Nepal MPs visit Gujarat: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની શુભેચ્છા મુલાકાત નેપાળની સંસદના 14 જેટલા યુવા સાંસદો અને વિવિધ 8 રાજકીય પક્ષોના અગ્રણીઓએ ગાંધીનગરમાં લીધી હતી. નેપાળના ધી ફ્રી યુથ ડેમોક્રેટિક ઓર્ગેનાઇઝેશનના નેજા તળે આ યુવા સાંસદો અને 8 જેટલા પક્ષોના અગ્રણીઓ ગુજરાતના સાપ્તાહિક પ્રવાસે આવેલા છે. આ પ્રવાસ દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટી, દ્વારકા, સોમનાથ, અમૂલ ડેરી આણંદ વગેરે સ્થળોની મુલાકાત ડેલિગેશન લેવાનું છે.
નેપાળના સંસદો ગુજરાત પ્રવાસે
ગુજરાત પ્રવાસનો પ્રારંભ આ ડેલીગેશને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ગાંધીનગરમાં સૌજન્ય મુલાકાતથી કર્યો હતો. નેપાળના સાંસદો અને વિવિધ રાજકીય પક્ષોના અગ્રણીઓએ ગુજરાતે ભારતના વિકાસ રોલ મોડલ તરીકે શિક્ષણ, આરોગ્ય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઔદ્યોગિક વિકાસ, સહકારીતા તથા રોજગારીના ક્ષેત્રમાં જે સીમાચિન્હ રૂપ વિકાસ સાધ્યો છે તે જાણીને તેઓ પ્રભાવિત થયા હોવાની લાગણી વ્યક્ત કરી હતી. ડેલીગેશનના સભ્યોએ એમ પણ કહ્યું કે, સમૃદ્ધ નેપાળના નિર્માણ માટે ભારત-ગુજરાત પાસેથી કઈ રીતે વિકાસ રાહે આગળ વધી શકાય, લોકોને સાથે રાખીને તથા સાયન્સ ટેકનોલોજીના મહત્તમ ઉપયોગથી કઈ રીતે વિકાસ થઈ શકે તે જાણવા અને સમજવાનો તેમના આ પ્રવાસનો હેતુ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સંદર્ભમાં ડેલિગેશનને ગુજરાતના પ્રભાવક વિકાસની ભૂમિકા આપતા સ્પષ્ટપણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિઝનરી લીડરશીપમાં વિકાસની રાજનીતિનો નવો ઇતિહાસ રચાયો છે.
મુખ્યમંત્રીએ શું કહ્યું?
તેમણે ઉમેર્યું કે, સૌને સાથે રાખીને અને છેવાડાના, ગરીબ માનવીના હિતને કેન્દ્રમાં રાખીને યોજનાઓ બનાવીને તેનો લાભ 100 ટકા લાભાર્થીઓ સુધી પહોંચાડવાની, સૌના સાથ સૌના વિકાસની વડાપ્રધાનની કાર્યપદ્ધતિનો સૌથી વધુ લાભ ગુજરાતને મળ્યો છે. વિકાસના સ્પષ્ટ વિઝન અને પોલિટિકલ વિલ બેયના સમન્વયથી વડાપ્રધાનએ દેશનો જે વિકાસ કર્યો છે તે દુનિયાના અન્ય દેશો માટે ઉદાહરણીય છે એમ પણ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. આ ડેલિગેશનના સભ્યોએ ગુજરાતના વિકાસના વિવિધ પહેલું વિશે જાણવામાં પણ ઊંડો રસ દર્શાવ્યો હતો. મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ, ઉદ્યોગ કમિશનર પી. સ્વરૂપ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ આ સૌજન્ય મુલાકાત બેઠકમાં ઉપસ્થિત રહ્યાં હતા.






