Home Gujarat Surat Surat Civil Hospital Superintendent Dharitri Parmar Transfer

આરોગ્ય મંત્રીની મુલાકાત બાદ સુરત સિવિલમાં તંત્ર એક્શનમાં : ઇન્ચાર્જ સુપ્રિટેન્ડેન્ટની તાત્કાલિક બદલી

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયા
Published by: Chintan Chavda
Last Updated: May 17, 2026, 05:12 AM IST

સુરત નવી સિવિલ હોસ્પિટલમાં સામે આવેલી ગેરવ્યવસ્થા અને બેદરકારીના મુદ્દે રાજ્ય સરકાર દ્વારા મોટું વહીવટી પગલું લેવામાં આવ્યું છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાની ઓચિંતી મુલાકાત બાદ સુરત નવી સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ સુપ્રિટેન્ડેન્ટ ડૉ. ધારીત્રી પરમારની તાત્કાલિક અસરથી વડોદરા બદલી કરવામાં આવી છે. તેમની જગ્યાએ હવે ડૉ. પારુલ વડગામાને નવી જવાબદારી સોંપવામાં આવી છે.

આ બદલીને આરોગ્ય વિભાગનું કડક સંદેશ માનવામાં આવી રહ્યું છે. મંત્રીની મુલાકાત દરમિયાન હોસ્પિટલમાં જોવા મળેલી ગંદકી, દર્દીઓને પડતી મુશ્કેલીઓ અને વહીવટી બેદરકારીને ગંભીરતાથી લઈને સરકારે આ નિર્ણય કર્યો હોવાનું માનવામાં આવે છે.

મંત્રીની સરપ્રાઈઝ મુલાકાતમાં સામે આવી હતી ગેરવ્યવસ્થા

થોડા દિવસો અગાઉ રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ સુરત નવી સિવિલ હોસ્પિટલની અચાનક મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન હોસ્પિટલના વિવિધ વિભાગોમાં દર્દીઓ માટેની અપૂર્ણ સુવિધાઓ, સ્વચ્છતાની ખામીઓ અને સંચાલનમાં અનેક પ્રકારની બેદરકારી સામે આવી હતી.

મંત્રીએ હોસ્પિટલના વોર્ડ, ઓપીડી વિભાગ અને દર્દીઓ માટેની મૂળભૂત સુવિધાઓની તપાસ કરી હતી. દરમિયાન કેટલીક જગ્યાએ ગંદકી, સ્ટાફની ગેરહાજરી અને દર્દીઓ તથા તેમના સગાઓને પડતી હાલાકી અંગેની ફરિયાદો સામે આવતા મંત્રીએ સ્થળ પર જ અધિકારીઓને ઠપકો આપ્યો હતો.

ખાસ કરીને ગરીબ અને મધ્યમવર્ગના દર્દીઓ માટે મહત્વપૂર્ણ માનાતી આ હોસ્પિટલમાં આવી સ્થિતિ સામે આવતા આરોગ્ય વિભાગે સમગ્ર મામલે ગંભીર નોંધ લીધી હતી.

ડૉ. ધારીત્રી પરમારને વડોદરા મોકલાયા

સરકારે હવે આ મામલે તાત્કાલિક વહીવટી કાર્યવાહી કરતાં ડૉ. ધારીત્રી પરમારને સુરત સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ સુપ્રિટેન્ડેન્ટ પદેથી હટાવીને વડોદરા સરકારી મેડિકલ કોલેજ ખાતે ડીન તરીકે નિયુક્ત કર્યા છે.

જોકે, આ બદલીને માત્ર નિયમિત વહીવટી ફેરફાર તરીકે નહીં પરંતુ મંત્રીની મુલાકાત બાદ લેવાયેલા સીધા પગલાં તરીકે જોવામાં આવી રહી છે. આરોગ્ય વિભાગના સૂત્રો અનુસાર હોસ્પિટલ સંચાલનમાં સુધારા લાવવા માટે આગામી દિવસોમાં વધુ કડક પગલાં પણ લેવાઈ શકે છે.
અત્યારથી જ દવાઓનો સ્ટોક કરી લેજો!: ગુજરાતમાં આ દિવસે બંધ રહેશે 35000 મેડિકલ સ્ટોર, જાણો શું છે કારણ?

ડૉ. પારુલ વડગામાને સોંપાયો નવો ચાર્જ

સુરત સિવિલ હોસ્પિટલના નવા ઇન્ચાર્જ સુપ્રિટેન્ડેન્ટ તરીકે હવે ડૉ. પારુલ વડગામાને જવાબદારી સોંપવામાં આવી છે. તેમની સામે સૌથી મોટો પડકાર હોસ્પિટલની ખોરવાયેલી વ્યવસ્થાને ઝડપથી પાટા પર લાવવાનો રહેશે.

નવી નિમણૂક બાદ હોસ્પિટલમાં સ્વચ્છતા, દર્દી સુવિધા, સ્ટાફ મેનેજમેન્ટ અને વહીવટી પારદર્શિતા પર વધુ ભાર મુકાય તેવી શક્યતા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now