ભાવનગર મહાનગર પાલિકા દ્વારા શહેરના ચિત્રા GIDC વિસ્તારમાં મેગા ડિમોલિશન કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ચિત્રા GIDC અને સત્યનારાયણ સોસાયટી વચ્ચે આવેલા નાળા તથા બોક્સ ડ્રેનેજની કામગીરીમાં અવરોધરૂપ બની રહેલા ગેરકાયદેસર બાંધકામો પર મનપાએ બુલડોઝર ફેરવી દબાણો દૂર કર્યા હતા.
આ કામગીરી દરમિયાન સમગ્ર વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. મનપાના ટાઉન પ્લાનિંગ વિભાગ, એસ્ટેટ વિભાગ, દબાણ હટાવ સેલ, PGVCL અને પોલીસ વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓ ખાસ હાજર રહ્યા હતા. કાર્યવાહી દરમિયાન તમામ દબાણો દૂર કરીને જગ્યા ખુલ્લી કરવામાં આવી હોવાનું મનપા દ્વારા જણાવાયું છે.
આ પણ વાંચો: જામનગરની સરકારી ડેન્ટલ કોલેજમાં ₹1.36 કરોડનું ચેક કૌભાંડ : કરાર આધારિત કર્મચારી સામે ગંભીર આક્ષેપ
નાળાની અંદરના મકાનો પર કાર્યવાહી
BMC ના ટાઉન પ્લાનિંગ ઓફિસર અશોક વેગડ એ માહિતી આપતા જણાવ્યું હતું કે ટી.પી. સ્કીમ નંબર-1 હેઠળ ચિત્રા GIDC અને સત્યનારાયણ સોસાયટી વચ્ચે આવેલું નાળું લાંબા સમયથી દબાણ હેઠળ હતું. નાળાની અંદર અને આસપાસ બનેલા મકાનો તથા અન્ય બાંધકામોને કારણે ડ્રેનેજ અને વરસાદી પાણીના નિકાલની કામગીરીમાં અવરોધ ઉભો થઈ રહ્યો હતો.
તેમણે જણાવ્યું હતું કે થોડા સમય અગાઉ આશરે 40 જેટલી નોટિસો આપવામાં આવી હતી. આ વિસ્તારમાં અંદાજે 25 પતરાની ઓરડીઓ, 10 સ્લેબવાળી ઓરડીઓ તેમજ 19 જેટલા કમ્પાઉન્ડ વોલ, સંડાસ-બાથરૂમ અને અન્ય બાંધકામો આવેલા હતા. નોટિસની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ચાર JCB સાથે હાથ ધરાયું ઓપરેશન
મનપા દ્વારા કાર્યવાહી માટે ચાર જેટલા JCB મશીનો તૈનાત કરવામાં આવ્યા હતા. સવારે શરૂ થયેલી કાર્યવાહી સાંજ સુધી પૂર્ણ કરવાની યોજના રાખવામાં આવી હતી. ડિમોલિશન દરમિયાન આસપાસના વિસ્તારમાં ટ્રાફિક અને સુરક્ષા વ્યવસ્થા જાળવવા માટે પોલીસ ટીમ સતત તૈનાત રહી હતી.
સ્થાનિક સ્તરે આ કાર્યવાહી ચર્ચાનો વિષય બની છે. કેટલાક લોકો મનપાની કાર્યવાહીનું સમર્થન કરી રહ્યા છે, કારણ કે વરસાદી સીઝનમાં નાળા અને ડ્રેનેજ પર થયેલા દબાણોના કારણે પાણી ભરાવાની સમસ્યા સર્જાતી હતી. બીજી તરફ કેટલાક પ્રભાવિત લોકો દ્વારા યોગ્ય પુનર્વસન અને પૂર્વ સૂચનાના મુદ્દે પ્રશ્નો પણ ઉઠાવવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો: જામનગરની સરકારી ડેન્ટલ કોલેજમાં ₹1.36 કરોડનું ચેક કૌભાંડ : કરાર આધારિત કર્મચારી સામે ગંભીર આક્ષેપ
શહેરમાં દબાણ હટાવ અભિયાન વધુ સક્રિય
છેલ્લા કેટલાક સમયથી ભાવનગર મહાનગરપાલિકા શહેરના વિવિધ વિસ્તારોમાં દબાણ હટાવ અભિયાન વધુ સક્રિય રીતે ચલાવી રહી છે. ખાસ કરીને નાળા, રોડ અને જાહેર સુવિધાઓ પર થયેલા ગેરકાયદેસર બાંધકામો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.
નાગરિક સુવિધાઓ, ડ્રેનેજ સિસ્ટમ અને વરસાદી પાણીના નિકાલને અસર કરતી મિલ્કતો સામે હવે આગામી દિવસોમાં પણ વધુ કાર્યવાહી થઈ શકે છે તેવા સંકેતો મળી રહ્યા છે. શહેરમાં ચોમાસા પહેલાં નાળા અને ડ્રેનેજ લાઇન ખુલ્લી રાખવા માટે મનપા દ્વારા વિવિધ વિસ્તારોમાં અભિયાન હાથ ધરાયું હોવાનું અધિકારીઓ જણાવી રહ્યા છે.






