Umreth by-election: ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ઉમરેઠ વિધાનસભા પેટાચુંટણી માટેના ભાજપાના ઉમેદવાર હર્ષદ પરમારના ઉમેદવારીપત્રક ભર્યું હતું. આ પૂર્વે વિશાળ જાહેરસભા યોજાઈ હતી જેને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સંબોધી હતી. જાહેરસભા બાદ કાર્યકર્તાઓના વિશાળ જનસમૂહ સાથે ભવ્ય રેલી યોજાઇ હતી જે દરમિયાન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નાગરિકોનું અભિવાદન ઝીલ્યું હતું. ત્યારબાદ હર્ષદ પરમારે નામાંકન નોંધાવ્યું હતું.
ગોવિંદભાઈ પરમારને ભાવભીની શ્રદ્ધાંજલિ
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે જાહેરસભામાં તેમના સંબોધનમાં ઉમરેઠના પૂર્વ ધારાસભ્ય સ્વ. ગોવિંદભાઈ પરમારને ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને જણાવ્યું હતું કે, તેમની અણધારી વિદાયથી મોટી ખોટ પડી છે, પરંતુ તેમના આત્મીય સ્વભાવ, વિનમ્રતા અને લોકસેવાની લાંબી રાજકીય કારકિર્દીને માત્ર આ વિસ્તાર જ નહીં પણ સમગ્ર ગુજરાત હંમેશા યાદ રાખશે. સ્વ. ગોવિંદભાઈએ જન-જન સુધી પહોંચીને જે સેવાનું કાર્ય કર્યું છે, તેને આગળ ધપાવવા માટે ભાજપે હર્ષદભાઈ પરમાર પર પસંદગીનો કળશ ઢોળીને જનસેવાની જવાબદારી સોંપી છે.
વિકાસની રાજનીતિ થકી લોકોના વિશ્વાસને પરિપૂર્ણ કર્યો
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ભારતીય જનતા પાર્ટીના અતૂટ જનવિશ્વાસનો ઉલ્લેખ કરતા ભારપૂર્વક જણાવ્યું હતું કે, PM નરેન્દ્ર મોદીએ વિકાસની રાજનીતિ થકી લોકોના વિશ્વાસને પરિપૂર્ણ કર્યો છે. આજે જ્યારે વૈશ્વિક સ્તરે યુદ્ધના લીધે ઊભી થયેલી અસ્થિરતાને કારણે મોટા દેશોમાં પણ લોકોમાં ઉચાટ જોવા મળે છે, ત્યારે ભારતમાં પ્રવર્તતી શાંતિ અને સ્થિરતાના મૂળમાં PMનું મજબૂત અને વિશ્વાસપાત્ર નેતૃત્વ રહેલું છે. PM નરેન્દ્ર મોદીએ હંમેશા છેવાડાના અને નાનામાં નાના માણસની ચિંતા કરીને વિકાસની નવી પરિભાષા અંકિત કરી છે. ભાજપા પ્રત્યે જનતા નો વિશ્વાસ દિવસેને દિવસે મજબૂત બનતો જાય છે, જેનો આધાર દેશના લોકપ્રિય નેતા PM નરેન્દ્ર મોદીના દૃઢ અને દુરંદેશી નેતૃત્વ છે.
આ પણ વાંચો: ચૂંટણીમાં ભાજપ વોર્ડ દીઠ તૈયાર કરશે 12 નામોની પેનલ : જાણો 12 માંથી કેવી રીતે નક્કી કરવામાં આવશે 4-4 નામો
તમામ કામોને રાજ્ય સરકાર પ્રાથમિકતા આપી પૂર્ણ કરશે
પટેલે ઉમરેઠની જનતાને કહ્યું હતું કે, સ્વ. ગોવિંદભાઈએ ઉમરેઠ વિધાનસભા વિસ્તારમાં જે વિકાસના કાર્યો શરૂ કરાવ્યા છે અને જે કાર્યો આયોજન હેઠળ છે, તે તમામ કામોને રાજ્ય સરકાર પ્રાથમિકતા આપી પૂર્ણ કરશે અને ઉમરેઠના સર્વાંગી વિકાસ માટે સતત કાર્યરત રહેશે. તેમણે સૌ નાગરિકોને લોકશાહીના આ પર્વમાં મતદાનના દિવસે મોટી સંખ્યામાં મતદાન કરવા અને ભાજપના ઉમેદવારને જંગી બહુમતીથી વિજયી બનાવી વિકાસની આ યાત્રાને વધુ વેગવંતી બનાવવા અપીલ કરી હતી.
આ પ્રસંગે રાજ્ય સરકારના મંત્રીઓ રમણ સોલંકી, સંજયસિંહ મહિડા, કમલેશ પટેલ, સાંસદ મિતેષ પટેલ, ધારાસભ્યઓ યોગેશપટેલ, ચિરાગ પટેલ, વિધાનસભાના પ્રભારી પૂર્વ મંત્રી પ્રદિપસિંહ જાડેજા, ઇન્ચાર્જ હસમુખ પટેલ, જિલ્લા પ્રમુખ સંજય પટેલ સહિત ભાજપા આગેવાનો, અગ્રણીઓ, કાર્યકર્તાઓ તેમજ વિશાળ સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.





