Home Gujarat Surat Surat Harsh Sanghavi Appeal Census Population Count Scam Alert Otp Safety

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વસ્તી ગણતરીમાં નોંધાવ્યું નામ : રાજ્યના નાગરિકોને કરી આ ખાસ વિનંતી

Surat Census 2026 Harsh Sanghavi
Published by: Nirali Gohil
Last Updated: May 18, 2026, 06:44 AM IST

Surat Census 2026: ભારત સરકાર દ્વારા દેશભરમાં રાષ્ટ્રીય વસ્તી ગણતરી (Jan Ganganat) ના મહત્વાકાંક્ષી કાર્યક્રમનો વિધિવત પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. આ અંતર્ગત ડાયમંડ સિટી સુરત ખાતેથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વસ્તી ગણતરીના પત્રકમાં પોતાનું નામ અને વિગતો નોંધાવીને રાજ્યમાં આ ઝુંબેશને વેગ આપ્યો હતો. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીએ રાજ્યના તમામ નાગરિકોને આ રાષ્ટ્રહિતના કાર્યમાં ઉત્સાહભેર ભાગ લેવા અને વહીવટીતંત્રને સાચી માહિતી આપી સહકાર આપવા માટે ખાસ અપીલ કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે વસ્તી ગણતરીના ચોક્કસ આંકડાઓ ભવિષ્યમાં જનકલ્યાણની વિવિધ સરકારી યોજનાઓને લોકો સુધી પહોંચાડવામાં સીમાચિહ્નરૂપ સાબિત થશે.

ડિજિટલ ઇન્ડિયાનો લાભ: ઘરે બેઠા જ કરો 'સ્વ ગણના' (Self Enumeration)

આ વખતની વસ્તી ગણતરીમાં ટેક્નોલોજીનો વ્યાપક ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, નાગરિકોની સુવિધા માટે સરકાર દ્વારા ઓનલાઇન 'સ્વ ગણના' (Self Enumeration) નો પર્યાય પણ આપવામાં આવ્યો છે. જે લોકો ડિજિટલ માધ્યમોનો ઉપયોગ કરે છે, તેઓ જાતે જ પોર્ટલ પર જઈને ઓનલાઇન ફોર્મ ભરી શકે છે. જોકે, તેમણે ટકોર કરી હતી કે ઓનલાઇન ફોર્મ ભરતી વખતે દરેક નાગરિકે પોતાની તમામ વિગતો એકદમ સચોટ અને સાચી આપવી અનિવાર્ય છે, કારણ કે આ ડેટાના આધારે જ આગામી સમયમાં વિકાસ કાર્યોનું આયોજન થશે.

આ પણ વાંચો: સુરતમાં ભાજપ યુવા મોરચાના વોર્ડ ઉપપ્રમુખની હત્યા : ધોળા દિવસે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંક્યા

વસ્તી ગણતરીના નામે છેતરપિંડીથી સાવધાન! ગૃહમંત્રીની નાગરિકોને ચેતવણી

વસ્તી ગણતરીના આ રાષ્ટ્રીય કાર્યક્રમની વચ્ચે કોઈ અસામાજિક તત્વો કે સાયબર ગુનેગારો સામાન્ય જનતાને શિકાર ન બનાવે તે માટે ગૃહ વિભાગનો હવાલો સંભાળતા હર્ષ સંઘવીએ નાગરિકોને ભારે સાવચેત રહેવા સૂચન કર્યું છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપતા કહ્યું કે, વસ્તી ગણતરીના નામે કોઈ વ્યક્તિ તમારી સાથે છેતરપિંડી ન કરી જાય તેનું ખાસ ધ્યાન રાખવું. ડિજિટલ યુગમાં વસ્તી ગણતરીના બહાને લોકોના બેંક ખાતા સાફ કરવાના કીમિયા અજમાવાઈ શકે છે, તેથી જનતાએ સજાગ રહેવું અત્યંત જરૂરી છે.

"ઘરે આવતા અધિકારીને ભૂલથી પણ OTP ન આપતા" – જાણો ઓફિશિયલ નિયમ

નાયબ મુખ્યમંત્રીએ છેતરપિંડીથી બચવા માટે સૌથી મહત્વનો નિયમ સમજાવતા કહ્યું કે, "જ્યારે પણ વસ્તી ગણતરી અંતર્ગત કોઈ સરકારી અધિકારી કે પ્રતિનિધિ આપના ઘરે રૂબરૂ આવે છે, ત્યારે ફોર્મ ભરવાની પ્રક્રિયામાં કોઈપણ પ્રકારના OTP (One Time Password) ની જરૂરિયાત હોતી નથી." ઘરે આવીને ફોર્મ જરૂર ભરાવો, પરંતુ જો કોઈ વ્યક્તિ વસ્તી ગણતરીના નામે તમારા મોબાઇલમાં આવેલો OTP માંગે, તો તે ક્યારેય આપવો નહીં.

તેમણે વધુમાં સ્પષ્ટતા કરી કે, OTP માત્ર ત્યારે જ આવે છે જ્યારે તમે પોતે તમારા વ્યક્તિગત ફોન કે કોમ્પ્યુટર પરથી 'જાતે' ઓનલાઇન વસ્તી ગણતરીનું ફોર્મ સબમિટ કરી રહ્યા હોવ. આ સિવાય અન્ય કોઈ સંજોગોમાં વસ્તી ગણતરી માટે OTP શેર કરવો ગુનાહિત છેતરપિંડીનો ભોગ બનાવી શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now