Home Gujarat Vadodara Vadodara Iskcon Atria Fire Incident Gotri

વડોદરાના ગોત્રીના ‘ઇસ્કોન એટ્રિયા’માં ભીષણ આગથી અફરાતફરી : 10થી વધુ ફાયર ટેન્ડરોએ આગ પર મેળવ્યો કાબૂ

વડોદરાના ગોત્રી રોડ પર ઇસ્કોન એટ્રિયા-2 બિલ્ડિંગમાં લાગી આગ
Play Video
Published by: Viral Patel
Last Updated: Apr 15, 2026, 03:10 PM IST

Vadodara News: વડોદરા શહેરના અત્યંત વ્યસ્ત અને પોશ ગણાતા ગોત્રી રોડ પર આવેલી ઇસ્કોન એટ્રિયા-૨ (Iskcon Atria-2) નામની રહેણાંક બિલ્ડિંગમાં આજે બપોરના સમયે ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં ભારે ગભરાટ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બિલ્ડિંગના ઉપરના માળે લાગેલી આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લેતા દૂર-દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા.

શું છે ઘટનાની વિગત

મળતી માહિતી મુજબ, આગ બિલ્ડિંગના સૌથી ઉપરના માળે આવેલા ફ્લેટમાં લાગી હતી. આગની તીવ્રતા એટલી વધારે હતી કે જોતજોતામાં જ્વાળાઓ આસપાસ ફેલાવા લાગી હતી. ગરમી અને આગના કારણે બિલ્ડિંગની બારીઓના કાચ ધડાકાભેર તૂટવા લાગ્યા હતા, જેના કારણે નીચે ઉભેલા લોકો અને રાહદારીઓમાં ફાળ પડી હતી. બિલ્ડિંગમાં રહેતા પરિવારો જીવ બચાવવા માટે તાત્કાલિક ઘરની બહાર દોડી આવ્યા હતા.

આ પણ વાંચો: હોસ્પિટલમાં આગ લાગે ત્યારે શું કરવું? : સુરક્ષિત રહેવા માટેની માર્ગદર્શિકા અને ફાયર સેફ્ટીની મહત્વપૂર્ણ માર્ગદર્શિકા

ફાયર બ્રિગેડની કામગીરી

આગની જાણ થતાં જ વડોદરા ફાયર બ્રિગેડની ટીમ સજ્જ થઈ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આગ પર કાબૂ મેળવવા માટે ૧૦થી વધુ ફાયર ટેન્ડરો અને હાઈડ્રોલિક પ્લેટફોર્મની મદદ લેવામાં આવી હતી. ફાયરના જવાનોએ સતત પાણીનો મારો ચલાવી આગને વધુ પ્રસરતી અટકાવી હતી. સ્થાનિક પોલીસે પણ તુરંત પહોંચીને ટ્રાફિક નિયંત્રણ કરી ભીડને હટાવવાની કામગીરી કરી હતી.

જાનહાનિ ટળી, પણ નુકસાન મોટું

સદનસીબે, આ દુર્ઘટનામાં અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી. રહેવાસીઓની સતર્કતા અને ફાયર બ્રિગેડની ત્વરિત કામગીરીને કારણે મોટી હોનારત ટળી છે. જોકે, આગના કારણે ફ્લેટમાં રહેલી ઘરવખરી અને મિલકતને મોટાપાયે નુકસાન થયું હોવાનો અંદાજ છે.

આ પણ વાંચો: ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાના ભાજપ પર આકરા પ્રહાર : ચૂંટણી પંચને ગણાવ્યું 'ભાજપનું પાલતુ શ્વાન'

ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે, "આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી, પરંતુ પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટ હોવાની આશંકા સેવાઈ રહી છે. હાલ કુલિંગની પ્રક્રિયા ચાલુ છે." આ ઘટનાએ ફરી એકવાર બહુમાળી ઇમારતોમાં ફાયર સેફ્ટીના સાધનોની સજ્જતા સામે પ્રશ્નાર્થ ચિહ્ન ખડા કર્યા છે. હાલમાં પરિસ્થિતિ સંપૂર્ણપણે કાબૂમાં છે, પરંતુ સ્થાનિક લોકોમાં હજુ પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now