Indian Ocean Whale Graveyard: પૃથ્વીના સમુદ્રો હજુ પણ અનેક રહસ્યોથી ભરેલા છે અને વૈજ્ઞાનિકો માટે અજાણી દુનિયાના દરવાજા સમાન છે. હવે હિંદ મહાસાગરના ગહન તળિયેથી એવી એક ચોંકાવનારી શોધ સામે આવી છે, જેને સમુદ્રી વિજ્ઞાનના ક્ષેત્રમાં ઐતિહાસિક માનવામાં આવી રહી છે. ચીની વૈજ્ઞાનિકોએ હિંદ મહાસાગરની અંદર દુનિયાનું અત્યાર સુધીનું સૌથી મોટું અને સૌથી પ્રાચીન ‘વ્હેલ કબ્રસ્તાન’ શોધી કાઢ્યું છે. આ શોધ માત્ર કરોડો વર્ષ જૂના જીવાશ્મો સુધી મર્યાદિત નથી, પરંતુ તે ગહન સમુદ્રમાં વસતા અનેક અજાણ્યા જીવસૃષ્ટિના અસ્તિત્વ અંગે પણ નવા સંકેતો આપે છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ, અહીં મળેલા કેટલાક વ્હેલના કંકાલ આશરે 53 લાખ વર્ષ જૂના છે. એટલું જ નહીં, આ કંકાલોની આસપાસ વિકસેલું ઇકોસિસ્ટમ ગહન સમુદ્રના જીવન અંગે નવી સમજણ ઊભી કરી રહ્યું છે.
7 કિલોમીટર ઊંડાઈએ મળી અદ્ભુત શોધ
આ શોધ માટે ચીનના સંશોધકોએ ‘ફેન્ડોઝે’ નામની અત્યાધુનિક સબમર્સિબલનો ઉપયોગ કર્યો હતો. વર્ષ 2023 દરમિયાન આ પનડુબ્બીએ કુલ 32 વખત સમુદ્રની ઊંડાઈમાં અભિયાન ચલાવ્યું હતું. સંશોધન દરમિયાન વૈજ્ઞાનિકોએ ઓસ્ટ્રેલિયાના પશ્ચિમ કિનારાથી દૂર હિંદ મહાસાગરના ‘ડાયમેન્ટીના ઝોન’ વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી. આશરે 1,200 કિલોમીટર લાંબા આ વિસ્તારમાંથી લગભગ 500 જેટલા કંકાલોના નમૂનાઓ એકત્રિત કરવામાં આવ્યા હતા. વૈજ્ઞાનિકોનું માનવું છે કે, સમગ્ર વિસ્તારમાં કરોડો વ્હેલના અવશેષો દટાયેલા હોઈ શકે છે, જે આ શોધને વિશ્વની સૌથી મોટી સમુદ્રી જીવાશ્મ શોધોમાં સ્થાન અપાવે છે.
શું છે ‘વ્હેલ ફોલ’?
સમુદ્રી વિજ્ઞાનમાં જ્યારે કોઈ વ્હેલનું મૃત્યુ થાય અને તેનું વિશાળ શરીર સમુદ્રની તળિયે જઈને સ્થિર થાય, ત્યારે તેને ‘વ્હેલ ફોલ’ કહેવામાં આવે છે. ગહન સમુદ્રમાં જ્યાં સૂર્યપ્રકાશ પહોંચતો નથી અને ખોરાકના સ્ત્રોત અત્યંત મર્યાદિત હોય છે, ત્યાં આ મૃત વ્હેલનું શરીર હજારો જીવસૃષ્ટિ માટે જીવનદાતા બની જાય છે. વર્ષો સુધી તેના હાડકાં, ચરબી અને ટિશ્યૂ અનેક સૂક્ષ્મજીવો અને સમુદ્રી પ્રાણીઓ માટે ખોરાક પૂરું પાડે છે.
કરોડો વર્ષથી જીવનનું કેન્દ્ર બન્યું છે આ સ્થળ
વૈજ્ઞાનિકોના મતે ડાયમેન્ટીના ઝોન ભૂતકાળમાં વ્હેલ માટે મહત્વપૂર્ણ માર્ગ અને ખોરાક મેળવવાનું સ્થળ રહ્યું હશે. આ વિસ્તારમાં સમુદ્રની અંદર ‘V’ આકારની વિશાળ ખીણ આવેલી છે, જે મૃત વ્હેલના શરીરોને એકત્ર કરીને સમુદ્રના તળિયે એક જ વિસ્તારમાં પહોંચાડે છે. આ જ કારણ છે કે, લાખો વર્ષ દરમિયાન અહીં વ્હેલના કંકાલોનું વિશાળ ભંડાર એકઠું થયું હોવાનું માનવામાં આવે છે.
કંકાલોની વચ્ચે ધબકતું અનોખું ઇકોસિસ્ટમ
આ સંશોધનના સહ-લેખક પેંગ ઝોઉએ જણાવ્યું કે આ સ્થળને પોતાની આંખે જોવું એક અવિશ્વસનીય અનુભવ હતો. સામાન્ય રીતે ગહન સમુદ્રને નિર્જીવ અને અંધકારમય માનવામાં આવે છે, પરંતુ અહીં કંકાલોની આસપાસ જીવસૃષ્ટિની અદભૂત દુનિયા જોવા મળી હતી. સંશોધકોને અહીં જેલીફિશની નવી જાતો, બ્રિટલ સ્ટાર્સ, હાડકાં ખાઈને જીવતા કીડાઓ અને બાયવોલ્વ્સ જેવા અનેક અજાણ્યા સમુદ્રી જીવો જોવા મળ્યા હતા. કેટલાક જીવો એવા પણ મળી આવ્યા છે જે કદાચ વિજ્ઞાન માટે સંપૂર્ણપણે નવા હોઈ શકે છે.
લુપ્ત થઈ ગયેલી વ્હેલની પ્રજાતિનો પણ થયો ખુલાસો
સંશોધન દરમિયાન વૈજ્ઞાનિકોએ વ્હેલની એક એવી પ્રજાતિના અવશેષો પણ ઓળખ્યા છે, જે અત્યાર સુધી નોંધાઈ નહોતી. આ પ્રજાતિ લાખો વર્ષ પહેલા લુપ્ત થઈ ગઈ હોવાનું માનવામાં આવે છે. આ શોધના આધારે વૈજ્ઞાનિકો પ્રાચીન સમુદ્રી જીવન અને વ્હેલોના વિકાસક્રમ અંગે વધુ માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. અભ્યાસના મુખ્ય સંશોધક શિયાઓતોંગ પેંગના જણાવ્યા મુજબ આ વિસ્તારમાં રહેલા વ્હેલના અવશેષોમાં આશરે 67 લાખ ટન કાર્બન સંગ્રહિત હોઈ શકે છે. આ કાર્બન માત્ર સમુદ્રી જીવસૃષ્ટિને પોષણ પૂરું પાડતું નથી, પરંતુ વૈશ્વિક કાર્બન ચક્રમાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ ‘વ્હેલ ફોલ’ ગહન સમુદ્રમાં જીવનના વિકાસ માટે કેન્દ્રબિંદુ તરીકે કાર્ય કરે છે.
સમુદ્રના રહસ્યો હજુ બાકી
અમેરિકન પેલિયોન્ટોલોજિસ્ટ સ્ટીફન ગોડફ્રેએ આ શોધની તુલના 1977માં થયેલી હાઈડ્રોથર્મલ વેન્ટ્સની ઐતિહાસિક શોધ સાથે કરી છે. તેમના મતે આ શોધ કોઈ બ્લોકબસ્ટર ફિલ્મના ટ્રેલર જેવી છે, જે ભવિષ્યમાં સમુદ્રની અંદર છુપાયેલા અનેક રહસ્યો તરફ ઈશારો કરે છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે, હિંદ મહાસાગરના ગહન વિસ્તારોમાં હજુ પણ અનેક એવી અજાણી દુનિયા છુપાયેલી છે, જે પૃથ્વી પરના જીવન વિશેની અમારી સમજણને સંપૂર્ણપણે બદલી શકે છે.





