પંચમહાલ જિલ્લામાં પર્યાવરણ સંરક્ષણ અને ઈંધણ બચત તરફ એક મહત્વપૂર્ણ પહેલ જોવા મળી છે. શહેરા વિસ્તારના ધારાસભ્ય તથા નાફેડ,પંચમહાલ ડિસ્ટ્રીક બેંક , પંચમહાલ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘના ચેરમેન જેઠાભાઈ ભરવાડ દ્વારા દેશહિતમાં એક નોંધપાત્ર નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ઈંધણની બચત અને વૈકલ્પિક ઊર્જા તરફ વળવા માટે કરવામાં આવેલી અપીલને ધ્યાનમાં રાખીને તેમણે આ પહેલ શરૂ કરી છે.
જેઠાભાઈ ભરવાડે પોતે આ અભિયાનનો ભાગ બનીને ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેઓ પોતાના નિવાસસ્થાનથી કાર્યાલય અને ત્યાંથી પંચમહાલ ડેરી સુધી ઈ-રિક્ષામાં મુસાફરી કરતા જોવા મળ્યા હતા.
3 સંસ્થામાં EV તરફ પરિવર્તનનો માર્ગ
જેઠાભાઈ ભરવાડ નાફેડ, પંચમહાલ ડિસ્ટ્રિક્ટ બેંક અને પંચમહાલ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ જેવી મહત્વપૂર્ણ સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. આ ત્રણેય સંસ્થાઓના કર્મચારીઓ, સભાસદો અને જોડાયેલા લોકો માટે તેમણે ઈલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ વધારવા અનુરોધ કર્યો છે. આ સંસ્થાઓમાં હાલ અંદાજે 6,000થી વધુ વાહનો ઉપયોગમાં લેવામાં આવે છે. ઈલેક્ટ્રિક વાહનો અપનાવવાનો રોડમૅપ તૈયાર કરવામાં આવી રહ્યો છે. જો આ યોજના સફળ થાય, તો જિલ્લામાં ઇંધણ બચત ઉપરાંત પ્રદૂષણમાં પણ નોંધપાત્ર ઘટાડો શક્ય બને છે.
આ પણ વાંચો: અમદાવાદનાં દરિયાપુરમાં જીમની હાલત કફોડી હોવાનો આક્ષેપ : કોંગ્રેસના કોર્પોરેટરે કર્યો આક્ષેપ
વીડિયો કોન્ફરન્સથી કામગીરીમાં પરિવર્તન
ઈંધણ બચત માટે માત્ર વાહન વ્યવહાર જ નહીં પરંતુ સંસ્થાકીય કાર્યપદ્ધતિમાં પણ ફેરફાર લાવવામાં આવ્યો છે. હવે ત્રણેય સંસ્થાઓની બેઠકો, સામાન્ય સભાઓ અને અન્ય કામગીરીઓ શક્ય તેટલી વિડીયો કોન્ફરન્સ મારફતે યોજવામાં આવશે. આ પગલાંથી મુસાફરીમાં ઘટાડો થશે, સમય અને ખર્ચ બંને બચશે અને સાથે જ પર્યાવરણ પર સકારાત્મક અસર પડશે. ડિજિટલ માધ્યમોનો વધતો ઉપયોગ આધુનિક સંચાલન માટે પણ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.
આ પણ વાંચો: કલ્પસર યોજનાને મળશે વૈશ્વિક ટેકનિકલ બળ : નેધરલેન્ડ્સના ‘અફસ્લુઇટડિજ્ક’ મોડેલથી ગુજરાતને નવી આશા
ઈલેક્ટ્રિક વાહન માટે લોન અને MOUની જાહેરાત
આ પહેલને વધુ પ્રોત્સાહન આપવા માટે પંચમહાલ ડિસ્ટ્રિક્ટ બેંક દ્વારા ખાસ નાણાકીય સહાય યોજનાની જાહેરાત કરવામાં આવી છે. ઈલેક્ટ્રિક વાહન ખરીદવા ઈચ્છુક સભાસદો, કર્મચારીઓ અને સામાન્ય નાગરિકોને વાહનની મૂળ કિંમતના 85ટકા સુધી લોન આપવામાં આવશે.
આ સાથે જ, ઈલેક્ટ્રિક વાહન બનાવતી કંપનીઓ સાથે MOU (સમજૂતી કરાર) કરવાની પણ તૈયારી દર્શાવવામાં આવી છે જેથી લોકો સુધી EV સહેલાઈથી અને ઓછા દરે પહોંચી શકે. આ પગલું ગ્રામ્ય અને અર્ધશહેરી વિસ્તારોમાં ઈલેક્ટ્રિક વાહનોના પ્રચાર માટે મહત્વપૂર્ણ બની શકે છે.
જનજાગૃતિ અને દેશહિતનો સંદેશ
જેઠાભાઈ ભરવાડે માત્ર સંસ્થાઓ સુધી મર્યાદિત ન રહી, પરંતુ પોતાના મતદારો અને સામાન્ય નાગરિકોને પણ ઇંધણનો ઓછામાં ઓછો ઉપયોગ કરવા અપીલ કરી છે. તેમના અનુસાર, નાના-નાના પ્રયાસો દ્વારા દેશના સ્તરે મોટી બચત શક્ય બને છે.






