસને મોટી સફળતા મળી છે.

શું હતી સમગ્ર ઘટના?

મળતી વિગતો અનુસાર, આ કેસના ફરિયાદી કતારગામ વિસ્તારની સહજાનંદ સોસાયટીમાં આવેલા ચાર પ્લોટ પર બાંધકામ કરાવી રહ્યા હતા. આ બાંધકામ અટકાવવા અથવા તેને તોડી પડાવવાની ધમકી આપી આરોપી પ્રશાંત કાછડીયાએ પોતાનો ખેલ શરૂ કર્યો હતો. આરોપીએ બાંધકામ સાઇટ પર જઈને કોન્ટ્રાક્ટરને ધમકાવ્યો હતો કે આ બાંધકામ ગેરકાયદેસર છે અને તે પોતે RTI એક્ટિવિસ્ટ હોવાની ઓળખ આપી હતી.

20 લાખની ડિમાન્ડ અને 50 હજારની વસૂલાત

આરોપી પ્રશાંતે બાંધકામનું ડિમોલિશન ન કરાવવા બદલ કોન્ટ્રાક્ટર પાસે કુલ ૨૦ લાખ રૂપિયાની તોતિંગ ખંડણી માંગી હતી. કોન્ટ્રાક્ટર ગભરાઈ જતાં પ્રથમ તબક્કામાં આરોપીએ 50 હજાર રૂપિયા પડાવી લીધા હતા. જોકે, આટલાથી સંતોષ ન માનતા પ્રશાંતે બાકી રહેલા 19.50 લાખ રૂપિયા માટે સતત ધમકીઓ આપવાનું ચાલુ રાખ્યું હતું. અંતે હારીને કોન્ટ્રાક્ટરે પોલીસના શરણ લીધા હતા.

આ પણ વાંચો: રાજકોટમાં રણચંડી બની મહિલાઓ : માડા ડુંગરમાં 'ગુંડાતત્વો' પર ભારે પડી નારીશક્તિ; છરી બતાવી ધમકાવનારાઓને પથ્થર મારી ભગાડ્યા

ફેબ્રુઆરીથી પોલીસને આપી રહ્યો હતો હાથતાળી

આ મામલે ફેબ્રુઆરી 2026માં ચોકબજાર પોલીસ મથકે વિધિવત ગુનો નોંધવામાં આવ્યો હતો. ગુનો નોંધાતા જ આરોપી પ્રશાંત કાછડીયા ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. પોલીસની અલગ-અલગ ટીમો તેની શોધખોળ કરી રહી હતી, પરંતુ તે વારંવાર પોતાના લોકેશન બદલીને પોલીસને હાથતાળી આપી રહ્યો હતો.

ટેકનિકલ સર્વેલન્સથી આરોપી જેલના સળિયા પાછળ

ચોકબજાર પોલીસની ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સનો સચોટ ઉપયોગ કરીને આરોપીનું સચોટ લોકેશન મેળવ્યું હતું. બાતમીના આધારે પોલીસે છટકું ગોઠવીને પ્રશાંત કાછડીયાને ઝડપી પાડ્યો છે. હાલ પોલીસ તેની વધુ પૂછપરછ કરી રહી છે કે, તેણે અગાઉ અન્ય કોઈ બિલ્ડરો કે કોન્ટ્રાક્ટરોને આ રીતે નિશાન બનાવ્યા છે કે કેમ.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now