Great Indian Bustard : ગુજરાતના કચ્છ જિલ્લામાંથી પર્યાવરણ અને વન્યજીવ પ્રેમીઓ માટે ખૂબ જ સારા સમાચાર સામે આવ્યા છે. કચ્છના અબડાસા વિસ્તારમાં એક દુર્લભ ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ (Great Indian Bustard) એટલે કે ગોડાવણના બચ્ચાનો જન્મ થયો છે. આ સમાચાર માત્ર વન વિભાગ માટે જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં લુપ્ત થતી આ પ્રજાતિને બચાવવા માટે લડી રહેલા નિષ્ણાતો માટે એક આશાનું કિરણ લઈને આવ્યા છે. નવા જન્મેલા આ નનકા મહેમાનની સુરક્ષા માટે વન વિભાગે એવી વ્યવસ્થા કરી છે કે, જે સામાન્ય રીતે દેશના મોટા નેતાઓ કે VVIP ને આપવામાં આવતી હોય છે.
અનોખી Z+ સુરક્ષા
આ બચ્ચું ઇંડામાંથી બહાર નીકળતાની સાથે જ તેને Z+ સ્તરની સુરક્ષા પૂરી પાડવામાં આવી છે. વન વિભાગ દ્વારા 50 થી વધુ કર્મચારીઓને ખાસ આ કામ માટે તૈનાત કરવામાં આવ્યા છે. જેમાં ક્ષેત્રીય સ્ટાફથી લઈને ઉચ્ચ અધિકારીઓનો સમાવેશ થાય છે. આ જવાનો ત્રણ શિફ્ટમાં 24 કલાક બચ્ચાની દેખરેખ રાખે છે. વોચ ટાવર પરથી આધુનિક ટેલિસ્કોપ અને દૂરબીન વડે પળેપળની હિલચાલ પર નજર રાખવામાં આવી રહી છે.
રસ્તાઓ અને ટ્રાફિક બંધ
બચ્ચાને કોઈ પણ પ્રકારની ખલેલ ન પહોંચે તે માટે વન વિભાગે કડક પગલાં લીધા છે. માળા તરફ જતાં તમામ રસ્તાઓ ગુપ્ત રીતે બંધ કરી દેવામાં આવ્યા છે. આસપાસના ગામડાઓના રસ્તા પર ટ્રાફિક પ્રતિબંધિત કરાયો છે અને પશુ ચરાવવા પર પણ મનાઈ ફરમાવી દેવામાં આવી છે. શિકારી પ્રાણીઓ કે, રખડતા કૂતરાઓ ત્યાં ન આવે તે માટે તે વિસ્તારના પાણીના સ્ત્રોતો પણ ખાલી કરી દેવાયા છે, જેથી કરીને કોઈ હિંસક પ્રાણી ત્યાં આકર્ષાય નહીં.
ટેકનોલોજીનો ઉપયોગ
માદા ગોડાવણના શરીર પર અગાઉથી જ જીપીએસ ટૅગ્સ લગાવવામાં આવ્યા છે, જેના દ્વારા ગાંધીનગર અને અમદાવાદના ઉચ્ચ અધિકારીઓને રિયલ ટાઈમ ડેટા મોકલવામાં આવે છે. જો માદા ગોડાવણ જરા પણ અસ્વસ્થ જણાય અથવા કોઈ અસામાન્ય હિલચાલ કરે, તો વન વિભાગની ટીમ મિનિટોમાં ત્યાં પહોંચી જાય છે. આ ઓપરેશનમાં જેસલમેર અને કચ્છના ભારતીય વન્યજીવ સંસ્થાનના નિષ્ણાતો પણ સતત માર્ગદર્શન આપી રહ્યા છે.
સંરક્ષણનું અભિયાન
ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ એ વિશ્વની સૌથી વધુ સંકટમાં રહેલી પક્ષી પ્રજાતિઓ પૈકીની એક છે. ગુજરાતમાં છેલ્લા એક દાયકામાં આ પ્રથમ વખત છે, જ્યારે કુદરતી રીતે કોઈ બચ્ચાનો જન્મ થયો હોય. વન વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ, બચ્ચાને તેના જીવનના પ્રથમ મહિનામાં બચાવી રાખવું એ સૌથી મોટો પડકાર છે. આથી જ આખું તંત્ર અત્યારે એક થઈને આ પક્ષીને બચાવવા માટે રાત-દિવસ મહેનત કરી રહ્યું છે.






