અમદાવાદ ચાંદખેડા ખીરામાં ત્રણ વર્ષની બાળકીના મોત મામલે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં એક મોટો ખુલાસો થયો છે, જે મુજબ ત્રણ વર્ષની બાળકી મિસ્ટીના શરીરમાં 'એશિનોબેક્ટર બાઉમાની' નામનો બેક્ટેરિયા મળી આવ્યો હતો. આ બેક્ટેરિયાના કારણે બાળકીના શરીરમાં ગંભીર ચેપ લાગી ગયો હતો, જેણે શરીરના તમામ મુખ્ય અંગો પર ઘાતક અસર કરી હતી. આ ઇન્ફેક્શનને લીધે ફેફસામાં પાણી ભરાઈ જવાથી શ્વાસ લેવામાં ભારે તકલીફ થઈ હતી અને અંતે હૃદય તેમજ શ્વાસ પ્રણાલી બંધ થઈ જવાને કારણે બાળકીનું કરૂણ મૃત્યુ નીપજ્યું હતું.
શું છે સમગ્ર ઘટના?
અમદાવાદના ચાંદખેડામાં મારુતિ પ્લાઝા સોસાયટીમાં રહેતા વિમલ પ્રજાપતિ ધનશ્યામ ડેરીમાંથી ખીરું લાવ્યા હતા. તેમાંથી ઢોસા બનાવી ખાધા બાદ પરિવારની તબિયત લથડી હતી. જેમાં 3 મહિનાની રાહા અને 3 વર્ષની મિસ્ટી નામની બાળકીના મોત નિપજ્યાં હતા. ઘટના બાદ ચાંદખેડા પોલીસે અકસ્માતે મોતનો ગુના દાખલ કરીને તપાસ શરૂ કરી છે અને ખીરાની ક્વોલિટી જાણવા ઘનશ્યામ ડેરી પર FSLની ટીમે સેમ્પલ લીધા હતા. ગત 7 એપ્રિલના રોજ FSLની હાજરીમાં ત્રણ માસની બાળકી રાહાનો 4 દિવસે મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. પરિવારે 4 એપ્રિલે બાળકીના મોત બાદ મૃતદેહની અંતિમવિધિ કરી હતી.
આ ઘટના સામે આવ્યા બાદ શરૂઆતમાં અનેક શંકાઓ ઊભી થઈ હતી. બાળકીઓના મોતને લઈને પોલીસ અને પરિવાર બંને દ્વારા તપાસની માંગ ઉઠાવવામાં આવી હતી. જોકે, હવે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોટાભાગની શંકાઓ દૂર થઈ ગઈ છે.
આ પણ વાંચો: વડોદરા જિલ્લામાં હનીટ્રેપનું કૌભાંડ : શિનોરમાં ખેડૂત પાસેથી ₹75 લાખ પડાવનારી ગેંગનો ફૂટ્યો ભાંડો
બેક્ટેરિયલ ઈન્ફેક્શન કેટલું જોખમી?
બેક્ટેરિયલ ઈન્ફેક્શન સામાન્ય લાગે છે પરંતુ કેટલીક પરિસ્થિતિઓમાં તે ગંભીર બની શકે છે. ખાસ કરીને જ્યારે ઈન્ફેક્શન લોહીમાં ફેલાય ત્યારે તે ઝડપથી જીવલેણ બની શકે છે. તાવ, થાક, શ્વાસ લેવામાં તકલીફ અથવા અચાનક બેભાન થવું જેવી લક્ષણો દેખાય તો તરત જ તબીબી સારવાર લેવી જરૂરી છે. સમયસર સારવાર ન મળે તો સ્થિતિ ગંભીર બની શકે છે. મહત્વની વાત એ છે કે આ બેક્ટેરિયા ખીરું ખાવાથી શરીરમાં ન આવી શકે. બાળકીને કોઈ ઈન્ફેક્શન થયું હોય તેના કારણે શરીરમાં આ બેક્ટેરિયા જોવા મળ્યા હોય શકે છે.
આ પણ વાંચો: મોરબીમાં માનવતા શરમાઈ! : એક પિતાએ 2000 માટે પત્ની અને દીકરી સાથે જે કર્યું... રૂવાળા ઊભા થઈ જશે
આ ઘટના પરિવાર માટે એક મોટી દુઃખદ ઘટના છે, પરંતુ સાથે સાથે સમાજ માટે પણ એક ચેતવણી છે. આરોગ્ય પ્રત્યે જાગૃતિ અને સમયસર સારવાર જીવન બચાવી શકે છે. સ્થાનિક લોકોમાં આ ઘટનાને લઈને ચિંતા પણ જોવા મળી રહી છે, પરંતુ હવે મેડિકલ રિપોર્ટ બાદ સ્થિતિ વધુ સ્પષ્ટ થઈ છે.





