Home Gujarat Neet Ug Re Exam Gujarat 79000 Students Ahmedabad Drone Security

દેશભરમાં આવતીકાલે NEET-UG રી-એક્ઝામ : ગુજરાતના 79 હજારથી વધુ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા, અમદાવાદમાં ડ્રોનથી દેખરેખ

re neet પરીક્ષા માટે જતાં વિદ્યાર્થીઑ દર્શવાતું દ્રશ્ય
Play Video
Published by: Chintan Chavda
Last Updated: Jun 20, 2026, 11:05 AM IST

અમદાવાદ: દેશભરમાં આવતીકાલે યોજાનારી NEET-UG રી-એક્ઝામને લઈને કેન્દ્ર અને રાજ્ય સરકારો સહિત વહીવટી તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ બન્યું છે. ગુજરાતમાં 79 હજારથી વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં ભાગ લેશે, જ્યારે દેશભરમાં અંદાજે 22 લાખ ઉમેદવારો પરીક્ષા આપવા જઈ રહ્યા છે. અગાઉ યોજાયેલી NEET-UG પરીક્ષાના પ્રશ્નપત્ર લીક થવાના વિવાદ બાદ પરીક્ષાની વિશ્વસનીયતા જાળવવા માટે ફરીથી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. મેડિકલ અભ્યાસમાં પ્રવેશ માટેની દેશની સૌથી મહત્વપૂર્ણ પ્રવેશ પરીક્ષાઓમાંની એક ગણાતી NEET-UG સાથે લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોડાયેલું છે. પેપર લીકની ઘટનાએ પરીક્ષા પ્રણાલી અંગે અનેક પ્રશ્નો ઊભા કર્યા હતા, જેના કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં પણ ચિંતા ફેલાઈ હતી. હવે રી-એક્ઝામ દરમિયાન કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે વિશેષ સુરક્ષા અને મોનિટરિંગ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

અમદાવાદમાં 23 કેન્દ્રો પર 10 હજારથી વધુ ઉમેદવારો

અમદાવાદ શહેરમાં NEET-UG રી-એક્ઝામ માટે 23 પરીક્ષા કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે. અહીં કુલ 10,445 ઉમેદવારો પરીક્ષા આપશે. પરીક્ષા શાંતિપૂર્ણ અને પારદર્શક રીતે પૂર્ણ થાય તે માટે શહેર પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ પોલીસ દ્વારા તમામ પરીક્ષા કેન્દ્રોની આસપાસ કડક સુરક્ષા ગોઠવવામાં આવી છે. પ્રશ્નપત્રોને કેન્દ્રો સુધી પહોંચાડવા માટે વિશેષ પોલીસ એસ્કોર્ટ આપવામાં આવશે. ઉપરાંત, દરેક કેન્દ્રની આસપાસની સ્થિતિનું પોલીસ કંટ્રોલ રૂમમાંથી લાઈવ મોનિટરિંગ કરવામાં આવશે.

આ પણ વાંચો: NEET Re-Exam પહેલાં NTAની મોટી ચૂક? : નાગપુરના વિદ્યાર્થીને અબુ ધાબીનું પરીક્ષા કેન્દ્ર ફાળવાતા હડકંપ

ડ્રોન, સીસીટીવી અને સાયબર મોનિટરિંગથી રહેશે નજર

NEET-UG રી-એક્ઝામ દરમિયાન કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ અથવા ગેરરીતિ અટકાવવા માટે આધુનિક ટેક્નોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવશે. અમદાવાદ શહેરમાં આઠ ડ્રોન દ્વારા પરીક્ષા કેન્દ્રોની બહાર અને આસપાસના વિસ્તારો પર સતત નજર રાખવામાં આવશે. સાથે જ શહેરની ક્રાઈમ બ્રાન્ચ અને સાયબર ક્રાઈમ બ્રાન્ચને પણ વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે. સોશિયલ મીડિયા પર કોઈ અફવા, ખોટી માહિતી અથવા પેપર લીક સંબંધિત ભ્રામક સંદેશાઓ ફેલાવવામાં ન આવે તે માટે સતત મોનિટરિંગ કરવામાં આવશે. પરીક્ષા કેન્દ્રોની આસપાસના સીસીટીવી કેમેરાઓ પર પણ પોલીસ કંટ્રોલ રૂમમાંથી સતત નજર રાખવામાં આવશે. આ સમગ્ર કામગીરી માટે છ ડીસીપી, 15 પોલીસ ઇન્સ્પેક્ટર સહિતનો વિશાળ પોલીસ સ્ટાફ તૈનાત રહેશે. ઉપરાંત, અમદાવાદના 15 પોલીસ સ્ટેશન અને 14 ટ્રાફિક પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ પરીક્ષા દરમિયાન ફરજ પર રહેશે.

આ પણ વાંચો: અમદાવાદમાં RE-NEET માટે મેગા મોકડ્રિલ : પોલીસ, ડ્રોન અને ટ્રાફિક ટીમો એક્શનમાં

ઉમેદવારોની મુસાફરી સરળ બનાવવા ખાસ ટ્રેનો

રી-એક્ઝામમાં ભાગ લેતા વિદ્યાર્થીઓની વધારાની મુસાફરીની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ ત્રણ વિશેષ ટ્રેનો દોડાવવાનો નિર્ણય કર્યો છે. પરીક્ષા કેન્દ્રો સુધી વિદ્યાર્થીઓ સરળતાથી પહોંચી શકે તે માટે આ ટ્રેનો ખાસ ભાડા સાથે ચલાવવામાં આવશે. મણિનગર–બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ ટ્રેન આણંદ, વિશ્વામિત્રી, ભરુચ, સુરત, નવસારી, વલસાડ, વાપી, પાલઘર અને બોરીવલી સહિતના સ્ટેશનો પર રોકાશે. જ્યારે ઓખા–ગાંધીનગર કેપિટલ સ્પેશિયલ ટ્રેન દ્વારકા, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર અને વિરમગામ જેવા મહત્વના શહેરોને જોડશે. ભાવનગર ટર્મિનસ–ગાંધીગ્રામ સ્પેશિયલ ટ્રેન પણ સૌરાષ્ટ્ર વિસ્તારના વિદ્યાર્થીઓ માટે ઉપયોગી બનશે. ભાવનગર, સિહોર, બોટાદ, ધંધુકા, ધોળકા અને બાવળા સહિતના સ્ટેશનો પર આ ટ્રેનને હોલ્ટ આપવામાં આવ્યો છે.

NTAની માર્ગદર્શિકા: ધાર્મિક પ્રતિકો પર પ્રતિબંધ નહીં

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ પરીક્ષા પૂર્વે ડ્રેસ કોડ અને સુરક્ષા વ્યવસ્થા અંગે મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરી છે. એજન્સીના જણાવ્યા મુજબ પાઘડી, હિજાબ, સિંદૂર, મંગળસૂત્ર અથવા અન્ય ધાર્મિક પ્રતિકો સાથે જોડાયેલી વસ્તુઓ પર કોઈ પ્રતિબંધ મૂકવામાં આવ્યો નથી. જો કે, આવા વસ્ત્રો અથવા ધાર્મિક પ્રતિકો ધારણ કરનારા ઉમેદવારોને વધારાની સુરક્ષા તપાસમાંથી પસાર થવું પડી શકે છે. તેથી તેમને પરીક્ષા કેન્દ્ર પર નિર્ધારિત સમય કરતાં વહેલા પહોંચવાની સલાહ આપવામાં આવી છે.

આ પણ વાંચો: NEET Re-Examના એક દિવસ પહેલા વધુ એક વિદ્યાર્થીએ જીવન ટુંકાવ્યું : ડોક્ટર બનવાનું સપનું અધૂરું રહ્યું! ગાઝિયાબાદના 22 વર્ષીય જતિનના મોબાઇલમાં મળ્યો ભાવુક વીડિયો

વિશ્વસનીયતા જાળવવાનો પડકાર

પેપર લીકની ઘટનાએ દેશની સૌથી મોટી પ્રવેશ પરીક્ષાઓમાંની એક NEET-UGની વિશ્વસનીયતા પર સવાલો ઊભા કર્યા હતા. હવે રી-એક્ઝામ દ્વારા NTA અને સરકાર માટે સૌથી મોટો પડકાર પરીક્ષાને સંપૂર્ણ પારદર્શિતા અને સુરક્ષા સાથે સફળતાપૂર્વક પૂર્ણ કરવાનો છે. વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષણ જગતની નજર હવે આવતીકાલે યોજાનારી પરીક્ષા પર ટકેલી છે. સુરક્ષા, મોનિટરિંગ અને પરિવહન સહિતની વિશેષ વ્યવસ્થાઓને જોતા તંત્રને આશા છે કે આ વખતે પરીક્ષા કોઈ વિવાદ વિના સફળતાપૂર્વક પૂર્ણ થશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now