સંસ્કારી નગરી વડોદરામાં સ્થાનિક વહીવટી તંત્ર અને બિલ્ડરોની મિલિભગત તેમજ ઘોર બેદરકારીના કારણે વધુ એક માસૂમ બાળકીએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. વડોદરાના બરાનપુરા વિસ્તારમાં આવેલી જયસિંગરાવની પાગા પાસે ચાલી રહેલા એક નવીન બિલ્ડિંગના બાંધકામ દરમિયાન કાળમુખી દીવાલ ધસી પડતાં, ત્યાં હાજર એક ચાર વર્ષની માસૂમ બાળકી તેની નીચે દબાઈ ગઈ હતી. દીવાલનો મસમોટો કાટમાળ માસૂમ પર પડતાં તેનું ઘટનાસ્થળે જ અત્યંત કરુણ મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે અને સ્થાનિક રહીશોમાં પાલિકા તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
સુરક્ષાના નિયમો નેવે મૂકાયા, અધિકારીઓ એસી ચેમ્બરમાં કેદ
આ અકસ્માતે વડોદરા મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ અને બાંધકામ વિભાગના અધિકારીઓની કામગીરી સામે મોટા સવાલો ઊભા કર્યા છે. શહેરમાં ઠેર-ઠેર નિયમોના લીરેલીરા ઉડાડીને ગેરકાયદે કે સુરક્ષાના પૂરતા સાધનો વિના નિર્માણકાર્યો ધમધમી રહ્યા છે. નિયમ મુજબ કોઈપણ બિલ્ડિંગનું બાંધકામ થતું હોય ત્યારે આસપાસ સુરક્ષા નેટ, સેફ્ટી આડશ અને મજબૂત સપોર્ટ રાખવો અનિવાર્ય હોય છે, પરંતુ આ સાઇટ પર સુરક્ષાના તમામ નિયમોને નેવે મૂકી દેવામાં આવ્યા હતા. કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓ ફિલ્ડમાં જઈને સુપરવિઝન કે દેખરેખ રાખવાની તસ્દી લેવાને બદલે પોતાની એસી ચેમ્બરોમાં આરામ ફરમાવતા હોવાના કારણે જ બિલ્ડરો બેફામ બન્યા છે. અધિકારીઓની આ આંખ આડા કાન કરવાની નીતિને લીધે આજે એક ગરીબ પરિવારે પોતાની લાડકવાઈ દીકરી ગુમાવી છે.
બાવળા-ચાંગોદર રોડ પર કેમિકલ કંપનીમાં અચાનક લાગી આગ : ભીષણ આગને કારણે આખા વિસ્તારમાં મચી ગઇ દોડધામ
વડોદરામાં દુર્ઘટનાઓ રોજિંદી બની, તંત્ર ક્યારે જાગશે?
સ્થાનિકોનો આક્રોશએ આક્રોશ સાથે જણવ્યું કે, જો કોર્પોરેશનના અધિકારીઓએ સમયસર આ બાંધકામનું ઇન્સ્પેક્શન કર્યું હોત અને સુરક્ષાના માપદંડો ચકાસ્યા હોત, તો આજે આ બાળકી આપણી વચ્ચે જીવતી હોત. આ માસૂમના મોત માટે માત્ર બિલ્ડર જ નહીં, પરંતુ ભ્રષ્ટ અને આળસુ વહીવટી તંત્ર પણ એટલું જ જવાબદાર છે.
વડોદરામાં આવી ઘટનાઓ હવે રોજિંદી બની ગઈ
વડોદરા શહેરમાં આવી ઘટનાઓ હવે રોજિંદી બની ગઈ છે. ક્યાંક નિર્માણાધીન ઇમારતોની છત તૂટી પડે છે, ક્યાંક જૂની ગેલેરીઓ ધરાશાયી થાય છે, તો ક્યાંક રસ્તાઓ પર મસમોટા ગાબડાં પડવાને કારણે અકસ્માતો સર્જાય છે. આ તમામ દુર્ઘટનાઓમાં નિર્દોષ નાગરિકો કાં તો કાયમી દિવ્યાંગ બને છે અથવા તો મોતના મોંમાં ધકેલાય છે. આટઆટલી ઘટનાઓ છતાં પાલિકાના ઉચ્ચ અધિકારીઓ કે શાસકો જાગવાનું નામ નથી લેતા. હવે જોવાનું એ રહે છે કે આ ઘટના બાદ પણ તંત્ર જાગશે કે પછી દર વખતની જેમ ભીનું સંકેલી લેવામાં આવશે.






