રાજકોટ: રંગીલા ગણાતા રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ફરી એકવાર સવાલ ઉઠ્યા છે. શહેરના માડા ડુંગર વિસ્તારમાં આવેલી હરસિદ્ધિ સોસાયટીમાં ગુંડાતત્વોના આતંકની હચમચાવનારી ઘટના સામે આવી છે. રહેણાંક વિસ્તારમાં બાઇક પર સ્ટંટ કરીને લોકોની શાંતિ હણતા આવારા તત્વોને જ્યારે સ્થાનિકોએ રોકવાનો પ્રયાસ કર્યો, ત્યારે આ તત્વોએ સુધરવાને બદલે હિંસક વલણ અખત્યાર કર્યું હતું. છરી જેવા ધારદાર હથિયારો સાથે હુમલો કરવા આવેલા ગુંડાઓ સામે સોસાયટીની મહિલાઓએ જે હિંમત દાખવી છે, તેની અત્યારે સમગ્ર શહેરમાં ચર્ચા થઈ રહી છે.
ઘટનાની વિગતો મુજબ, હરસિદ્ધિ સોસાયટી શેરી નંબર 4 માં કેટલાક શખ્સો ભયનું વાતાવરણ ઉભું કરી રહ્યા હતા. જ્યારે સોસાયટીના રહીશોએ આ અસામાજિક તત્વોને ટોક્યા, ત્યારે તેમને ખોટું લાગી ગયું હતું અને તેઓ ઘાતક હથિયારો સાથે ધસી આવ્યા હતા. ગુંડાઓએ મહિલાઓ સાથે ગેરવર્તન કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા મામલો બિચક્યો હતો. જોકે, ગભરાવાને બદલે મહિલાઓએ પથ્થરમારો શરૂ કરતા ગુંડાઓને ત્યાંથી પૂંછડી દબાવીને ભાગવું પડ્યું હતું.
સ્ટંટ કરતા રોક્યા તો હથિયારો લઈને ધસી આવ્યા
મળતી માહિતી મુજબ, આ અસામાજિક તત્વો વિસ્તારમાં પૂરપાટ ઝડપે વાહનો ચલાવીને સ્ટંટ કરી રહ્યા હતા, જેનાથી બાળકો અને વૃદ્ધોના જીવનું જોખમ હતું. સોસાયટીના લોકોએ જ્યારે તેમને સમજાવવા પ્રયાસ કર્યો ત્યારે આ તત્વોએ ઉશ્કેરાઈ જઈને છરીઓ કાઢી હતી. સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે આ તત્વો અવારનવાર વિસ્તારમાં આતંક મચાવે છે, પરંતુ આ વખતે મામલો હુમલા સુધી પહોંચી ગયો હતો
આ પણ વાંચો: ગેરેજમાં કાર રિપેરિંગના બહાને બિયરની હેરાફેરી! : સુરત પોલીસે રૂ.3.39 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત
મહિલાઓએ રણચંડી બની ગુંડાતત્વોને ખદેડ્યા
જ્યારે ગુંડાતત્વો મહિલાઓ પર હુમલો કરવા અને અપશબ્દો બોલવા લાગ્યા, ત્યારે પરિસ્થિતિ બેકાબૂ બની ગઈ હતી. આ સમયે મહિલાઓએ પોતાની સુરક્ષા માટે હિંમત એકઠી કરી અને જે હાથમાં આવ્યું તે પથ્થરોનો મારો ચલાવ્યો હતો. મહિલાઓના આ આક્રમક મિજાજને જોઈને છરીઓ લઈને આવેલા ગુંડાઓ હેબતાઈ ગયા હતા અને જીવ બચાવવા માટે મેદાન છોડી ભાગી ગયા હતા. નારી શક્તિના આ પરાક્રમનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
આજી ડેમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ, લોકોમાં રોષ
આ ઘટનાને પગલે સમગ્ર હરસિદ્ધિ સોસાયટીમાં ભયની સાથે ભારે રોષ જોવા મળી રહ્યો છે. રહીશોએ તાત્કાલિક આજી ડેમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. પોલીસે આ મામલે ફરિયાદ નોંધી છે અને આરોપીઓની ઓળખ કરી તેમને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. સ્થાનિક લોકોની માંગ છે કે આવા તત્વો સામે કાયમી ધોરણે પગલાં લેવામાં આવે જેથી વિસ્તારની શાંતિ જળવાઈ રહે.






