સુરત શહેરના ઉધના વિસ્તારામાં ભાજપના યુવા નેતા અને ડીંડોલી વોર્ડ યુવા મોરચાના ઉપપ્રમુખ જય દલાલની જાહેરમાં તીક્ષ્ણ હથિયારોથી હત્યા કરવામાં આવતા સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ છે. મોડી રાત્રે બનેલી આ ઘટનાએ રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચાવ્યો છે, જ્યારે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે લોકોમાં ભય અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે.
મળતી માહિતી મુજબ જય દલાલ ભાજપના સક્રિય કાર્યકર હતા અને તેઓ ધારાસભ્ય સંગીતાબેન પાટીલના નજીકના કાર્યકર તરીકે ઓળખાતા હતા. ડીંડોલી વોર્ડ યુવા મોરચાના ઉપપ્રમુખ તરીકે તેઓ સંગઠનમાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યા હતા. ઘટનાના દિવસે એક મિત્રનો ફોન આવતા તે ઘરેથી નીકળ્યો હતો. પરિવારના જણાવ્યા અનુસાર બહાર નીકળતા પહેલાં તેણે માતાને કહ્યું હતું કે, “હું મોડો આવવાનો છું, જમવાનું નથી.” જોકે થોડા કલાકોમાં જ હોસ્પિટલમાંથી તેમના મોતના સમાચાર પરિવાર સુધી પહોંચતા શોકનો માહોલ છવાઈ ગયો હતો.
આ પણ વાંચો: અમદાવાદનાં દરિયાપુરમાં જીમની હાલત કફોડી હોવાનો આક્ષેપ : કોંગ્રેસના કોર્પોરેટરે કર્યો આક્ષેપ
ત્રણ હુમલાખોરો બાઈક પર આવ્યા, ચપ્પુના ઘા મારી ફરાર
સુરત પોલીસના ACP ચિરાગ વડોરીયાએ ઘટનાની માહિતી આપતાં જણાવ્યું હતું કે રાત્રે અંદાજે સાડા બાર વાગ્યાના આસપાસ જય દલાલ તેમના મિત્રો સાથે ઉધના રોડ નંબર-6 વિસ્તારમાં આવેલી એક ભંગારની દુકાન પાસે ઉભા હતા. તે દરમિયાન ત્રણ ઈસમો ટુ-વ્હીલર પર ત્યાં પહોંચ્યા હતા.
પોલીસ મુજબ હુમલાખોરોમાં કિશન ઉર્ફે ચકલી સોમાભાઈ પરમાર, પંકજ પાટીલ અને મિલિંદ કોળીનો સમાવેશ થાય છે. ત્રણેય આરોપીઓએ જય દલાલ પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો અને ત્યારબાદ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. ગંભીર રીતે ઘાયલ થયેલા જય દલાલને તાત્કાલિક એપલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું.
ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ હાલમાં આ ફૂટેજના આધારે આરોપીઓની હિલચાલ અને ભાગવાના રૂટની તપાસ કરી રહી છે.
જૂના ઝઘડાની અદાવતમાં હત્યાની આશંકા
પોલીસની પ્રાથમિક તપાસમાં હત્યાનું કારણ જૂની અદાવત હોવાનું સામે આવ્યું છે. ACP ચિરાગ વડોરીયાના જણાવ્યા અનુસાર અંદાજે ત્રણ મહિના પહેલાં આરોપીઓ અને જય દલાલ વચ્ચે ઝઘડો થયો હતો. એ જ અદાવતને પગલે આ હુમલો કરવામાં આવ્યો હોવાની પ્રાથમિક શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ACP એ જણાવ્યું હતું કે મુખ્ય આરોપી કિશન ઉર્ફે ચકલી સોમાભાઈ પરમાર સામે અગાઉ પાસા (PASA) હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. જેના કારણે આરોપી અને મૃતક વચ્ચે મનદુઃખ ચાલી રહ્યું હોવાની પણ ચર્ચા ચાલી રહી છે. જોકે પોલીસે આ મુદ્દે વધુ તપાસ ચાલી રહી હોવાનું જણાવ્યું છે.
આરોપીઓ ફરાર, પોલીસની અનેક ટીમો કામે લાગી
હત્યાની ઘટના બાદ સુરત પોલીસે આરોપીઓને ઝડપી પાડવા માટે શહેરભરમાં નાકાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. અલગ-અલગ પોલીસ ટીમોને આરોપીઓની શોધખોળ માટે લગાવવામાં આવી છે.
પોલીસે હાલ સુધી કોઈ સત્તાવાર અટકાયત થઈ હોવાની પુષ્ટિ કરી નથી. ACP વડોરીયાએ જણાવ્યું કે આરોપીઓને ઝડપી પાડવા માટે તજવીજ ચાલુ છે અને ટૂંક સમયમાં મહત્વપૂર્ણ સફળતા મળવાની શક્યતા છે.
રાજકીય વર્તુળમાં ખળભળાટ
ભાજપના યુવા નેતાની હત્યાને લઈને સુરતના રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા શરૂ થઈ છે. યુવા મોરચાના કાર્યકરો અને સ્થાનિક રાજકીય આગેવાનો હોસ્પિટલ તથા પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા. ઘટનાને લઈને ભાજપના કાર્યકરોમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો.
આ પણ વાંચો: વડોદરા મહાનગરપાલિકાને મળ્યા નવા ડેપ્યુટી કમિશનર : IAS અક્ષય બુડાનિયાએ ચાર્જ લેતા જ આપ્યું મોટું નિવેદન
ગુનાહિત ઇતિહાસ અંગે તપાસ ચાલુ
ACP ચિરાગ વડોરીયાએ જણાવ્યું હતું કે તે મુદ્દે હાલ તપાસ ચાલી રહી છે. પોલીસ આરોપીઓની પૃષ્ઠભૂમિ, અગાઉના ગુનાઓ અને પરસ્પર સંબંધોની માહિતી એકત્રિત કરી રહી છે.
શહેરમાં ફરી કાયદો-વ્યવસ્થાને લઈને ચર્ચા
સુરતમાં છેલ્લા કેટલાક સમયથી જાહેરમાં હુમલા, ગેંગ અથડામણો અને હત્યાના બનાવો વધતા હોવાના આક્ષેપો વચ્ચે જય દલાલની હત્યાએ ફરી કાયદો અને વ્યવસ્થાનો મુદ્દો ગરમાવ્યો છે. સ્થાનિક લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.





