સાબરકાંઠા: માનવતા અને નિઃસ્વાર્થ સેવાનું બીજું નામ એટલે સુરેશભાઈ સોની. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે કુષ્ઠરોગીઓની સેવા માટે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરનાર પદ્મશ્રી સુરેશભાઈ સોનીનું આજે હૃદયરોગના હુમલાને કારણે નિધન થયું છે. તેમના અવસાનના સમાચાર વહેતા થતા જ સેવાકીય ક્ષેત્ર અને સમગ્ર જિલ્લામાં શોકની લહેર ફરી વળી છે.
હિંમતનગરની ખાનગી હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ
મળતી માહિતી મુજબ, સુરેશભાઈ સોનીને હૃદયમાં તકલીફ જણાતા હિંમતનગરની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. તબીબો દ્વારા તેમને બચાવવા માટે પૂરતા પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું નિધન થયું હતું. કુષ્ઠરોગીઓ પ્રત્યેનો તેમનો પ્રેમ અને સેવાભાવ જોઈને લોકો તેમને શ્રદ્ધાપૂર્વક નમન કરી રહ્યા છે.
આ પણ વાંચો: ગુજરાતનો એક એવો જિલ્લો જ્યાં 97 નદીઓ વહે છે : મોટાભાગની નદીઓ થઈ જાય છે ગાયબ
કુષ્ઠરોગીઓની સેવા માટે જીવન કર્યું સમર્પિત
સુરેશભાઈ સોનીએ સમાજ દ્વારા તરછોડાયેલા કુષ્ઠરોગીઓની સેવાને જ પોતાનો જીવનમંત્ર બનાવ્યો હતો. તેમણે હિંમતનગરના રાજેન્દ્રનગર પાસે 'સહયોગ કુષ્ઠ યજ્ઞ' સેવા આશ્રમની સ્થાપના કરી હતી. આ આશ્રમમાં હજારો કુષ્ઠરોગીઓને માત્ર સારવાર જ નહીં, પરંતુ રહેવા, જમવા અને આત્મસન્માન સાથે જીવવાની તક પણ પૂરી પાડવામાં આવી હતી. તેમની આ અજોડ સેવા બદલ ભારત સરકાર દ્વારા તેમને 'પદ્મશ્રી' એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
શુક્રવારે સવારે થશે અંતિમ સંસ્કાર
સુરેશભાઈ સોનીના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે તેમના કર્મસ્થળ એવા સેવા આશ્રમ ખાતે રાખવામાં આવશે. જે બાદમાં શુક્રવારની સવારે 'સહયોગ કુષ્ઠ યજ્ઞ' આશ્રમ ખાતે જ તેમની અંતિમક્રિયા કરવામાં આવશે. સેવાભાવી સંસ્થાઓ, રાજકીય આગેવાનો અને અસંખ્ય જરૂરિયાતમંદ લોકો તેમને શ્રદ્ધાંજલિ આપવા ઉમટી પડશે.





