રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી સતત વરસી રહેલા કમોસમી વરસાદને લઈને પૂર્વ ઉપમુખ્યમંત્રી નીતિન પટેલે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે આખા ગુજરાતમાં થયેલા માવઠાને કારણે ખેડૂતોને પારાવાર નુકસાન થયું છે. પાકના નુકસાનની વ્યાપક અસર ખાસ કરીને ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં જોવા મળી રહી છે.
નીતિન પટેલે જણાવ્યું કે, ખેડૂતોની હાલત ગંભીર છે અને તેમની ચિંતા દૂર કરવા માટે રાજ્ય સરકારે તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે. તેમણે કહ્યું કે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે પહેલેથી જ સંબંધિત અધિકારીઓને નુકસાનના સર્વે માટે સૂચના આપી દીધી છે. “મેં ખુદ મુખ્ય પ્રધાન અને કૃષિ મંત્રી સાથે વાત કરી છે અને કડી તેમજ મહેસાણા સહિતના વિસ્તારોમાં ઝડપી સરવે કરાવી તાત્કાલિક સહાય શરૂ કરવાની વિનંતી કરી છે,” એમ નીતિન પટેલે જણાવ્યું.
તેમણે વધુમાં કહ્યું કે ખેડૂતોના હિતને પ્રાથમિકતા આપીને સરકાર શક્ય તેટલી વહેલી તકે વળતર અને સહાયની જાહેરાત કરશે. કમોસમી વરસાદથી કપાસ, સીંગ, સોયાબીન, અને અન્ય પાકોને ભારે નુકસાન થયું છે, જેના કારણે ખેડૂત વર્ગમાં ચિંતા ફેલાઈ છે. રાજ્ય સરકાર તરફથી ઝડપભર્યા પગલાં લેવામાં આવશે તેવી નીતિન પટેલે આશા વ્યક્ત કરી છે.






