મધ્ય પૂર્વમાં વધી રહેલા ભૂરાજકીય તણાવ વચ્ચે ઓમાનના કિનારા નજીક હોર્મુઝ જળમાર્ગ વિસ્તારમાં બનેલી એક ગંભીર ઘટનાએ ભારતને ઝંઝોળી નાખ્યું છે. ભારતીય વિદેશ મંત્રાલય અને અન્ય સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, એમટી સેટ્ટેબેલો (MT Settebello) નામના જહાજ પર થયેલા હુમલામાં 3 ભારતીય નાવિકોના મોત થયા છે. આ ઘટનાને લઈને ભારત સરકારે અમેરિકા સામે કડક વાંધો નોંધાવ્યો છે અને નવી દિલ્હીમાં અમેરિકી દૂતાવાસના પ્રભારીને તલબ કરીને સત્તાવાર વિરોધ વ્યક્ત કર્યો છે.
મૃતક ભારતીય નાવિકોમાં ડેક કેડેટ આદિત્ય શર્મા, એન્જિન ફિટર શિવાનંદ ચૌરસિયા અને મુખ્ય ઇજનેર પટનાલા સુરેશનો સમાવેશ થાય છે. અગાઉ તેઓ ગુમ હોવાનું જણાવાયું હતું, પરંતુ બાદમાં તેમની મોતની પુષ્ટિ કરવામાં આવી હતી. આ ઘટના ભારતીય સમુદ્રી ક્ષેત્ર માટે ભારે આઘાતરૂપ બની છે.
ભારતનો કડક વિરોધ
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસવાલે જણાવ્યું કે છેલ્લા કેટલાક દિવસોમાં ભારતીય નાવિકો સાથે જોડાયેલી અનેક ચિંતાજનક ઘટનાઓ બની છે અને ભારત પોતાના નાવિકોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપે છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ઓમાનના કિનારે બનેલી ઘટનામાં 3 ભારતીય નાગરિકોના મોત થયા છે, જે અત્યંત દુઃખદ અને અસ્વીકાર્ય છે. ભારતે અમેરિકાને આ મામલે પોતાનો ગંભીર વિરોધ નોંધાવ્યો છે અને આવા હુમલાઓ તાત્કાલિક બંધ કરવાની માંગ કરી છે.
ભારતે આ સાથે જ વિસ્તારની સ્થિતિને વધુ વણસતા અટકાવવા માટે સંવાદ અને કૂટનીતિનો માર્ગ અપનાવવાની પણ અપીલ કરી છે. સરકારનું માનવું છે કે સતત વધતા સૈન્ય તણાવ અને વેપારી જહાજો પર થતા હુમલાઓ વૈશ્વિક સમુદ્રી સુરક્ષા માટે ગંભીર ખતરો બની રહ્યા છે.
આ પણ વાંચો: મિડલ-ઈસ્ટ યુદ્ધના કારણે હોર્મુઝ સ્ટ્રેટ પર વધ્યું સંકટ : ભારતમાં આ 7 વસ્તુઓની સર્જાઈ શકે છે અછત...
અમેરિકાનું શું કહેવું છે?
અમેરિકી સેન્ટ્રલ કમાન્ડના જણાવ્યા મુજબ, એમટી સેટ્ટેબેલો જહાજે અમેરિકી સૂચનાઓનું પાલન કર્યું નહોતું અને તે ઈરાન સાથે જોડાયેલા તેલ પરિવહન સાથે સંકળાયેલ હોવાનો આરોપ હતો. અમેરિકી દાવા અનુસાર જહાજને અનેક વખત ચેતવણી આપવામાં આવી હતી, ત્યારબાદ તેના એન્જિન વિભાગને નિશાન બનાવવામાં આવ્યો હતો. જોકે ભારતે નાગરિક જહાજો અને વેપારી નાવિકોની સુરક્ષાને લઈને ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. હુમલા બાદ ઓમાનની નૌકાદળ અને સ્થાનિક સત્તાવાળાઓએ બચાવ કામગીરી હાથ ધરી હતી. જહાજમાં રહેલા અન્ય 21 ભારતીય નાવિકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા.
3 દિવસમાં 3 જહાજો નિશાન પર
શિપિંગ મંત્રાલયના આંકડા મુજબ, 8 જૂન પછી ભારતીય નાવિકો ધરાવતા ત્રણ જહાજો, મેરિવેક્સ, એમટી સેટ્ટેબેલો અને એમટી જલવીર નિશાન પર આવ્યા છે. સેટ્ટેબેલોની ઘટનામાં જાનહાનિ થઈ હોવા છતાં બાકીની 2 ઘટનાઓમાં તમામ ભારતીય નાવિકોને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા હતા. તેમ છતાં સતત બનતી આવી ઘટનાઓને કારણે સમુદ્રી સુરક્ષા અંગે ગંભીર ચિંતાઓ ઊભી થઈ છે.
હાલમાં હોર્મુઝ સમુદ્રી માર્ગમાં ભારત સાથે સંકળાયેલા કુલ 13 જહાજો કાર્યરત છે. આ જહાજોમાં કુલ 562 ભારતીય નાવિકો ફરજ બજાવી રહ્યા છે. આ કારણે કેન્દ્ર સરકાર, વિદેશ મંત્રાલય અને શિપિંગ મંત્રાલય સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે.
સર્બાનંદ સોનોવાલે વ્યક્ત કર્યું દુઃખ
કેન્દ્રીય બંદરો, જહાજરાની અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે ઘટનાને સમુદ્રી પરિવારમાં માટે મોટું નુકસાન ગણાવ્યું છે. તેમણે મૃતક નાવિકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને સરકાર તરફથી તમામ જરૂરી સહાય પૂરી પાડવાની ખાતરી આપી છે. સાથે જ બચાવાયેલા નાવિકોને તાત્કાલિક ભારત પરત લાવવા અને મૃતદેહોને વતનમાં પહોંચાડવા માટે અધિકારીઓને સૂચના આપવામાં આવી હોવાનું જણાવ્યું છે.
વૈશ્વિક વેપાર માટે મહત્વપૂર્ણ છે હોર્મુઝ માર્ગ
હોર્મુઝ જળમાર્ગ વિશ્વના સૌથી વ્યસ્ત અને વ્યૂહાત્મક સમુદ્રી માર્ગોમાંનો એક છે. ખાડી દેશોમાંથી વિશ્વભરમાં જતા તેલ અને ગેસના મોટા ભાગના જથ્થાનું પરિવહન આ માર્ગ દ્વારા થાય છે. તેથી અહીં થતી કોઈપણ અસ્થિરતા વૈશ્વિક ઊર્જા બજાર, વેપાર અને પુરવઠા શૃંખલાઓ પર સીધી અસર કરી શકે છે.
ભારત વિશ્વના સૌથી મોટા નાવિક પુરવઠા કરનારા દેશોમાંનો એક હોવાથી આવી ઘટનાઓ માત્ર માનવીય નુકસાન પૂરતી મર્યાદિત નથી રહેતી, પરંતુ દેશના વ્યાપારી અને વ્યૂહાત્મક હિતોને પણ અસર કરે છે. વર્તમાન પરિસ્થિતિમાં હોર્મુઝ વિસ્તારમાં કાર્યરત ભારતીય નાવિકોની સુરક્ષા ભારત સરકાર માટે સર્વોચ્ચ પ્રાથમિકતા બની ગઈ છે.





