તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામોમાં મોટો ફટકો મળ્યા બાદ આમ આદમી પાર્ટી દ્વારા વર્ષ 2027ની વિધાનસભાની ચૂંટણીને લઇને અત્યારથી જ તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જેને લઇને આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં નવા સંગઠનની જાહેરાત કરી છે. જોકે, ગુજરાત આપના કર્તાહર્તા ઇસુદાન ગઢવીની જગ્યાએ ગોપાલ ઇટાલિયાએ નવા માળખાની જાહેરાત કરતાં અનેક તર્કવિતર્ક સર્જાયા છે.
શું કેન્દ્રિય નેતૃત્વને ઇસુદાન પર ભરોસો નથી?
ગોપાલ ઇટાલિયાએ AAP સંગઠનના નવા માળખાની જાહેરાત કરતાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સહિત અન્ય રાજકિય વર્તુળોમાં ચર્ચાએ જોર પકડ્યું છે કે, ઇસુદાન ગઢવી જાહેર કાર્યક્રમોમાં અનેકવાર ગોપાલ ઇટાલિયાને પોતાનો 'નાનોભાઇ' કરીને સંબોધન કરે છે તો ઇસુદાન ગઢવીની જગ્યાએ ઇટાલિયાએ જ કેમ નવા માળખાની જાહેરાત કરી? તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આપ આદમી પાર્ટીએ નબળુ પ્રદર્શન કરતાં શું કેન્દ્રિય નેતૃત્વને ઇસુદાન પર ભરોસો નથી કે શું? આવા અનેક સવાલોના કારણે રાજકીય ગરમાવો આવ્યો છે.
AAPના નવા માળખામાં યુવાનોનો વધુ સમાવેશ કરાયો
વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ નવા માળખાની જાહેરાત કરતાં જણાવ્યું કે, આ નવા સંગઠનનો મુખ્ય હેતુ પક્ષના પાયાને મજબૂત કરવાનો છે. આપના નવા સંગઠનમાં પક્ષના દિગ્ગજ નેતાઓ સાથે અને યુવા નેતાઓનો વધુ પ્રમાણમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ નવી ટીમ દ્વારા આવનાર 21 મે 2026ના રોજ મોંઘવારીના વિરોધમાં કાર્યક્રમ યોજવામાં આવશે.
બ્રિજરાજ સોલંકીને પ્રદેશ યુવા પ્રમુખ બનાવાયા
નવા માળખાની જાહેરાત કરતાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું કે, આ નવી ટીમની રચના પ્રદેશ પ્રભારી ગોપાલ રાય, પ્રદેશ નેતા ઈસુદાન ગઢવી અને મનોજ સોરઠિયાના નેતૃત્વ હેઠળ કરવામાં આવી છે. જેમાં અનુપ શર્મા પ્રદેશ મંત્રી, પાયલ સાકરીયા પ્રદેશ મહિલા મોરચા પ્રમુખ, બ્રિજરાજ સોલંકી પ્રદેશ યુવા પ્રમુખ, ધાર્મિક માથુકિયા વિદ્યાર્થી પાંખ ASAP પ્રદેશ પ્રમુખ પદે નિમાયા છે.
જીગીષા પટેલ અને યુવરાજસિંહ જાડેજાને મહત્વનું પદ મળ્યું
આ ઉપરાંત ડો. જ્વેલ વસરા, કૈલાસદાન ગઢવી, રામ ધડુક, ગૌરી દેસાઈ, યુવરાજસિંહ જાડેજા, બિપિન ગામેતી, રાજુ વલવાઇ, મયુર સાકરીયા, રાજકરણ ઠાકોર, કાયનાત અન્સારી આથા, જીગીષા પટેલ અને જયંતી પ્રણામી ઉપપ્રમુખ પદે નિમાયા છે. જ્યારે ડો. કરન બારોટ, વિક્રમ દવે, સંજયસિંહ રાજ, મહેશ અણધણ, નિરંજન વસાવા, બાબુ ડામોર, પ્રભાતસિંહ સોલંકી, જયદીપસિંહ ચૌહાણ, ધર્મેશ ભંડેરી, કમલેશ પટેલ, નિકુંજ સાવલિયા, રાજુભાઈ બોરખતરીયા, અજીત લોખીલ, અને ડો. કિરીટસિંહ રાણાને પ્રદેશ સંગઠન મંત્રી પદે નિયુક્ત કરવામાં આવ્યા છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આપને મોટો ફટકો પડ્યો હતો
મહત્વનું છે કે, તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનું પ્રદર્શન નબળું રહ્યું હતું. પક્ષે રાજ્યભરમાં ઉમેદવારોની યાદીઓ જાહેર કરી ચૂંટણી લડી હતી, પરંતુ પરિણામોમાં પક્ષને મોટો ફટકો પડ્યો હતો અને અનેક બેઠકો પર તેમના ઉમેદવારોની ડિપોઝિટ પણ ગુમાવી હતી.





