Home Gujarat Gir Somnath Veraval Una Sutrapada Bjp Office Bearers Announced

ગીર સોમનાથની નગરપાલિકાઓમાં ભાજપે જાહેર કર્યા હોદ્દેદારોના નામ : વેરાવળથી ઉના સુધી નવી ટીમની વરણી

ગીરસોમનાથ ભાજપના અધિકારીઓના દ્રશ્યો
Published by: Chintan Chavda
Last Updated: May 19, 2026, 07:18 AM IST

ગીર સોમનાથ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની રાજનીતિમાં મહત્વપૂર્ણ ગણાતી વિવિધ નગરપાલિકાઓમાં હવે નવી ટીમોની સત્તાવાર વરણી શરૂ થઈ ગઈ છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા વેરાવળ, સુત્રાપાડા અને ઉના નગરપાલિકાના હોદ્દેદારોના નામોની જાહેરાત કરવામાં આવી છે. પક્ષની બેઠકો દરમિયાન પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, પક્ષના નેતા અને દંડક સહિતના હોદ્દાઓ માટે નામો જાહેર કરવામાં આવ્યા હતા.

આ વરણી બાદ હવે આગામી સમયમાં વિકાસ કામો, નગર વ્યવસ્થા અને રાજકીય સમીકરણો કેવી રીતે આગળ વધશે તે અંગે સ્થાનિક સ્તરે ચર્ચાઓ તેજ બની છે.

વેરાવળ નગરપાલિકામાં નરેશ ગોહેલ પ્રમુખ બન્યા

વેરાવળ નગરપાલિકામાં ભાજપ દ્વારા યુવા ઉદ્યોગપતિ નરેશ ગોહેલ ને પ્રમુખ પદે પસંદ કરવામાં આવ્યા છે. જ્યારે ઉપપ્રમુખ તરીકે હેમીબેન જેઠવા ની વરણી કરવામાં આવી છે.

કારોબારી ચેરમેન તરીકે ઉદ્યોગપતિ ઉદય શાહ ને જવાબદારી સોંપવામાં આવી છે. ઉપરાંત પક્ષના નેતા તરીકે રીટાબેન તન્ના અને દંડક તરીકે જીતેન્દ્ર ઉપાધ્યાય ની નિમણૂક કરવામાં આવી છે.

વેરાવળ સર્કિટ હાઉસ ખાતે ભાજપના નગરસેવકોની બેઠક દરમિયાન આ જાહેરાત કરવામાં આવી હતી. બેઠકમાં રાજેશ ચુડાસમા, જિલ્લા ભાજપ પ્રમુખ ડો. સંજય પરમાર સહિત સંગઠનના અગ્રણીઓ હાજર રહ્યા હતા.

આ પણ વાંચો: જામનગરની સરકારી ડેન્ટલ કોલેજમાં ₹1.36 કરોડનું ચેક કૌભાંડ : કરાર આધારિત કર્મચારી સામે ગંભીર આક્ષેપ

સુત્રાપાડા નગરપાલિકામાં ભાજપનો ક્લીન સ્વીપ

સુત્રાપાડા નગરપાલિકામાં ભાજપે તમામ 24 બેઠકો પર વિજય મેળવ્યા બાદ હવે હોદ્દેદારોની બિનહરીફ વરણી કરવામાં આવી છે. પ્રમુખ તરીકે મનીષાબેન બારડ, ઉપપ્રમુખ તરીકે વેજીબેન પંપાણીયા અને કારોબારી ચેરમેન તરીકે નરેશ કામળીયા ની પસંદગી કરવામાં આવી છે.

ભાજપે તમામ બેઠકો કબ્જે કરતાં સ્થાનિક સ્તરે સંગઠનની મજબૂત સ્થિતિ વધુ સ્પષ્ટ બની છે. વરણી કાર્યક્રમ દરમિયાન શહેર ભાજપ પ્રમુખ સુરસિંહ મોરી, ગુજરાત પ્રદેશ કારોબારી સભ્ય અને જામનગર જિલ્લાના પ્રભારી દિલીપ બારડ સહિત નગરપાલિકાના સભ્યો અને ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા.

ઉના નગરપાલિકામાં નવી ટીમની જાહેરાત

ઉના નગરપાલિકામાં પણ પ્રમુખ અને ઉપપ્રમુખ સહિતના હોદ્દાઓ માટે નામ જાહેર કરવામાં આવ્યા છે. પ્રમુખ તરીકે હર્ષાબેન ભોળાભાઈ રાઠોડ ની પસંદગી કરવામાં આવી છે, જ્યારે ઉપપ્રમુખ તરીકે મિતેશ હરકિશનભાઈ શાહ ને જવાબદારી સોંપવામાં આવી છે.

કારોબારી ચેરમેન તરીકે ઘનશ્યામ જોશી ની વરણી કરવામાં આવી છે. જોકે સ્થાનિક રાજકીય ચર્ચાઓમાં એક મુદ્દો ખાસ ધ્યાન ખેંચી રહ્યો છે કે લોકપ્રિય ગુજરાતી ગાયક કલાકાર રાજલ બારોટ ને કોઈ હોદ્દો આપવામાં આવ્યો નથી. રાજલ બારોટ પહેલી વખત ભાજપ તરફથી ચૂંટાઈ આવ્યા હોવા છતાં તેમને સંગઠનમાં સ્થાન ન મળતાં રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ શરૂ થઈ છે.


આ પણ વાંચો: Android યુઝર્સ માટે એલર્ટ! : WhatsApp પર ‘લગ્ન કાર્ડ’ નામે આવી રહી છે ખતરનાક APK ફાઇલ, એક ક્લિકથી ફોન થઈ શકે હેક

સ્થાનિક રાજકારણમાં નવા સમીકરણો

ગીર સોમનાથ જિલ્લાની આ ત્રણેય નગરપાલિકાઓમાં ભાજપે પોતાની સંગઠનાત્મક ગોઠવણ પૂર્ણ કરી છે. સ્થાનિક સ્તરે હવે વિકાસ કામો, નગર વ્યવસ્થા, પાણી, સફાઈ, માર્ગ સુવિધા અને શહેરી પ્રોજેક્ટ્સ જેવા મુદ્દાઓ પર નવી ટીમોની કામગીરી પર નજર રહેશે.

વિશેષ કરીને વેરાવળ અને ઉના જેવા વિસ્તારોમાં વેપાર, પર્યટન અને શહેરી વિકાસ સાથે જોડાયેલા અનેક પ્રશ્નો આગામી સમયમાં નવા હોદ્દેદારો માટે પડકારરૂપ બની શકે છે. બીજી તરફ સુત્રાપાડામાં તમામ બેઠકો જીત્યા બાદ ભાજપ માટે સંગઠનાત્મક એકતા જાળવવી પણ મહત્વપૂર્ણ રહેશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now