અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગે એક મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરી છે, જેમાં બેંગકોકથી આવેલ એક ભારતીય મુસાફર પાસેથી પ્રતિબંધિત નશીલા પદાર્થનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ વ્યક્તિએ હેન્ડ બેગમાં ચાલાકીથી છુપાવીને હાઇડ્રોપોનિક ગાંજો ભારત લાવવાનો પ્રયાસ કર્યો હતો. તપાસ દરમિયાન કુલ 1.107 કિલોગ્રામ જેટલો જથ્થો મળી આવ્યો હતો, જેને તાત્કાલિક જપ્ત કરવામાં આવ્યો છે.
શું છે સમગ્ર મામલો?
આ મામલે કસ્ટમ્સ વિભાગે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પકડાયેલા મુસાફરની ધરપકડ કરીને તેની સામે ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ તપાસ એ દિશામાં આગળ વધી રહી છે કે આ નશીલા પદાર્થનો જથ્થો કોને સપ્લાય થવાનો હતો અને તેની પાછળ કોઈ સંગઠિત ગેંગ અથવા સિન્ડિકેટ સંકળાયેલું છે કે નહીં. અધિકારીઓ વિવિધ એજન્સીઓ સાથે સંકલન કરીને વધુ માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
આ ઘટનાએ ફરી એકવાર એરપોર્ટ સુરક્ષા વ્યવસ્થાની સતર્કતા અને કડક દેખરેખને ઉજાગર કરી છે. છેલ્લા કેટલાક સમયથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ મારફતે નશીલા પદાર્થોની હેરાફેરીના પ્રયાસોમાં વધારો જોવા મળી રહ્યો છે, જેને ધ્યાનમાં રાખીને સુરક્ષા એજન્સીઓ વધુ ચુસ્ત બની છે.
આ પણ વાંચો: અમદાવાદ એરપોર્ટ પર DRIનો સપાટો : બેંગકોકથી લવાયેલો હાઇબ્રિડ ગાંજો જપ્ત, 2ની ધરપકડ
અગાઉ પણ પકડ્યો હતો 2 કરોડો હાઇબ્રીડ ગાંજો
ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ અમદાવાદ એરપોર્ટ પર સમાન પ્રકારની કાર્યવાહી કરવામાં આવી હતી. તે વખતે ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) અને એર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU)એ સંયુક્ત ઓપરેશન હાથ ધરીને બેંગકોકથી આવેલા બે શખસો પાસેથી અંદાજે બે કરોડ રૂપિયાથી વધુ કિંમતનો હાઈબ્રિડ ગાંજો જપ્ત કર્યો હતો. આ બંને કેસો બતાવે છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે કાર્યરત નશીલા પદાર્થોની ચેઇનને તોડવા માટે ભારતીય એજન્સીઓ સતત સક્રિય છે.





