Home Gujarat New Twist In The Incident Of Explosives Being Found On Railway Tracks

વડોદરામાં રેલવે ટ્રેક પરથી વિસ્ફોટક મળવાની ઘટનામાં નવો વળાંક : ફરિયાદી જ નીકળ્યો આરોપી, વાહ-વાહી મેળવવાનો મોહ ભારે પડ્યો!

વડોદરામાં રેલવે ટ્રેક પરથી વિસ્ફોટક મળવાની ઘટનામાં નવો વળાંક
Published by: OBS Bureau
Last Updated: Feb 23, 2026, 12:06 PM IST

વડોદરામાં અનગઢ નવાપુરા ગામ નજીક રેલવે ડેડિકેટેડ કોરિડોર પાસે વિસ્ફોટક પદાર્થ મળવા મામલે ચોંકાવનારો વળાંક આવ્યો છે. શરૂઆતમાં આ ઘટનાને ગંભીર સુરક્ષા ભંગ તરીકે જોવામાં આવી હતી, પરંતુ તપાસ આગળ વધતા ફરિયાદી જ આરોપી નીકળતા સમગ્ર કેસમાં નવો મુદ્દો સામે આવ્યો છે.

ફરિયાદી જ આરોપી!

ઝોન-1ના ડીસીપી જગદીશ ચાવડાએ જણાવ્યું હતું કે, 'આરોપી મુસ્તાક અલી સૈયદ, જે પૂર્વ સૈનિક (X-આર્મી મેન) છે, તે છેલ્લા ત્રણ વર્ષથી રેલવેમાં હંગામી લાઇનમેન તરીકે કામ કરતો હતો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, પોતાની કામગીરી પ્રશંસનીય દેખાડવા અને ઉચ્ચ અધિકારીઓની નજરમાં આવવા માટે તેણે આ સમગ્ર કાવતરું રચ્યું હતું.

મુસ્તાક અલી સૈયદની પોલીસે અટકાયત કરી

પોલીસ તપાસ મુજબ, આરોપીએ રેલવે ટ્રેક નજીક લગ્ન પ્રસંગોમાં વપરાતા “કોલડપાયરો” નામના વિસ્ફોટક પદાર્થ મૂકી દીધા હતા. ત્યારબાદ તેણે જ આ બાબતની જાણ કરી હતી, જેથી પોતે સતર્ક કર્મચારી તરીકે ઉભરી શકે. જોકે રેલવે પોલીસ અને શહેર પોલીસની સંયુક્ત તપાસમાં હકીકત બહાર આવી ગઈ હતી. આ ઘટનાને પગલે આરોપી મુસ્તાક અલી સૈયદની પોલીસે અટકાયત કરી છે. તેની સામે જાનમાલને નુકસાન પહોંચાડવાની તથા સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડવાની પ્રવૃત્તિ અંગે ગુનો નોંધવામાં આવ્યો છે.

સમગ્ર મામલે રાષ્ટ્રીય એજન્સીઓ પણ તપાસમાં જોડાઈ હતી, કારણ કે ઘટના રેલવે જેવી સંવેદનશીલ વ્યવસ્થા સાથે સંકળાયેલી છે. પોલીસ દ્વારા વધુ પૂછપરછ અને ટેક્નિકલ તપાસ હાથ ધરવામાં આવી રહી છે, જેથી ઘટનાના તમામ પાસાઓ સ્પષ્ટ થઈ શકે. હાલ પરિસ્થિતિ કાબૂમાં હોવાનું પોલીસ તંત્રએ જણાવ્યું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now