Home Gujarat Jamnagar Government Dental College Cheque Scam 136 Crore

જામનગરની સરકારી ડેન્ટલ કોલેજમાં ₹1.36 કરોડનું ચેક કૌભાંડ : કરાર આધારિત કર્મચારી સામે ગંભીર આક્ષેપ

જામનગર ડેન્ટલ કોલેજ
Published by: Chintan Chavda
Last Updated: May 19, 2026, 06:23 AM IST

જામનગરની સરકારી ડેન્ટલ કોલેજ જામનગર માં રૂપિયા 1.36 કરોડના કથિત ચેક કૌભાંડનો મોટો મામલો સામે આવતા આરોગ્ય વિભાગ અને પ્રશાસનિક વર્તુળોમાં ભારે ચકચાર મચી ગઈ છે. કોલેજની રોગી કલ્યાણ સમિતિના નાણાકીય વ્યવહારોમાં ગોટાળો થયાનો આરોપ છે, જેમાં NHM હેઠળ કરાર આધારિત ફરજ બજાવતા કર્મચારી શોભિત ગર્ગ પર ગંભીર આક્ષેપો લાગ્યા છે.

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે છેલ્લા લગભગ છ મહિનામાં અલગ અલગ તારીખે કુલ 15 ચેક મારફતે રૂપિયા 1,36,19,350ની રકમ કથિત રીતે પોતાના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. મામલો સામે આવતા કોલેજના ડીન અને અન્ય અધિકારીઓએ આંતરિક તપાસ હાથ ધરી હતી, પરંતુ સંતોષકારક જવાબ ન મળતાં આખરે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

ફરિયાદ ડો. સંજય ઉમરાણીયા દ્વારા નોંધાવવામાં આવી હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે અને અન્ય કોઈ વ્યક્તિ અથવા આંતરિક સ્ટાફની સંડોવણી છે કે નહીં તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે.

‘રોગી કલ્યાણ સમિતિ’ના ફંડમાં ગોટાળાનો આરોપ

કોલેજના ડીન નયનાબેન પટેલ એ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રોગી કલ્યાણ સમિતિના ફંડનો ઉપયોગ હોસ્પિટલ અને દર્દીઓ સંબંધિત કામગીરી માટે કરવામાં આવે છે. સરકાર તરફથી આ ફંડ ફાળવવામાં આવે છે અને તેની નાણાકીય કામગીરી તથા રેકોર્ડ કીપિંગની જવાબદારી શોભિત ગર્ગને સોંપવામાં આવી હતી.

ડીનના જણાવ્યા મુજબ, કોલેજમાં કાયમી સ્ટાફની અછત હોવાના કારણે NHM હેઠળ નિયુક્ત Assistant Hospital Administrator તરીકે ફરજ બજાવતા શોભિત ગર્ગને આ જવાબદારી સોંપવામાં આવી હતી. સાથે કાયમી એકાઉન્ટન્ટને દેખરેખ રાખવા માટે સૂચના આપવામાં આવી હતી.

પરંતુ છેલ્લા કેટલાક મહિનામાં તેમની જાણ બહાર ચેકમાં કથિત ચેડાં કરીને મોટા પ્રમાણમાં ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. ડીને એવો પણ દાવો કર્યો હતો કે કેટલીક સહીઓ સાચા બિલ સાથે કરવામાં આવી હતી, પરંતુ પછીથી તેમાં ફેરફાર કરવામાં આવ્યા હોઈ શકે છે.
આ પણ વાંચો: વાવમાં ફિલ્મી અંદાજમાં લૂંટ અને અપહરણ : યુવકને માર મારી પડાવ્યા લાખો રૂપિયા, જાણો આખી ઘટના

ડીનના નિવેદનથી ઊભા થયા સવાલો

મામલામાં સૌથી વધુ ચર્ચા ડીનના નિવેદનને લઈને થઈ રહી છે. મીડિયા સાથેની વાતચીત દરમિયાન જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે સહી કરનાર અધિકારી તરીકે શું આ બેદરકારી ગણાય નહીં, ત્યારે તેમણે કહ્યું હતું કે “વિશ્વાસ મુકેલા કર્મચારીએ વિશ્વાસઘાત કર્યો હોઈ શકે છે.”

પત્રકાર દ્વારા પૂછાયેલા સવાલોમાં ખાસ કરીને એ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો કે ચેકમાં હેડિંગ વગર કે વિગતો તપાસ્યા વગર કેવી રીતે સહી થઈ શકે. તેના જવાબમાં ડીને કહ્યું કે કામના ભારણ દર મિયાન ક્યારેક સંપૂર્ણ વિગતો ધ્યાનમાં ન આવી હોય તેવી શક્યતા છે.

ડીનના આ નિવેદનોથી નાણાકીય નિયંત્રણ અને આંતરિક મોનીટરીંગ સિસ્ટમ અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. ખાસ કરીને સરકારી ફંડ અને જાહેર નાણાંના ઉપયોગમાં પ્રાથમિક ચકાસણી અને જવાબદારીના મુદ્દે હવે ચર્ચા તેજ બની છે.

શોભિત ગર્ગ કોણ?

ડીનના જણાવ્યા મુજબ, શોભિત ગર્ગ NHM (National Health Mission) હેઠળ 11 મહિનાના કરાર આધારિત નિયુક્ત થયેલા કર્મચારી છે. તેઓ Assistant Hospital Administrator તરીકે ફરજ બજાવતા હતા અને છેલ્લા અંદાજે અઢી વર્ષથી જી.જી. હોસ્પિટલમાંથી ડેપ્યુટેશન પર ડેન્ટલ કોલેજમાં ફરજ પર હતા.

હાલમાં પોલીસે આરોપી સામે ગુનો નોંધી બેંક ટ્રાન્ઝેક્શન, ચેક રેકોર્ડ, સહીની ચકાસણી અને અન્ય દસ્તાવેજોની તપાસ શરૂ કરી છે. તપાસ દરમિયાન બેંકિંગ પ્રક્રિયામાં કોઈ બેદરકારી કે અન્ય કર્મચારીઓની ભૂમિકા સામે આવે તો વધુ કાર્યવાહી થઈ શકે છે.

આ પણ વાંચો: અમદાવાદ એરપોર્ટ પર મોટી ડ્રગ્સ કાર્યવાહી : 9.30 કિલો હેરોઈન જપ્ત, કેરલમના મુસાફરની ધરપકડ

સરકારી સંસ્થાઓમાં નાણાકીય દેખરેખ પર ફરી સવાલ

આ ઘટનાએ સરકારી આરોગ્ય સંસ્થાઓમાં નાણાકીય વ્યવસ્થાપન અને ઓડિટ સિસ્ટમ અંગે ફરી પ્રશ્નો ઊભા કર્યા છે. ખાસ કરીને કરાર આધારિત કર્મચારીઓને મોટી નાણાકીય જવાબદારીઓ સોંપતી વખતે પૂરતી દેખરેખ રાખવામાં આવે છે કે નહીં તે મુદ્દે ચર્ચા શરૂ થઈ છે.

નિષ્ણાતોનું માનવું છે કે આવી ઘટનાઓ અટકાવવા માટે ડિજિટલ ઓથોરાઇઝેશન, ડ્યુઅલ વેરિફિકેશન સિસ્ટમ, નિયમિત ઓડિટ અને બેંકિંગ મોનીટરીંગ વધુ મજબૂત બનાવવાની જરૂર છે. હાલ સમગ્ર મામલો પોલીસ તપાસ હેઠળ હોવાથી આગળના દિવસોમાં વધુ ખુલાસાઓ થવાની શક્યતા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now