અમદાવાદ: ગુજરાતમાં કાળઝાળ ગરમી અને અસહ્ય ઉકળાટનો સામનો કરી રહેલા નાગરિકો માટે હવામાન વિભાગ તરફથી રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં આગામી દિવસોમાં ગરમીનો પારો થોડો ગગડવાની સંભાવના છે. હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે. દાસે સત્તાવાર માહિતી આપતા જણાવ્યું છે કે, આગામી 24 કલાક દરમિયાન તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા નહીં મળે, પરંતુ ત્યારબાદ તાપમાનમાં ક્રમશઃ 2 થી 3 ડિગ્રી જેટલો ઘટાડો થવાની પ્રબળ શક્યતા છે.
હાલમાં એક નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે આગામી દિવસોમાં રાજ્યના વાતાવરણમાં મોટો બદલાવ જોવા મળશે. આ સિસ્ટમની અસરના ભાગરૂપે રાજ્યમાં ભારે પવન ફૂંકાવાની પણ આગાહી કરવામાં આવી છે. જોકે, તાપમાન ઘટવા છતાં પણ ભેજના ઊંચા પ્રમાણને કારણે લોકોને ઉકળાટ અને બફારાનો સામનો કરવો પડી શકે છે.
અમદાવાદમાં આજે 43 ડિગ્રી પારો, ગાંધીનગર અને સુરેન્દ્રનગર પણ તપ્યા
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યના મોટાભાગના શહેરોમાં હજુ પણ ગરમીનો પ્રકોપ યથાવત છે. રાજ્યમાં સરેરાશ તાપમાન 41 થી 43 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે નોંધાઈ રહ્યું છે. અમદાવાદમાં આજે પણ મહત્તમ તાપમાન 43 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે. ગઈકાલે અમદાવાદ 43.7 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું, જે સામાન્ય કરતાં 1.7 ડિગ્રી વધુ હતું. આ સિવાય ગાંધીનગરમાં 43.5 ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં 43.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય: 15 થી 20 કિમીની ગતિએ ફૂંકાશે પવન
ડાયરેક્ટર એ. કે. દાસે જણાવ્યું કે, ઉત્તર પાકિસ્તાન અને જમ્મુની આસપાસ સાયક્લોનિક સર્ક્યુલેશનના રૂપમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ સક્રિય થઈ છે. આ સિસ્ટમ ૧.૫ કિલોમીટરથી લઈને 3.1 કિલોમીટરની ઊંચાઈ પર સ્થિત છે. જેના કારણે રાજ્યમાં પવનની દિશા પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમ તરફની રહેશે. આગામી દિવસોમાં પવનની ગતિ 15 થી 20 નોટ (આશરે 15 થી 20 કિમી પ્રતિ કલાક) રહેવાની શક્યતા છે, અને કેટલીક જગ્યાએ પવનના ઝાપટાંની ગતિ ૨૫ નોટ સુધી પણ પહોંચી શકે છે. ખાસ કરીને ઉત્તર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં તેજ પવન ફૂંકાશે.
ચોમાસાને લઈને આવ્યા સારા સમાચાર, સ્થિતિ અત્યંત સાનુકૂળ
ઉનાળાની આ આકરી ગરમી વચ્ચે ચોમાસાની રાહ જોઈ રહેલા લોકો માટે પણ હવામાન વિભાગે પ્રોત્સાહક અહેવાલ આપ્યા છે. દક્ષિણ-પશ્ચિમ અરબી સમુદ્ર, માલદીવ અને કોમોરિન વિસ્તાર તેમજ બંગાળની ખાડી અને આંદામાન-નિકોબાર ટાપુઓ તરફ ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગના ડાયરેક્ટરે સ્પષ્ટ કર્યું છે કે, આગામી દિવસોમાં ચોમાસાના આગળ વધવા માટે તમામ વૈશ્વિક પરિસ્થિતિઓ અને વાતાવરણીય સ્થિતિ અત્યંત સાનુકૂળ (Favorable) બનેલી છે. કેરળમાં ચોમાસાના આગમનની સંભવિત તારીખ 26 મે આસપાસ દર્શાવવામાં આવી છે, જે તેની સામાન્ય તારીખ (1 જૂન) કરતાં વહેલી છે.





