Home Tech/Gadgets Online Gaming Ogai India Rules 2026

ભારત સરકારનો ગેમિંગ સેક્ટર માટે મોટો નિર્ણય! : રજિસ્ટ્રેશન વગર રમી શકાશે ફ્રી ગેમ્સ, જાણો કેવી રીતે

Online Gaming
Published by: Aryan Shah
Last Updated: Apr 24, 2026, 03:15 AM IST

Online Gaming User Safety : ભારતમાં ઓનલાઇન ગેમિંગ ઉદ્યોગ ખૂબ જ ઝડપથી વિસ્તરી રહ્યો છે, જેને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે યુઝર્સની સુરક્ષા માટે એક મહત્વનું કદમ ઉઠાવ્યું છે. સરકારે 'ઓનલાઇન ગેમિંગ ઓથોરિટી ઓફ ઈન્ડિયા' (OGAI) ના ગઠન માટે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ નવી વ્યવસ્થા 'ઓનલાઇન ગેમિંગ રેગ્યુલેશન એક્ટ-2025' હેઠળ તૈયાર કરવામાં આવી છે, જે સમગ્ર દેશમાં 1 મે, 2026 થી અમલી બનશે. આ કાયદાનો મુખ્ય હેતુ ગેમિંગ ક્ષેત્રને વધુ વ્યવસ્થિત અને પારદર્શક બનાવવાનો છે.

સરકારનો ઉદાર અભિગમ

IT સચિવ એસ. કૃષ્ણે સ્પષ્ટ કર્યું છે કે, સરકાર ગેમિંગ ઉદ્યોગ પર નિયંત્રણો લાદવાને બદલે તેને પ્રોત્સાહન આપવા માટે 'લાઇટ-ટચ રેગ્યુલેશન' પદ્ધતિ અપનાવી રહી છે. આ અભિગમ હેઠળ સ્ટાર્ટઅપ્સ અને ગેમ ડેવલપર્સને બિનજરૂરી કાયદાકીય પ્રક્રિયાઓમાંથી મુક્તિ મળશે. વધુમાં, ગેમિંગ કંપનીઓ માટે સર્ટિફિકેટની વેલિડિટી 5 વર્ષથી વધારીને 10 વર્ષ કરી દેવામાં આવી છે. આ નિર્ણયથી 'Ease of Doing Business' ને વેગ મળશે અને કંપનીઓએ વારંવાર રિન્યુઅલ માટે કચેરીઓના ધક્કા ખાવા પડશે નહીં.

નોંધણી પ્રક્રિયામાં મોટી છૂટ

ગેમર્સ માટે સૌથી મોટા સમાચાર એ છે કે, હવે મફત ગેમ્સ રમવા માટે રજિસ્ટ્રેશનની ઝંઝટમાંથી મુક્તિ મળશે. નવા નિયમો મુજબ, જે ગેમ્સમાં વાસ્તવિક નાણાંની લેવડ-દેવડ (Non-real money games) થતી નથી, તેમને સરકારી પોર્ટલ પર નોંધણી કરાવવી ફરજિયાત નથી. આનાથી સામાન્ય ગેમર્સ કોઈપણ ડેટા શેર કર્યા વગર પોતાની મનપસંદ ગેમ્સ રમી શકશે. જોકે, ઈ-સ્પોર્ટ્સ અથવા જે ગેમ્સમાં મોટા પાયે નાણાકીય વ્યવહારો થાય છે, તેમના માટે સરકાર દ્વારા નક્કી કરાયેલા નિયમોનું પાલન કરવું અનિવાર્ય રહેશે.

ગેમ્સનું ત્રણ રીતે વર્ગીકરણ

નવી ઓથોરિટી ગેમ્સને ત્રણ મુખ્ય રીતે વર્ગીકૃત કરશે જેથી કોઈ પણ ગેમ કાયદાની બહાર ન રહી જાય. પ્રથમ, ઓથોરિટી પોતાની મેળે (Suo Moto) કોઈપણ ગેમની સમીક્ષા કરીને તેને યોગ્ય કેટેગરીમાં મૂકી શકશે. બીજું, ઈ-સ્પોર્ટ્સ સાથે જોડાયેલી સંસ્થાઓ પોતે પોતાની ગેમ માટે અરજી કરી શકશે. ત્રીજું, સરકાર કેટલીક સામાજિક ગેમ્સને ખાસ નોટિફાય કરી શકશે. આ તમામ પ્રક્રિયા માટે 90 દિવસની કડક સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે, જેથી ઉદ્યોગમાં કોઈ પણ પ્રકારનો વિલંબ કે અડચણ ન આવે.

યુઝર સુરક્ષા અને ડેટા પ્રાઇવસી

યુઝર્સની સુરક્ષા માટે સરકાર 'ટુ-ટાયર ગ્રીવાન્સ રિડ્રેસલ સિસ્ટમ' અમલમાં લાવશે. આ સિસ્ટમ હેઠળ ગેમિંગ પ્લેટફોર્મ્સે યુઝર્સની ફરિયાદોનું ઝડપી નિવારણ કરવું પડશે અને તેમનો ડેટા સુરક્ષિત રાખવો પડશે. આ ઓથોરિટીમાં ગૃહ મંત્રાલયના પ્રતિનિધિઓ પણ સામેલ હશે, જેઓ રાષ્ટ્રીય સુરક્ષા અને યુઝર પ્રાઇવસી પર નજર રાખશે. જો કોઈ ગેમ દેશના નિયમોનું ઉલ્લંઘન કરતી જણાશે, તો ઓથોરિટી પાસે તેને તાત્કાલિક ધોરણે બ્લોક કરવાની સત્તા પણ રહેશે.

શું છે OGAI ની ખાસિયત?

ઓનલાઇન ગેમિંગ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (OGAI) એ 6 નિષ્ણાત સભ્યોની બનેલી એક કમિટી છે, જેમાં IT અને ગૃહ મંત્રાલયના અનુભવી અધિકારીઓનો સમાવેશ થાય છે. આ ઓથોરિટીનું મુખ્ય કામ દેશમાં ચાલતી તમામ ઓનલાઇન ગેમ્સનું મોનિટરિંગ કરવું અને યુઝર્સના હિતોનું રક્ષણ કરવાનું છે. ઉલ્લેખનીય છે કે, આ નિયમોને અંતિમ સ્વરૂપ આપતા પહેલા સરકારે ઉદ્યોગ જગતના 2,500 થી વધુ હિતધારકો સાથે ચર્ચા-વિચારણા કરી હતી, જેથી દરેક પાસાને યોગ્ય રીતે આવરી શકાય.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now