Home National Nitish Kumar Resigns Bihar Politics Bjp New Cm Analysis

બિહારના રાજકારણમાં એક યુગનો અંત : નીતિશ કુમાર હવે દિલ્હીના દરબારમાં, બિહારની કમાન હવે ભાજપનાં હાથમાં

નીતિશ કુમારની રાજ્યસભામાં એન્ટ્રી
Published by: Chintan Chavda
Last Updated: Apr 10, 2026, 05:36 AM IST

નીતિશ કુમાર આજે રાજ્યસભાના સભ્ય તરીકે શપથ લેશે અને ટૂંક સમયમાં બિહારના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી શકે છે. 16 એપ્રિલ સુધીમાં નવી સરકાર રચાય તેવી શક્યતા છે, જેમાં ભાજપના નેતા નવા મુખ્યમંત્રી બનશે તે લગભગ નક્કી છે. મહત્વપૂર્ણ વાત એ છે કે.. મુખ્યમંત્રીની ખુરશી પર કોણ બિરાજશે? અત્યારે રેસમાં ત્રણ મોટા નામ ચર્ચાઈ રહ્યા છે: સમ્રાટ ચૌધરી, વિજય કુમાર સિન્હા અને નિત્યાનંદ રાય.

ભાજપનો સીધો એજન્ડા હવે બિહારમાં પોતાની વિચારધારા અને વિકાસના મોડેલને કોઈ પણ બાંધછોડ વગર લાગુ કરવાનો છે. સમ્રાટ ચૌધરી હાલ સૌથી પ્રબળ દાવેદાર છે, તેમને દિલ્હી હાઈકમાન્ડ અને નીતિશ કુમાર બંનેનો સહયોગ હોવાનું મનાય છે.

નીતિશ કુમાર: ગઠબંધનના ખેલાડી અને 'પલટુ રામ'ની છાપ

નીતિશ કુમારની ત્રણ દાયકાની રાજકીય સફર કોઈ રોલર-કોસ્ટર રાઈડથી ઓછી નથી રહી. તેમનું નામ 'પલટુ રામ' તરીકે પણ જાણિતું થયું છે, કારણ કે તેમણે પોતાની સત્તા ટકાવી રાખવા માટે અનેકવાર ગઠબંધન બદલ્યા છે. વિશ્લેષણ કરીએ તો, 1994 માં લાલુ પ્રસાદ સાથે છેડો ફાડ્યા પછી તેમણે 1996 માં ભાજપ સાથે નાતો જોડ્યો.

2013 માં જ્યારે નરેન્દ્ર મોદીનું નામ પીએમ તરીકે જાહેર થયું ત્યારે નીતિશ કુમારે 17 વર્ષ જૂની દોસ્તી તોડી નાખી હતી. ત્યારબાદ 2015 માં કટ્ટર દુશ્મન લાલુ પ્રસાદ સાથે 'મહાગઠબંધન' કર્યું અને 2017 માં ફરી પલટી મારીને ભાજપ ભેગા થયા. આ સિલસિલો 2022 અને છેલ્લે 2024 ની લોકસભા ચૂંટણી સુધી ચાલતો રહ્યો.

પરંતુ વાત અહીં અટકતી નથી...

નીતિશ કુમાર દિલ્હી તો ગયા, પણ પટનામાં જેડીયુ (JD-U) નું ભવિષ્ય શું? આ પ્રશ્ન હવે બિહારના દરેક રાજકીય ગલીયારામાં પૂછાઈ રહ્યો છે. નીતિશ કુમારના ગયા પછી પાર્ટીમાં વિખવાદ ન સર્જાય તે માટે અત્યારથી જ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ચર્ચા એવી પણ છે કે નીતિશ કુમારના પુત્ર નિશાંત કુમાર રાજકારણમાં એન્ટ્રી કરી શકે છે.

મહત્વપૂર્ણ વાત એ છે કે.. શું ભાજપ નીતિશ કુમારની આ ગણતરીઓને સરળતાથી સ્વીકારશે? બિહારની રાજનીતિ હવે 'ત્રિપાંખિયા' જંગમાંથી બહાર નીકળીને ભાજપ વિરુદ્ધ આરજેડી (તેજસ્વી યાદવ) ના સીધા મુકાબલા તરફ વળી રહી છે.

નિષ્કર્ષ

નીતિશ કુમારે બિહારને રસ્તા, વીજળી અને મહિલા સશક્તિકરણના ક્ષેત્રે ઘણું આપ્યું છે, તેના માટે ઇતિહાસ તેમને હંમેશા માન આપશે. પણ તેમની વારંવાર ગઠબંધન બદલવાની આદત તેમની ઇમેજ પર ડાઘ સમાન પણ બની છે. હવે જ્યારે ભાજપ રાજ્યની કમાનસંભાળવા જઈ રહ્યું છે, ત્યારે જોવાનું એ રહેશે કે 'વિકાસ પુરુષ' તરીકે ઓળખાતા નીતિશ કુમાર દિલ્હીના રાજકારણમાં 'માર્ગદર્શક' તરીકે કેવી ભૂમિકા ભજવે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now