ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ફરી એકવાર સોશિયલ મીડિયા વિવાદ ચર્ચાનો વિષય બન્યો છે. કરણ જોષી અને નેહલ વડોલિયા વચ્ચેના જૂના ચેટ વિવાદે સોશિયલ મીડિયા પર ફરી જોર પકડ્યું છે. અભિનેત્રી નેહલ વડોલિયાએ સોશિયલ મીડિયા પર શેર કરેલા વીડિયોમાં કરણ જોષીના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી અયોગ્ય મેસેજ મળ્યાનો આક્ષેપ કર્યો હતો. જોકે બાદમાં અભિનેતા કરણ જોષીએ સમગ્ર મામલે પોતાની સ્પષ્ટતા આપતા આ ઘટનાને એકાઉન્ટ હેકિંગ સાથે જોડાયેલો મુદ્દો ગણાવ્યો છે.
આ સમગ્ર ઘટનાએ ગુજરાતી સિનેમા જગતમાં ચાહકો અને સોશિયલ મીડિયા યુઝર્સ વચ્ચે ભારે ચર્ચા જગાવી છે. ખાસ કરીને વાયરલ થયેલા સ્ક્રીનશોટ્સ, સ્ક્રીન રેકોર્ડિંગ અને ત્યારબાદ આવેલા સ્પષ્ટતા વીડિયોએ મામલાને વધુ ચર્ચાસ્પદ બનાવી દીધો છે.
નેહલ વડોલિયાનો વીડિયો વાયરલ થયો
મળતી માહિતી મુજબ, અભિનેત્રી નેહલ વડોલિયાએ થોડા દિવસો પહેલા અંદાજે પાંચ મિનિટનો એક વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. વીડિયોમાં તેણે દાવો કર્યો હતો કે તેને કરણ જોષીના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી વાંધાજનક અને અયોગ્ય મેસેજ મળ્યા હતા.
વીડિયોમાં નેહલે કેટલીક ચેટના સ્ક્રીનશોટ્સ અને સ્ક્રીન રેકોર્ડિંગ પણ બતાવ્યા હતા. સાથે તેણે કરણને મોકલેલી એક ઓડિયો વોઇસ નોટ પણ શેર કરી હતી, જેમાં તે ભાવુક અવસ્થામાં પોતાની નારાજગી વ્યક્ત કરતી જોવા મળી હતી.
નેહલના જણાવ્યા મુજબ આ ઘટના જાન્યુઆરી 2026ની હતી. જોકે વીડિયો પોસ્ટ થયા બાદ આશરે દોઢ કલાકમાં જ તેણે તે ડિલીટ કરી દીધો હતો. છતાં તે પહેલાં જ વીડિયોના કેટલાક અંશો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયા હતા.
આ પણ વાંચો: ગુજરાતમાં ગરમી અને ઉકળાટ વચ્ચે હવામાન વિભાગની મોટી આગાહી : વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં તાપમાનમાં ઘટાડો થશે, જાણો ચોમાસાની સ્થિતિ
કરણ જોષીએ હેકિંગનો કર્યો દાવો
વિવાદ વધતા અભિનેતા કરણ જોષીએ સામે આવીને પોતાની બાજુ રજૂ કરી હતી. કરણના જણાવ્યા અનુસાર આ સમગ્ર ઘટના જાન્યુઆરી મહિનાની છે, જ્યારે તે પોતાની ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત હતો અને એ દરમિયાન તેનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક થયું હતું.
કરણે જણાવ્યું કે હેકર્સ દ્વારા તેના એકાઉન્ટનો ઉપયોગ કરીને મિત્રો, સગા-સંબંધીઓ અને અન્ય લોકોને મેસેજ કરવામાં આવ્યા હતા. કેટલાક લોકોને પૈસાની માંગણી પણ કરવામાં આવી હતી, જ્યારે કેટલાકને અયોગ્ય મેસેજ મોકલાયા હતા.
તેમણે કહ્યું કે શરૂઆતમાં તેમને આ બાબતની જાણ નહોતી, પરંતુ બાદમાં હિતેચ્છુઓ પાસેથી માહિતી મળતાં તેમણે તરત જ સોશિયલ મીડિયા પર ચેતવણીરૂપ પોસ્ટ મૂકી હતી અને એકાઉન્ટ સુરક્ષિત કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.
‘તે સમયે પણ ચોખવટ થઈ ગઈ હતી’
કરણ જોષીએ પોતાની સ્પષ્ટતામાં એવો પણ દાવો કર્યો કે નેહલ વડોલિયા સાથે આ મુદ્દે જાન્યુઆરી મહિનામાં જ ચર્ચા થઈ ગઈ હતી અને ત્યારે નેહલે પણ સ્વીકાર્યું હતું કે આ ઘટના હેકિંગના કારણે બની હતી.
તેમણે કહ્યું કે હાલ જૂની ઘટનાને નવા સ્વરૂપમાં રજૂ કરવામાં આવી રહી છે, જે દુર્ભાગ્યપૂર્ણ છે. વીડિયોના અંતે કરણે જણાવ્યું હતું કે દરેક સ્ત્રી સન્માનને પાત્ર છે અને તેમની તરફથી આ વીડિયો બનાવવાનો હેતુ માત્ર સાચી હકીકત લોકો સુધી પહોંચાડવાનો હતો.
કરણના જણાવ્યા મુજબ છેલ્લા બે દિવસથી તેમને મિત્રો અને ચાહકો તરફથી સમર્થનભર્યા મેસેજ પણ મળી રહ્યા છે.
આ પણ વાંચો: બાવળા-ચાંગોદર રોડ પર કેમિકલ કંપનીમાં અચાનક લાગી આગ : ભીષણ આગને કારણે આખા વિસ્તારમાં મચી ગઇ દોડધામ
સોશિયલ મીડિયા સુરક્ષા પર ફરી ચર્ચા
આ સમગ્ર વિવાદે સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની સુરક્ષા અને ડિજિટલ પ્રાઈવસીના મુદ્દાને ફરી ચર્ચામાં લાવી દીધો છે. સેલિબ્રિટીઝના સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક થવાના બનાવો છેલ્લા કેટલાક વર્ષોમાં વધ્યા છે, જેના કારણે ખોટી માહિતી અને ભ્રામક સંદેશાઓ ઝડપથી વાયરલ થઈ જતા હોય છે.
હાલમાં નેહલ વડોલિયાએ વીડિયો ડિલીટ કરી દીધો છે અને કરણ જોષીએ પોતાની બાજુ સ્પષ્ટ કરી દીધી છે. જોકે આ વિવાદે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સોશિયલ મીડિયા ઉપયોગ અને ડિજિટલ સુરક્ષા અંગે નવી ચર્ચા શરૂ કરી છે.





