Home Gujarat Surat Chemist Strike Gujarat Online Medicine Protest 20 May 2026

અત્યારથી જ દવાઓનો સ્ટોક કરી લેજો! : ગુજરાતમાં આ દિવસે બંધ રહેશે 35000 મેડિકલ સ્ટોર, જાણો શું છે કારણ?

મેડિકલ સ્ટોરના દ્રશ્યો
Published by: Chintan Chavda
Last Updated: May 17, 2026, 04:14 AM IST

દેશભરમાં ઓનલાઈન દવાના વેચાણ, નકલી દવાઓના વધતા જોખમ અને કોર્પોરેટ ડિસ્કાઉન્ટ પોલિસી સામે હવે કેમિસ્ટ સંગઠનો ખુલ્લેઆમ મેદાનમાં ઊતર્યા છે. આગામી 20 મે, બુધવારે દેશવ્યાપી એક દિવસીય હડતાળનું એલાન કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાતના અંદાજે 35 હજાર સહિત દેશભરના 12.40 લાખથી વધુ કેમિસ્ટો જોડાવાના છે. આ હડતાળને કારણે સામાન્ય નાગરિકોને દવા ખરીદવામાં મુશ્કેલી પડી શકે છે, જેથી જરૂરી દવાઓ અગાઉથી જ ખરીદી લેવાની સલાહ આપવામાં આવી રહી છે.

ગુજરાતના અમદાવાદ, સુરત, રાજકોટ સહિત અનેક શહેરોના કેમિસ્ટોએ દાવો કર્યો છે કે કોરોના દરમિયાન શરૂ થયેલી ઓનલાઈન દવા ડિલિવરી હવે નાના વેપારીઓ માટે ગંભીર પડકાર બની ગઈ છે. તેઓનું કહેવું છે કે, સરકાર દ્વારા સમયસર નિયમન ન થતાં ઈ-ફાર્મસી ક્ષેત્ર ગેરકાયદેસર રીતે વધી રહ્યું છે અને તેના કારણે દર્દીઓના આરોગ્ય પર પણ જોખમ ઊભું થયું છે.

ઓનલાઈન દવા વેચાણ સામે દેશવ્યાપી વિરોધ

ગુજરાત કેમિસ્ટ એસોસિએશનના પ્રમુખ જશુભાઈ પટેલે જણાવ્યું હતું કે, કોરોના સમયમાં લોકો ઘરની બહાર ન નીકળે તે માટે ઓનલાઈન દવાઓ પહોંચાડવાની મંજૂરી આપવામાં આવી હતી. પરંતુ હવે કોરોના કાળ પૂરો થયા છતાં આ વ્યવસ્થા ચાલુ રહેતાં નાના મેડિકલ સ્ટોરોને ભારે નુકસાન થઈ રહ્યું છે. તેમનો આક્ષેપ છે કે અનેક ઓનલાઈન પ્લેટફોર્મ ભારે ડિસ્કાઉન્ટના નામે ડુપ્લીકેટ દવાઓ વેચી રહ્યા છે, જે લોકોના આરોગ્ય માટે જોખમી સાબિત થઈ શકે છે.

તેમણે જણાવ્યું કે, “રિટેલ કેમિસ્ટ માટે નક્કી કરાયેલા માર્જિન કરતાં ઘણી વધુ છૂટ આપવામાં આવી રહી છે. આવા મોડલથી નાના વેપારીઓનું અસ્તિત્વ ખતરામાં મુકાઈ રહ્યું છે.” એસોસિએશને સરકાર પાસે ગેરકાયદેસર ઓનલાઈન દવા વેચાણ પર તાત્કાલિક પ્રતિબંધ અને નકલી દવાઓ સામે કડક કાયદો લાવવાની માંગ કરી છે.

જશુભાઈ પટેલે કેન્દ્રના આરોગ્ય મંત્રાલય સામે પણ નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે અનેક રજૂઆતો છતાં કોઈ સાંભળવામાં આવતું નથી, જેના કારણે હવે હડતાળ જ એકમાત્ર રસ્તો બચ્યો છે.

સુરતમાં 3500 થી વધુ મેડિકલ સ્ટોર બંધ રહેશે

સુરત કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન તથા AIOCD દ્વારા પણ હડતાળને સમર્થન આપવામાં આવ્યું છે. સુરત શહેરના અંદાજે 3500 થી વધુ મેડિકલ સ્ટોર્સ આ એક દિવસીય વિરોધમાં જોડાશે. એસોસિએશનના પ્રમુખ મનસુખભાઈ રેયાણી અને મંત્રી મયંકભાઈ શેઠનાએ જણાવ્યું હતું કે, ઓનલાઈન પ્લેટફોર્મ પર પ્રિસ્ક્રિપ્શન વગર દવાઓનું વેચાણ થઈ રહ્યું છે, જેમાં નશાયુક્ત અને ગંભીર અસરકારક દવાઓ પણ સામેલ છે.

તેમણે ચેતવણી આપી હતી કે જો સરકાર 20 મે સુધી કોઈ સ્પષ્ટ કાર્યવાહી નહીં કરે તો ભવિષ્યમાં અનિશ્ચિત મુદતની હડતાળ પર જવાનું પણ વિચારવામાં આવશે. જોકે, ઇમરજન્સી સેવાઓ માટે હોસ્પિટલ સાથે સંકળાયેલા મેડિકલ સ્ટોર્સ ચાલુ રાખવાની તૈયારી કરવામાં આવી છે.

“ફાર્માસિસ્ટ વગર દવા આપવી જોખમી”

ઓલ ઇન્ડિયા કેમિસ્ટ એસોસિએશનના ઉપપ્રમુખ મયુરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, છેલ્લા દસ વર્ષમાં ઓનલાઈન દવા વેચાણમાં સતત વધારો થયો છે અને કોરોના પછી તેમાં વધુ તેજી આવી છે. હાલ દેશમાં અંદાજે 6 થી 7 ટકા લોકો ઓનલાઈન દવા ખરીદી કરે છે.

તેમણે ચિંતા વ્યક્ત કરી કે ડિલિવરી બોય દ્વારા ખોટી દવા પહોંચાડાઈ જાય તો દર્દીના જીવને જોખમ થઈ શકે છે. કેટલીક દવાઓ માટે ચોક્કસ તાપમાન જરૂરી હોય છે, પરંતુ ઓનલાઈન ડિલિવરી દરમિયાન તે નિયમોનું પાલન થાય છે કે નહીં તેની કોઈ ખાતરી નથી. “ફાર્માસિસ્ટ વગર દવા આપવી એ જોખમી છે,” એમ તેમણે કહ્યું.

તેમણે વધુમાં ઉમેર્યું કે, અમેરિકા જેવા વિકસિત દેશોમાં પણ દવાઓના ઓનલાઈન વેચાણ માટે કડક નિયમો છે, ત્યારે ભારતમાં પણ આ ક્ષેત્રને નિયંત્રિત કરવું જરૂરી બની ગયું છે.

રાજકોટ અને સૌરાષ્ટ્રમાં પણ વ્યાપક અસર

ગુજરાત કેમિસ્ટ એસોસિએશનના ઉપપ્રમુખ સત્યન પટેલના જણાવ્યા અનુસાર રાજકોટના 1400 અને સૌરાષ્ટ્રના અંદાજે 6000 થી વધુ મેડિકલ સ્ટોર સંચાલકો આ હડતાળમાં જોડાશે. જોકે, તેમણે સ્પષ્ટ કર્યું કે દર્દીઓને કોઈ તકલીફ ન પડે તે માટે ઇમરજન્સી વ્યવસ્થા કરવામાં આવી છે.

રાજકોટમાં અનેક મોટી હોસ્પિટલોના ઇન્ડોર મેડિકલ સ્ટોર ચાલુ રહેશે. સાથે જ કેમિસ્ટ એસોસિએશનની અલગ ટીમો ઇમરજન્સી દવાઓ દર્દીઓ સુધી પહોંચાડવા કાર્યરત રહેશે. વિવિધ વિસ્તાર મુજબ હોસ્પિટલો અને જવાબદાર સંપર્ક વ્યક્તિઓની યાદી પણ જાહેર કરવામાં આવી છે.

વડોદરા એસોસિએશન હડતાળથી દૂર

જ્યાં રાજ્યના મોટા ભાગના શહેરોમાં હડતાળને સમર્થન મળી રહ્યું છે, ત્યાં વડોદરા કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશને આ બંધથી દૂર રહેવાનો નિર્ણય લીધો છે. એસોસિએશનના પ્રમુખ મનીષભાઈ પટેલે જણાવ્યું હતું કે, “આ મુદ્દાનો ઉકેલ કાયદાકીય લડતથી આવી શકે છે, બંધથી નહીં.”

તેમણે દાવો કર્યો કે 2022માં ઓનલાઈન દવા વેચાણ સામે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી, પરંતુ ત્યારે રાજ્યનું સંગઠન તેમની સાથે ઊભું રહ્યું નહોતું. વડોદરા અને છોટાઉદેપુર જિલ્લાના અંદાજે 3000 મેડિકલ સ્ટોર્સમાંથી 1200 જેટલા સભ્યો તેમની સંસ્થામાં જોડાયેલા છે અને તેઓ હડતાળમાં ભાગ નહીં લે.

સામાન્ય લોકો માટે શું મહત્વનું?

20 મેના રોજ દેશના મોટા ભાગના મેડિકલ સ્ટોર્સ બંધ રહેવાની શક્યતા હોવાથી બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, હૃદયરોગ અથવા અન્ય લાંબા સમયની સારવાર લેતા દર્દીઓએ પોતાની જરૂરી દવાઓ અગાઉથી જ ખરીદી રાખવી જરૂરી બની છે. જોકે, હોસ્પિટલ સાથે જોડાયેલા ઇન્ડોર મેડિકલ સ્ટોર્સ અને ઇમરજન્સી સેવાઓ માટે કેટલીક ખાસ વ્યવસ્થાઓ કાર્યરત રહેશે.

આ હડતાળ માત્ર વેપારી હિત સુધી મર્યાદિત નથી, પરંતુ ઓનલાઈન દવા વેચાણ માટે નિયમન, દર્દીઓની સુરક્ષા અને નકલી દવાઓ સામે કડક કાર્યવાહી જેવી વિશાળ ચર્ચાને ફરી કેન્દ્રસ્થાને લાવી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now