Surat Liquor Raid: ગુજરાતમાં આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને પોલીસ પ્રશાસન દ્વારા ઠેર-ઠેર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને દારૂ અને નશીલા પદાર્થોની હેરાફેરી રોકવા માટે પોલીસ એક્શન મોડમાં છે. આ દરમિયાન સુરતની ઉત્રાણ પોલીસે બાતમીના આધારે ઓપરેશન પાર પાડી બિયરના મોટા જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી છે. નવાઈની વાત એ છે કે ઝડપાયેલો આરોપી વ્યવસાયે મોટર ગેરેજનો કારીગર છે, જે કારની આડમાં આ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી રહ્યો હતો.
પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે એક કારમાં વિદેશી દારૂ કે બિયરનો જથ્થો સપ્લાય કરવામાં આવનાર છે. આ બાતમીના આધારે ઉત્રાણ પોલીસની ટીમે વોચ ગોઠવી હતી. અબ્રામા ગામ તરફથી ઉત્રાણ તરફ આવી રહેલી શંકાસ્પદ કારને અટકાવી જ્યારે તેની તલાશી લેવામાં આવી, ત્યારે પોલીસ પણ ચોંકી ઉઠી હતી. કારની અંદર ખાનાઓમાં બિયરનો મોટો જથ્થો છુપાવેલો મળી આવ્યો હતો. પોલીસે તાત્કાલિક અસરથી મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગેરેજ કારીગર બન્યો બિયરનો ખેપિયો
ઉત્રાણ પોલીસે આ મામલે જાહીદખાન પઠાણ નામના શખ્સની ધરપકડ કરી છે. પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે જાહીદખાન વ્યવસાયે મોટર ગેરેજનો કારીગર છે. ગેરેજમાં કામ કરતો હોવાથી તેને કાર અને રસ્તાઓની સારી જાણકારી હતી, જેનો ઉપયોગ તેણે બિયરની હેરાફેરી માટે કર્યો હતો. પોલીસે તેની પાસેથી બિયરનો જથ્થો અને કાર મળી કુલ ₹3.39 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

સપ્લાયર અને નેટવર્કની તપાસ તેજ
આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને સુરત શહેરમાં કોને સપ્લાય કરવાનો હતો, તે દિશામાં ઉત્રાણ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ચૂંટણીના માહોલમાં આટલી મોટી માત્રામાં બિયરનો જથ્થો પકડાતા પોલીસ હવે આ નેટવર્ક પાછળ રહેલા મુખ્ય સૂત્રધાર સુધી પહોંચવા મથી રહી છે. પોલીસને શંકા છે કે ચૂંટણી દરમિયાન વહેંચવા માટે આ જથ્થો મંગાવવામાં આવ્યો હોઈ શકે છે. હાલમાં પોલીસે ગુનો નોંધી આરોપીના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.
આ પણ વાંચો: હીટવેવ સામે સુરત પોલીસનું 'સુરક્ષા કવચ : ધોમધખતા તાપમાં બપોરે 1 થી 4 ટ્રાફિક સિગ્નલો રહેશે બંધ!






