Local Body Election 2026: આજે 15 એપ્રિલ ચૂંટણીની ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે. ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પાલિકા અને પંચાયતની આશરે 10 હજાર બેઠકો પર આજે ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થશે. ત્યારે છેલ્લી ઘડીએ કોઈ ખેલ કે રાજકીય ખેલા ન થઈ જાય તે માટે કોંગ્રેસ દ્વારા પોતાના ઉમેદવારોને ગુપ્ત સ્થળે ખસેડવાની વ્યૂહરચના બનાવી હોવાની વાત પણ સામે આવી છે.
ગુજરાતમાં આગામી 26 એપ્રિલે યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને આજે ઉમેદવારી ફોર્મ ખેંચવાનો અંતિમ દિવસે ભારે ધમાચકડી જોવા મળી. કોઈને ગાડીમાં બેસાડીને ઉપાડી ગયા તો કોઈના કપડાં ફાડી નાંખ્યાં. ક્યાંક ઉમેદવારોને નજરકેદ, અપહરણ તો ક્યાંક ધાક-ધમકીનો ખેલ. પહેલાં ક્યારેય નહીં જોઈ હોય આવી ચૂંટણી. આપ અને કોંગ્રેસ ભાજપ પર ધમકી, અપહરણના આક્ષેપો કરી રહી છે. કોંગ્રેસે ચૂંટણીપંચને રજૂઆત કરી છે કે, પોલીસ ભાજપની એજન્ટ બનીને કામ કરે છે. ઉમેદવારોને ડરાવી-ધમકાવી ઉમેદવારી પાછી ખેંચાવડાવે છે. આ રજૂઆતમાં કુલ 12 જેટલા મુદ્દા આપ્યા છે.
આ પણ વાંચોઃ શેરબજાર લાલચોળ પણ આ ખેડૂત નેતાના ત્યાં ક્યાંથી આવી લીલી થાપણો? : ભાજપના ઉમેદવાર રાજુ કરપડાની સંપત્તિમાં અચાનક કઈ રીતે થયો 400% નો વધારો?
બીજી તરફ આમ આદમી પાર્ટીના ઉમેદવારોને ભાજપવાળા ગાડીમાં ઉપાડી જતાં હોવાનો ગંભીર આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. ભાજપવાળા બીજા પક્ષના ઉમેદવારોને ગાડીમાં બેસાડી લઈ જતા હોવાનો આક્ષેપ સામે આવી રહ્યાં છે. ખાસ કરીને આમ આદમી પાર્ટીના સુરતના વોર્ડ 18ના ઉમેદવાર ગૌતમ પટેલને રાતભર ડરાવ્યા ધમકાવ્યા અને કોર્ડન કરાયા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આમ આદમી પાર્ટીના નેતા રજની વાઘાણીએ ભાજપ સામે આ આક્ષેપ કરતા હડકંપ મચ્યો છે. તેઓએ જણાવ્યું છે કે સવારે AAPના ઉમેદવારને ભાજપના લોકો ગાડીમાં બેસાડીને લઈ જતા હતા ત્યારે બચાવવામાં આવ્યા છે. AAP નેતા રજનીકાંત વાઘાણી અને બીજા પદાધિકારીઓએ સ્થળે પહોંચી ગૌતમ પટેલને છોડાવ્યા હતા.
ધારાસભ્ય સાથે ધક્કાધક્કીઃ
MLA સોટ્ટા સાથે સટાસટી થઈ ગઈ હતી. પોલીસ સાથે ઘર્ષણ:વડોદરામાં કોંગ્રેસને જીવતી રાખવા ઋત્વિજ જોષીએ જીવ રેડી દીધો; સુરતમાં SOG કોંગ્રેસના ઉમેદવારને ઘરેથી ઉઠાવી ગઈ
ડભોઈમાં કોંગ્રેસ-ભાજપના કાર્યકરો વચ્ચે બબાલઃ
પાલનપુરમાં કોંગ્રેસ પહેરો ભરતી રહી ને ભાજપે ઉમેદવારને દુપટ્ટો બંધાવી ફોર્મ ખેંચાવ્યું, વડોદરામાં કાર્યકરોએ ગાડીના કાચ ફોડ્યા
ઉમેદવારને ઘરેથી ઊંચકી ગયાઃ
સુરત કોંગ્રેસના નેતા વિપુલે એવો આરોપ લગાવ્યો કે, ભાજપના દલાલો અને એસઓજીનો સ્ટાફ અમારા વોર્ડન-1નાઉમેદવારોને ઘરેથી ઊંચકી ગયો. એ બધા સિવિલ ડ્રેસમાં છે.
સુરત કલેક્ટર ઓફિસમાં હંગામો:
સુરત કલેક્ટર કચેરીના પાંચમા માળે આજે કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે ભારે ઘર્ષણની સ્થિતિ સર્જાઈ હતી, જેમાં બંને પક્ષો વચ્ચે ઉગ્ર ઝપાઝપીના દ્રશ્યો સામે આવ્યા હતા
બનાસકાંઠામાં છેલ્લા દોડપકડઃ
બનાસકાંઠાના પાલનપુર પ્રાંત કચેરીએ કોંગ્રેસ આગેવાનોનો પહેરો છતાં ભાજપ પક્ષના આગેવાનો કોંગ્રેસના ઉમેદવારને ફોર્મ પરત ખેંચવા લઈને આવ્યા હોવાનો મામલો સામે આવ્યો છે. પાલનપુર નગરપાલિકાના વોર્ડ નંબર 1 ની મહિલા ઉમેદવાર આરતીબેન ઠાકોર મોઢે દુપટો બાંધી ભાજપના આગેવાનો સાથે ફોર્મ પરત ખેંચવા આવી. કોંગ્રેસના આગેવાનો પ્રાંત કચેરી આગળ પહેરો ભરતા જ રહ્યા અને કોંગ્રેસની ઉમેદવાર ફિલ્મી ઢબે ભાજપના આગેવાનો સાથે ચૂંટણી અધિકારીની ઓફિસમાં પહોંચી ગઈ. આજે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે અનેક કોંગ્રેસના સભ્યોને ભાજપ તોડીને ફોર્મ પરત ખેંચાવે તેવી આશંકા સેવાઈ રહી છે.
સુરતમાં AAPના ઉમેદવારોને અપાઈ ખાસ સુચનાઃ
છેલ્લી ઘડીએ કોઈ ખેલ ના પાડી જાય એના માટે સુરતમાં આમ આદમી પાર્ટીએ તમામ ઉમેદવારોને એક જગ્યાએ ભેગા થવા સૂચના આપવામાં આવી છે. તમામ ઉમેદવારોને એક જગ્યાએ સાંજ સુધી રાખવામાં આવશે. ઉમેદવારો સાથે નેતાઓ સંવાદ કરશે. મોટા નેતાઓની નજર હેઠળ ઉમેદવારો આખો દિવસ રહેશે. કોઈ ઉમેદવાર ફોર્મ પરત ખેંચે નહીં તેનું ધ્યાન રખાશે.
આ પણ વાંચોઃ "તારી પત્નીની અંગત પળો મારા કેમેરામાં કેદ છે, વાયરલ કરી દઈશ" : ઉંચા ઘરની પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી જીમટ્રેનરે પતિ પાસે માંગી લાખોની ખંડણી
કોંગ્રેસના ઉમેદવાર ગાયબ થઈ ગયા?
બીજી તરફ કોંગ્રેસમાં પણ હજુ કોઈકને કોઈક ડખો સામે આવી રહ્યો છે. વડોદરા કોંગ્રેસના શહેર પ્રમુખ ઋત્વિજ જોષીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, વોર્ડ 11ના અમારા ઉમેદવાર અમારા સંપર્કમાં નથી. તેઓ સંપર્ક વિહોણા થઇ ગયા છે. અન્ય વોર્ડમાં પણ ઉમેદવારી પરત ખેંચવા ધાકધમકી મળી રહી છે. જેઓને પણ અમે સલામત સ્થળે ખસેડવા માટેની તજવીજ કરી છે. આજે જ ખબર પડશે કે કનુભાઈ પ્રજાપતિ ક્યાં હતા અને તેઓ ચૂંટણી લડશે કે નહીં.
ફોર્મ પરત ખેંચવાનો આજે છેલ્લો દિવસઃ
ગુજરાતમાં 15 મહાનગરપાલિકા, 34 જિલ્લા પંચાયત, 84 નગરપાલિકા અને 260 તાલુકા પંચાયતની 26 એપ્રિલે ચૂંટણીઓને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા જોરશોરથી પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે. ઉમેદવારી પત્રકોની ચકાસણી પ્રક્રિયા પૂર્ણ થતાં જ હવે આજે 15 એપ્રિલે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે. આજે બપોર સુધીમાં પાલિકા-પંચાયતની 10 હજાર બેઠકો પર ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થશે.






