બનાસકાંઠાના પાંથાવાડા નજીક લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) પાલનપુરે દારૂ તસ્કરીના મોટા રેકેટનો પર્દાફાશ કરતાં રાજસ્થાનથી ગુજરાતમાં ઘુસાડવામાં આવી રહેલો વિદેશી દારૂ અને બિયરના જથ્થા સાથે ટ્રેલર ટ્રક ઝડપી પાડ્યો છે. પોલીસે કાર્યવાહી દરમિયાન પંજાબ રાજ્ય નિર્મિત વિદેશી દારૂ અને બિયરની કુલ 16092 બોટલો કબજે કરી છે. જપ્ત કરાયેલા દારૂની કિંમત રૂ. 73,50,716 હોવાનું સામે આવ્યું છે, જ્યારે ટ્રેલર ટ્રક અને અન્ય મુદ્દામાલ સહિત કુલ રૂ. 1,13,61,316 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
આ કાર્યવાહી એલસીબી પાલનપુરે પાંથાવાડા નજીક ગોઠવેલી ખાસ વોચ દરમિયાન હાથ ધરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા મુજબ, રાજસ્થાન તરફથી ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસને મળેલી બાતમીના આધારે પાંથાવાડાથી ડીસા તરફ જતા હાઈવે રોડ પર વોચ ગોઠવવામાં આવી હતી. દરમિયાન રાજસ્થાન પાસિંગ ધરાવતો ટ્રેલર ટ્રક નંબર RJ-52-GA-0915 શંકાસ્પદ હાલતમાં પસાર થતો દેખાતા પોલીસે તેને રોકી તપાસ હાથ ધરી હતી.
ટ્રેલરની અંદર ખાસ રીતે બનાવવામાં આવેલા ગુપ્ત ખાણાઓમાંથી પંજાબ રાજ્ય નિર્મિત ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયરની મોટી માત્રા મળી આવી હતી. પોલીસે સ્થળ પરથી જ રાજસ્થાનના રહેવાસી અને કુખ્યાત બુટલેગર તરીકે ઓળખાતા રામકરણસિંહ રામલાલ જાટની ધરપકડ કરી હતી. આરોપી રાજસ્થાનના જાલોર જિલ્લાના સાંવલોડા વિસ્તારનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.
આ પણ વાંચો: PM મોદીની અપીલ બાદ GMRC નો મોટો નિર્ણય : શરૂ કરાઇ વધારાની મેટ્રો સેવાઓ, મોડા સુધી થશે મુસાફરી
બનાવટી નંબર પ્લેટ લગાવી દારૂ ઘુસાડવાનો પ્રયાસ
પ્રાથમિક તપાસમાં વધુ એક મહત્વનો ખુલાસો થયો છે. આરોપીઓએ દારૂની હેરાફેરી માટે ટ્રેલર ટ્રક પર બનાવટી નંબર પ્લેટ લગાવી હતી. પોલીસ અનુસાર, ટ્રક પર GJ-12-BV-6635 નંબરની નકલી પ્લેટ લગાવવામાં આવી હતી જેથી તપાસ એજન્સીઓને ભ્રમિત કરી શકાય. દારૂની હેરાફેરી માટે આરોપીઓ દ્વારા બિલ્ટી અને અન્ય દસ્તાવેજોમાં પણ ગેરરીતિ કરવામાં આવી હોવાની આશંકા છે.
આ મામલે પોલીસે પ્રોહિબિશન એક્ટ ઉપરાંત ભારતીય ન્યાય સંહિતા (BNS) હેઠળ પણ ગુનો દાખલ કરવાની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસ હવે ટ્રકના મૂળ માલિક, દારૂ સપ્લાય કરનાર નેટવર્ક અને ગુજરાતમાં જથ્થો કોને પહોંચાડવાનો હતો તે મુદ્દે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.
રાજસ્થાન-ગુજરાત બોર્ડર ફરી ચર્ચામાં
ગુજરાતમાં દારૂબંધી અમલમાં હોવાથી રાજસ્થાન અને અન્ય પડોશી રાજ્યોમાંથી મોટા પ્રમાણમાં દારૂ ઘુસાડવાના પ્રયાસો થતા રહે છે. બનાસકાંઠા જિલ્લો રાજસ્થાનની સરહદ સાથે જોડાયેલો હોવાથી દારૂ તસ્કરો માટે સંવેદનશીલ માર્ગ માનવામાં આવે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ટ્રેલર, કન્ટેનર અને માલવાહક વાહનો મારફતે દારૂ લાવવામાં આવતા અનેક કેસ સામે આવ્યા છે.
આ પણ વાંચો: હાશ..! હવે અગનગોળા ફેંકતી ગરમીથી મળશે રાહત : જાણો હવામાન વિભાગની 'ટાઢક' આપતી આગાહી
આ કેસમાં પણ ટ્રેલર ટ્રકનો ઉપયોગ કરી દારૂને કાયદેસર માલસામાનની આડમાં ગુજરાત સુધી પહોંચાડવાનો પ્રયાસ થયો હતો. પોલીસના જણાવ્યા મુજબ, દારૂને ટ્રેલરમાં ગુપ્ત ખાણાઓ બનાવી છુપાવવામાં આવ્યો હતો જેથી સામાન્ય ચેકિંગ દરમિયાન તે ઝડપાઈ ન શકે.
આરોપીનો ગુનાહિત ઇતિહાસ પણ સામે આવ્યો
પોલીસ તપાસમાં ઝડપાયેલા આરોપી રામકરણસિંહ રામલાલ જાટ સામે અગાઉ પણ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. રાજસ્થાન અને ગુજરાતમાં દારૂ હેરાફેરી સંબંધિત કેસોમાં તેની સંડોવણી રહી હોવાની માહિતી પોલીસને મળી છે. આથી હવે પોલીસ તેની જૂની કડીઓ અને સંપર્કોને પણ ખંગાળી રહી છે.
સરહદી વિસ્તારોમાં ચેકિંગ વધુ કડક બનશે
આટલા મોટા પ્રમાણમાં દારૂ ઝડપાતા સરહદી વિસ્તારોમાં પોલીસ ચેકિંગ વધુ કડક બનાવવાની ચર્ચા તેજ બની છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ, બાતમીદારોના નેટવર્ક અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આવનારા સમયમાં પણ આવી જ કાર્યવાહી ચાલુ રહેશે.
દારૂ તસ્કરી માત્ર કાયદાનો ભંગ જ નહીં પરંતુ સંગઠિત ગુનાખોરી, કાળા નાણાં અને અન્ય ગેરકાયદે પ્રવૃત્તિઓ સાથે પણ જોડાયેલી હોય છે. તેથી આવા કેસોમાં માત્ર વાહનચાલક સુધી તપાસ મર્યાદિત ન રાખી મૂળ નેટવર્ક સુધી પહોંચવું જરૂરી બને છે.






