સુરત: ગુજરાત વિધાનસભા અને લોકસભાની ચૂંટણીઓમાં ઉપરાઉપરી પરાજય બાદ પણ કોંગ્રેસ પક્ષ પોતાના આંતરિક વિખવાદમાંથી બહાર આવી શક્યો નથી. સુરત શહેર અને જિલ્લા કોંગ્રેસમાં લાંબા સમયથી ચાલી રહેલો આંતરિક જૂથવાદ હવે ઘરના ઉંબરા વટાવીને સીધો જાહેર મંચ સુધી પહોંચી ગયો છે. પક્ષ દ્વારા એકતરફ સંગઠનને મજબૂત કરવા માટે ‘નવનિર્માણ અભિયાન’ ચલાવવામાં આવી રહ્યું છે, ત્યારે જ સુરતમાં કોંગ્રેસના બે જૂથો આમને-સામને આવી ગયા છે. એક જ દિવસે બે અલગ-અલગ સ્થળોએ સમાંતર બેઠકોનું આયોજન કરાતા કોંગ્રેસનું આંતરિક રાજકારણ ગરમાયું છે અને સંગઠનની આંતરિક ખટપટ સંપૂર્ણપણે ચૌટે ચડી છે.
રાજકીય પંડિતોના મતે, આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં જ કોંગ્રેસ માટે આ આંતરિક વિખવાદ મોટો માથાનો દુખાવો સાબિત થઈ શકે છે. સુરતના સ્થાનિક કાર્યકરોમાં ચર્ચા છે કે પક્ષની સ્થિતિ અત્યંત નબળી હોવા છતાં નેતાઓ સુધરવાનું નામ નથી લઈ રહ્યા, જેને પગલે કોંગ્રેસમાં ‘ખાલ ઉતરી ગઈ પરંતુ સુધરે ઇ બીજા’ જેવી ગંભીર સ્થિતિ સર્જાઈ છે. બંને બેઠકોમાં કાર્યકરો અને સ્થાનિક આગેવાનોની હાજરીને લઈને આખો દિવસ ભારે ખેંચતાણ અને કટોકટીભર્યો માહોલ જોવા મળ્યો હતો, જેણે હાઈકમાન્ડની ચિંતામાં પણ વધારો કર્યો છે.
ભટારની કાપડિયા વાડીમાં નારાજ જૂથનું શક્તિ પ્રદર્શન: નેતૃત્વ સામે બળવો
સુરત કોંગ્રેસના વર્તમાન સ્થાનિક નેતૃત્વ અને પક્ષની કામગીરીથી નારાજ થયેલા જૂથે પક્ષના સત્તાવાર કાર્યક્રમથી અલગ જઈને ભટાર વિસ્તારમાં આવેલી કાપડિયા વાડી ખાતે એક વિશાળ બેઠકનું આયોજન કર્યું હતું. આ બેઠક માત્ર ચર્ચા પૂરતી સીમિત નહોતી, પરંતુ વર્તમાન સંગઠન સામે નારાજ જૂથનું એક ખુલ્લું શક્તિ પ્રદર્શન હતું. બેઠકમાં હાજર રહેલા વરિષ્ઠ કાર્યકરો અને પૂર્વ પદાધિકારીઓએ શહેરના ટોચના નેતૃત્વ સામે ઉગ્ર અસંતોષ વ્યક્ત કર્યો હતો અને આક્ષેપ કર્યો હતો કે પક્ષમાં પાયાના કાર્યકરોની સતત ઉપેક્ષા કરવામાં આવી રહી છે, જેને હવે સહન કરવામાં નહીં આવે.
કતારગામમાં શહેર કોંગ્રેસની સમીક્ષા બેઠક: સત્તાવાર સંગઠનનો બચાવ
બીજી તરફ, સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પૂર્વ નિર્ધારિત આયોજન મુજબ કતારગામ વિસ્તારમાં સત્તાવાર રીતે એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકનો મુખ્ય હેતુ સંગઠનના નવનિર્માણ અને આગામી રોડમેપ અંગે ચર્ચા કરવાનો હતો. જો કે, ભટારમાં નારાજ જૂથની સમાંતર બેઠક ચાલતી હોવાને કારણે કતારગામની બેઠકમાં પણ નેતાઓના ચહેરા પર ચિંતાની રેખાઓ સ્પષ્ટ જોઈ શકાતી હતી. સત્તાવાર જૂથ દ્વારા ડેમેજ કંટ્રોલ કરવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં પક્ષના બે ફાડિયા થઈ ચૂક્યા હોવાનો મેસેજ જનતામાં જતો રહ્યો હતો.
ચૂંટણીઓ પહેલાં આંતરિક ડખો બન્યો માથાનો દુખાવો, કાર્યકરો પણ મુંઝવણમાં
એક જ દિવસે પક્ષના બે દિગ્ગજ જૂથો દ્વારા અલગ-અલગ કાર્યક્રમો યોજાતા સામાન્ય કાર્યકરો ભારે મૂંઝવણમાં મુકાયા હતા કે કઈ બેઠકમાં હાજરી આપવી અને કઈ બેઠકથી દૂર રહેવું. સુરત મહાનગરપાલિકા અને સ્થાનિક ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે કોંગ્રેસના આ નેતાઓ ભાજપ સામે લડવાને બદલે અંદરોઅંદર જ લડી રહ્યા છે, જેનો સીધો ફાયદો વિરોધી પક્ષોને મળી શકે છે. સુરત કોંગ્રેસનો આ વિવાદ હવે અટકવાનું નામ નથી લઈ રહ્યો અને આગામી દિવસોમાં આ મામલે પ્રદેશ નેતૃત્વ દ્વારા કોઈ કડક શિસ્તભંગના પગલાં લેવામાં આવે છે કે કેમ તેના પર સૌની નજર મંડરાયેલી છે.





