બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકા પંચાયત પ્રમુખ પદ માટે યોજાયેલી ચૂંટણી દરમિયાન ભારે હોબાળો થયો હતો. તાલુકા પંચાયત હોલમાં ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે કોંગ્રેસના સભ્યો દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં તંગદિલીનો માહોલ ઉભો થયો હતો.
ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કોંગ્રેસના સભ્યોએ હોલની અંદર જ બબાલ શરૂ કરી હતી. બીજી તરફ તાલુકા પંચાયત કચેરી બહાર કોંગ્રેસના સમર્થકો પણ એકત્રિત થઈ સૂત્રોચ્ચાર અને વિરોધ પ્રદર્શન કરતા જોવા મળ્યા હતા. ઘટનાને કારણે થોડા સમય માટે ચૂંટણી પ્રક્રિયા પર પણ અસર પડી હોવાનું જાણવા મળ્યું છે.
કોંગ્રેસના કુલ 14 સભ્યોમાંથી 13 સભ્યો ચૂંટણી સમયે હાજર રહ્યાં હતા, જ્યારે ભાજપ તરફથી 13 ઉમેદવારો હાજર હોવાનું સામે આવ્યું છે. સાથે જ એક અપક્ષ સભ્યની હાજરીનાં કારણે રાજકીય ગણિત વધુ રસપ્રદ બન્યું હતું. આ પરિસ્થિતિ વચ્ચે બંને પક્ષના કાર્યકરોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી હતી.
ચૂંટણી પ્રક્રિયા દરમિયાન રાજકીય ગરમાવો
પ્રમુખ પદની ચૂંટણીને લઈને છેલ્લા કેટલાક દિવસોથી રાજકીય હલચલ તેજ બની હતી. બંને પક્ષોએ પોતાના સભ્યોને એકજૂથ રાખવા પ્રયાસો શરૂ કર્યા હતા. ચૂંટણીના દિવસે સભ્યોની હાજરી અને સંખ્યાબળને લઈને પણ ચર્ચાઓ ચાલી રહી હતી.
ચૂંટણી પ્રક્રિયા દરમિયાન થયેલી બબાલને કારણે તાલુકા પંચાયત હોલમાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસ અને વહીવટી તંત્ર પણ સતર્ક બન્યું હતું. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સ્થળ પર સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી હતી.
આ પણ વાંચો: વાયરલ ક્લિપ મુદ્દે મહેસાણાના રાજકારણમાં ગરમાવો : ભાજપ નેતા પિન્ટુ પટેલની અટકાયત
સમર્થકોમાં ભારે ઉત્સાહ અને સૂત્રોચ્ચાર
તાલુકા પંચાયત કચેરી બહાર બંને પક્ષોના સમર્થકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. કોંગ્રેસના સમર્થકો દ્વારા વિરોધ અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો, જ્યારે ભાજપ સમર્થકો પણ ચૂંટણી પરિણામને લઈને આતુરતા વ્યક્ત કરતા જોવા મળ્યા હતા.
ઘટનાને કારણે વિસ્તારમાં થોડો સમય રાજકીય માહોલ ગરમાયો હતો. જોકે, વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા પરિસ્થિતિ કાબૂમાં લેવા પ્રયાસો કરવામાં આવ્યા હતા. હાલ સમગ્ર મામલે વધુ કાર્યવાહી અને ચૂંટણી પ્રક્રિયાના અંતિમ પરિણામ પર સૌની નજર ટકેલી છે.
બનાસકાંઠાના વડગામ તાલુકામાં પંચાયતમાં ભારે હોબાળા અને ધક્કામુક્કી વચ્ચે કોંગ્રેસના આંતરિક ભંગાણ તેમજ અપક્ષના ટેકાથી ભાજપે ઓપરેશન લોટસ પાર પાડી સત્તા મેળવી લીધી છે.તો બીજી તરફ લાઠીમાં કોંગ્રેસને પછાડવા આપના સભ્યને સુકાન સોંપાયું.
વડગામ તાલુકા પંચાયતમાં ભાજપે મેદાન માર્યું તો દાતા તાલુકા પંચાયતમાં પણ ભાજપનો ભગવો લહેરાયો. વડગામ તાલુકા પંચાયતમાં કોંગ્રેસના એક ઉમેદવાર ગેરહાજર રહ્યા તો અપક્ષે ભાજપને સમર્થન આપ્યું, અનુબહેન તાલુકા પંચાયતનાં પ્રમુખ બન્યા, દાતા તાલુકા પંચાયતમાં કોંગ્રેસના એક સભ્યએ ભાજપને આપ્યું સમર્થન. દાતા તાલુકા પંચાયતમાં ટાઈ પડી હતી જ્યારે વડગામ તાલુકા પંચાયતમાં 14 કોંગ્રેસ 13 ભાજપને 1 અપક્ષ એમ બેઠકો હતી. વડગામ તાલુકા પંચાયતમાં અનુબેન ઉલાણા તો દાતા તાલુકા પંચાયતમાં પિન્કીબેન ચૌધરી ભાજપમાંથી ચૂંટાયા.






