ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચૂંટણીમાં રાજકીય રીતે ચોંકાવનારું સમીકરણ સામે આવ્યું છે. તાલુકા પંચાયતની ચૂંટણીમાં સૌથી વધુ બેઠકો જીતનાર આમ આદમી પાર્ટીને સત્તાથી દૂર રાખવા ભાજપ અને કોંગ્રેસે સાથે મળીને વ્યૂહરચના અપનાવી હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.
ચૂંટણીના અંતે પ્રમુખ પદ માટે ભાજપના મગન વસાવાની પસંદગી કરવામાં આવી હતી, જ્યારે ઉપપ્રમુખ પદ પર કોંગ્રેસના નયના પ્રજાપતિની નિમણૂક કરવામાં આવી હતી. આ પરિણામ બાદ સ્થાનિક રાજકારણમાં ભારે ચર્ચા શરૂ થઈ છે.
નેત્રંગ તાલુકા પંચાયતની કુલ 16 બેઠકોમાંથી આમ આદમી પાર્ટીએ 8 બેઠકો જીતી સૌથી મોટા પક્ષ તરીકે સ્થાન મેળવ્યું હતું. જ્યારે ભાજપે 7 બેઠકો અને કોંગ્રેસે 1 બેઠક જીતી હતી. પરિણામો બાદ આમ આદમી પાર્ટી સત્તા રચશે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી હતી. જોકે, બાદમાં રાજકીય પરિસ્થિતિમાં મોટો વળાંક આવ્યો હતો.
આ પણ વાંચો: વાયરલ ક્લિપ મુદ્દે મહેસાણાના રાજકારણમાં ગરમાવો : ભાજપ નેતા પિન્ટુ પટેલની અટકાયત
આપના સભ્યના નિધનથી બદલાયું ગણિત
ચૂંટણી બાદ આમ આદમી પાર્ટીના એક સભ્યનું નિધન થતાં પાર્ટીને સંખ્યાબળમાં એક મતનું નુકસાન થયું હતું. જેના કારણે તાલુકા પંચાયતનું રાજકીય સમીકરણ બદલાઈ ગયું હતું. આ પરિસ્થિતિનો લાભ લઈ ભાજપે કોંગ્રેસ સાથે મળીને સત્તા રચવાની ચાલ ચાલી હોવાનું માનવામાં આવી રહ્યું છે.
રાજકીય વિશ્લેષકોના મતે, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં સત્તા જાળવી રાખવા માટે પક્ષો વચ્ચે આ પ્રકારના અણધાર્યા ગઠબંધનો નવી બાબત નથી. જોકે, ભાજપ અને કોંગ્રેસ જેવી પરંપરાગત વિરોધી પાર્ટીઓએ સાથે મળીને આપને સત્તાથી દૂર રાખવાનો નિર્ણય લેતા સ્થાનિક રાજકારણમાં ભારે ચર્ચા જગાવી છે.
પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી દરમિયાન તાલુકા પંચાયત કચેરી ખાતે રાજકીય ગરમાવો પણ જોવા મળ્યો હતો. વિવિધ પક્ષોના કાર્યકરો અને સમર્થકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પરિણામ જાહેર થયા બાદ ભાજપ અને કોંગ્રેસના કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો, જ્યારે આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં નિરાશા ફેલાઈ હતી.
સ્થાનિક રાજકારણમાં નવા સંકેતો
નેત્રંગ તાલુકા પંચાયતની આ ચૂંટણીને સ્થાનિક રાજકારણ માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં આમ આદમી પાર્ટીનો વધતો પ્રભાવ ભાજપ અને કોંગ્રેસ બંને માટે પડકારરૂપ બની રહ્યો હોવાનું રાજકીય વિશ્લેષકો માને છે.
આ પણ વાંચો: બનાસકાંઠાનાં વડગામ તાલુકા પંચાયતની પ્રમુખની ચૂંટણીમાં તંગદિલીનો માહોલ : કોંગ્રેસનાં સભ્યોએ મચાવ્યો હોબાળો
સ્થાનિક રાજકીય જાણકારોના કહેવા મુજબ, ભાજપે તાલુકા પંચાયત પર પોતાનું નિયંત્રણ જાળવી રાખવા માટે કોંગ્રેસનો સહકાર મેળવ્યો હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. બીજી તરફ કોંગ્રેસે પણ ઉપપ્રમુખ પદ મેળવતા રાજકીય રીતે પોતાનું અસ્તિત્વ જાળવવાનો પ્રયાસ કર્યો હોવાનું માનવામાં આવે છે.
આ ઘટનાએ રાજ્યના સ્થાનિક રાજકારણમાં નવા રાજકીય સમીકરણો અને ભવિષ્યમાં સંભવિત ગઠબંધનો અંગે ચર્ચાઓને વધુ વેગ આપ્યો છે. આગામી સમયમાં આ રાજકીય ગઠબંધનની અસર અન્ય સ્થાનિક સંસ્થાઓમાં પણ જોવા મળે છે કે નહીં તે હવે જોવાનું રહેશે.






