સુરત શહેરમાં કાયદો-વ્યવસ્થાને પડકારતી વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઉધના રોડ નંબર 6 વિસ્તારમાં ભાજપ સાથે સંકળાયેલા યુવા નેતા જય દલાલની તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરીને હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. મૃતક જય દલાલ ભાજપના ડીંડોલી વોર્ડ યુવા મોરચાના ઉપપ્રમુખ તરીકે સક્રિય હતા અને સ્થાનિક રાજકીય તેમજ સામાજિક પ્રવૃત્તિઓમાં તેમની નોંધપાત્ર હાજરી હતી.
આ ઘટનાએ સમગ્ર સુરત શહેરમાં ચકચાર મચાવી દીધી છે. ખાસ કરીને સત્તાધારી પક્ષના સક્રિય યુવા પદાધિકારીની આ રીતે જાહેરમાં હત્યા થતાં ભાજપ સંગઠન સહિત રાજકીય વર્તુળોમાં ભારે ખળભળાટ ફેલાયો છે. ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં સ્થાનિક કાર્યકરો અને સમર્થકો હોસ્પિટલ તેમજ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
ધારાસભ્ય સંગીતાબેન પાટીલના નજીકના વર્તુળ સાથે પરિવારનું જોડાણ
પ્રાથમિક માહિતી અનુસાર, મૃતક જય દલાલ મહિલા અગ્રણી જેશ્રીબેન દલાલના પુત્ર હતા. જયશ્રીબેન દલાલ સ્થાનિક સ્તરે ભાજપ સાથે જોડાયેલી સક્રિય મહિલા આગેવાન તરીકે ઓળખાય છે અને તેઓ ધારાસભ્ય સંગીતા પાટિલની નજીક ગણાય છે.
રાજકીય અને સામાજિક કાર્યક્રમોમાં સતત સક્રિય રહેતા આ પરિવાર સાથે જોડાયેલા યુવા નેતાની હત્યાને કારણે સમગ્ર મામલો રાજકીય રીતે પણ અત્યંત સંવેદનશીલ બની ગયો છે. સ્થાનિક સ્તરે ભાજપ કાર્યકરોમાં પણ આ ઘટનાને લઈને ભારે રોષનો માહોલ જોવા મળી રહ્યો છે.
‘ગાડી પરથી ખેંચીને માર્યો’, માતાનો આક્ષેપ
મૃતકની માતા જેશ્રીબેન દલાલએ મીડિયા સમક્ષ રડતા રડતા ઘટનાની હૃદયદ્રાવક વિગતો જણાવી હતી. તેમણે જણાવ્યું કે તેમનો પુત્ર જય દલાલ ગત રાત્રે લગભગ સાડા આઠ વાગ્યે મિત્રોને મળવા માટે ઘરેથી નીકળ્યો હતો. મધરાત બાદ તેમને ફોન આવ્યો કે જય પર જીવલેણ હુમલો થયો છે.
જયશ્રીબેન દલાલના જણાવ્યા મુજબ, “મને કહેવામાં આવ્યું કે ચકલી અને પંકજ પાટીલ સહિત 14-15 લોકો હતા. તેઓ તીક્ષ્ણ હથિયારો લઈને આવ્યા હતા. મારો દીકરો ગાડી પર બેઠેલો હતો, એને ખેંચીને હુમલો કર્યો. જ્યારે એપલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો ત્યારે મેં જોયું કે એણે આંખ જ નહોતી ખોલી.”
માતાએ આરોપ લગાવ્યો કે હુમલો અત્યંત ક્રૂર રીતે કરવામાં આવ્યો હતો અને હુમલાખોરોએ કોઈ દયા રાખી નહોતી. તેમની ભાવુક અપીલમાં તેમણે આરોપીઓને કડકમાં કડક સજા આપવાની માંગ કરી હતી.
PASA કાર્યવાહીથી જૂની અદાવત હોવાનો દાવો
ઘટનાના કારણ અંગે પણ મૃતકના પરિવારે ગંભીર આક્ષેપો કર્યા છે. જયશ્રીબેન દલાલએ દાવો કર્યો કે ‘ચકલી’ તરીકે ઓળખાતા વ્યક્તિ સામે અગાઉ ઉધના પોલીસ સ્ટેશન દ્વારા PASA હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી અને હુમલાખોરોને શંકા હતી કે આ કાર્યવાહી જય દલાલના કહેવાથી થઈ હતી.
પરિવારના જણાવ્યા અનુસાર, આ જ અદાવતને કારણે જય દલાલને નિશાન બનાવવામાં આવ્યા હતા. જોકે, આ આક્ષેપોની પોલીસ તરફથી હજુ સુધી સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. તપાસ એજન્સીઓ તમામ એંગલથી મામલાની તપાસ કરી રહી છે.
પોલીસ તપાસ તેજ, આરોપીઓની શોધખોળ શરૂ
ઘટના બાદ સુરત પોલીસ તાત્કાલિક હરકતમાં આવી હતી અને આસપાસના વિસ્તારોના CCTV ફૂટેજ તેમજ સાક્ષીઓના નિવેદનોના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે. હુમલાખોરોની ઓળખ અને તેમની હિલચાલ અંગે માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે.





