Home Gujarat Surat Big Relief For Surat Heatwave Traffic Signals Will Be Closed From 1 To 4 Pm

હીટવેવ સામે સુરત પોલીસનું 'સુરક્ષા કવચ : ધોમધખતા તાપમાં બપોરે 1 થી 4 ટ્રાફિક સિગ્નલો રહેશે બંધ!

Surat Traffic Police Signal OFF
Play Video
Published by: Nirali Gohil
Last Updated: Apr 15, 2026, 06:50 AM IST

દક્ષિણ ગુજરાતમાં ઉનાળાનો પારો સતત ઉપર જઈ રહ્યો છે, ત્યારે સુરતવાસીઓ માટે એક અત્યંત રાહતજનક સમાચાર સામે આવ્યા છે. શહેરમાં બપોરના સમયે કાળઝાળ ગરમી અને અસહ્ય ઉકળાટને ધ્યાનમાં રાખીને સુરત ટ્રાફિક પોલીસ દ્વારા એક મહત્વનો અને માનવીય નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય અંતર્ગત આવતીકાલથી બપોરના સમયે શહેરના તમામ મુખ્ય ટ્રાફિક સિગ્નલો બંધ રાખવામાં આવશે, જેથી વાહનચાલકોને ધોમધખતા તાપમાં સિગ્નલ પર ઉભા રહીને ગરમીનો શિકાર ન બનવું પડે.

સુરત ડીસીપી (ટ્રાફિક) પન્ના મોમેયાએ આ અંગે સત્તાવાર જાહેરાત કરતા જણાવ્યું છે કે, ગરમીના વધતા જતા પ્રકોપને કારણે બપોરે વાહન ચલાવવું મુશ્કેલ બની ગયું છે. ખાસ કરીને ટુ-વ્હીલર ચાલકો માટે સિગ્નલ પર 60 થી 90 સેકન્ડ ઉભા રહેવું પણ આરોગ્ય માટે જોખમી સાબિત થઈ શકે છે. આ બાબતને ગંભીરતાથી લઈને ટ્રાફિક વિભાગે આવતીકાલ એટલે કે 15 એપ્રિલ, 2026થી બપોરે 1 થી 4 વાગ્યા સુધી સિગ્નલો બંધ રાખવાનો આદેશ કર્યો છે.

બપોરે 1 થી 4 વાગ્યા સુધી ટ્રાફિક સિગ્નલો રહેશે બંધ

સુરત ટ્રાફિક પોલીસના જણાવ્યા અનુસાર, બપોરે 13:00 કલાકથી સાંજે 16:00 કલાક સુધી જ્યારે સૂર્યનો તાપ સૌથી વધુ હોય છે, ત્યારે ટ્રાફિક સિગ્નલો કાર્યરત રહેશે નહીં. આ સમયગાળા દરમિયાન વાહનચાલકોએ રોડ ક્રોસ કરતી વખતે સાવચેતી રાખવી પડશે. જોકે, ટ્રાફિકનું નિયમન જળવાઈ રહે અને કોઈ અકસ્માત ન સર્જાય તે માટે દરેક મુખ્ય જંક્શન પર ટ્રાફિક પોલીસના જવાનો અને ટીઆરબી (TRB) જવાનો તૈનાત રહેશે. તેઓ વાહનવ્યવહારને સતત ચાલતો રાખવા માટે માર્ગદર્શન આપશે.

આ પણ વાંચો: "બહુ મોટો નેતા બનવા નીકળ્યો છે" : કહી ભાજપના જ બે હોદ્દેદારો આમને-સામને, જાનથી મારી નાખવાની ધમકી આપતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો

મુખ્ય જંક્શન્સ પર શેડની વ્યવસ્થા અને નવી ગાઈડલાઈન

ગરમીથી બચવા માટે માત્ર સિગ્નલો બંધ કરવા પૂરતું નથી, પરંતુ પોલીસ વિભાગે અન્ય પણ આગોતરા પગલાં લીધા છે. શહેરના મોટા અને વ્યસ્ત જંક્શન્સ પર વાહનચાલકો માટે 'ગ્રીન શેડ' (નેટ) બાંધવામાં આવ્યા છે. પન્ના મોમેયાએ ફોર-વ્હીલર ચાલકોને પણ એક ખાસ અપીલ કરી છે. તેમણે જણાવ્યું કે, જે જંક્શન પર શેડની વ્યવસ્થા છે, ત્યાં ફોર-વ્હીલર ચાલકોએ પોતાની ગાડી થોડી પાછળ રાખવી જોઈએ અથવા એવી રીતે ઉભી રાખવી જોઈએ જેથી ટુ-વ્હીલર ચાલકોને શેડની નીચે ઉભા રહેવા માટે પૂરતી જગ્યા મળી શકે.

સુરત પોલીસની નાગરિકોને અપીલ

ટ્રાફિક પોલીસે શહેરીજનોને અપીલ કરી છે કે સિગ્નલ બંધ હોવા છતાં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન ન કરવું. રસ્તાઓ ક્રોસ કરતી વખતે આજુબાજુ ધ્યાન આપીને વાહન ચલાવવું જેથી અકસ્માત ટાળી શકાય. આ ઉપરાંત, બપોરના સમયે ટ્રાફિકજામની સ્થિતિ ન સર્જાય તે માટે પોલીસને સહકાર આપવા વિનંતી કરવામાં આવી છે. આ નિર્ણયથી ડિલિવરી બોયઝ, ફિલ્ડ વર્ક કરતા કર્મચારીઓ અને સામાન્ય નાગરિકોને હીટસ્ટ્રોકથી બચવામાં મોટી મદદ મળશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now